Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

સંકીર્ણ રાજનીતિ

15/05/2021 00:05 Send-Mail

કોરોના સંક્રમણથી પેદા થયેલા ભીષણ સંકટ સમયે વિપક્ષના કેટલાક નેતાઓને કઈ રીતે હલકી રાજનીતિ કરવાનું સૂઝી રહ્યું છે, તેનું ઉદાહરણ છે એક ડઝન વિપક્ષી દળોના નેતાઓ તરફથી વડાપ્રધાનને લખવામાં આવેલ પત્ર. આ પત્ર નેક ઇરાદાથી લખવામાં આવ્યો હોવાનો દેખાડો કરવા માટે ભલે તેમાં રસીકરણ અભિયાન ઝડપી બનાવવા, રસીની ઉપલબ્ધતા વધારવા અને જરૂરિયાતમંદોને અનાજ ઉપલબ્ધ કરાવવા જેવા સૂચનો કરવામાં આવ્યા હોય, પરંતુ સેન્ટ્રલ વિસ્ટાનું કામ રોકી દેવા અને નવા કૃષિ કાયદા રદ્દ કરવા જેવાં સૂચનોથી સંકીર્ણ ઇરાદાઓની પોલ ખૂલી જાય છે. આ પત્ર કુલ મળીને એ જ દર્શાવે છે કે વિપક્ષી દળો આ સંકટ કાળમાં પણ ના તો રાજકીય એકજુટતાનો પરિચય આપવા તૈયાર છે અને ના પોતાની જવાબદારી સમજવા માટે. આશ્ચર્ય નહીં કે તેઓ પોતાની જવાબદારીથી બચવા માટે જ આ બધું કરી રહ્યા હોય, કારણ કે તથ્ય એ જ છે કે જેમ કેન્દ્ર સરકાર એનું અનુમાન ન લગાવી શકી કે કોરોના સંક્રમણની બીજી લહેર આટલી ભયાવહ હશે, એવી જ રીતે એ રાજ્ય સરકારો પણ ન લગાવી શકી, જેમના મુખ્યમંત્રીઓએ વડાપ્રધાનને લખેલા પત્રમાં પોતાની સહી કરી છે! સહી કરનારા લોકોમાં એવા પણ નેતા છે, જેઓ કાલ સુધી કોવિડ પ્રતિરોધક રસીને ભાજપી વેક્સીન ગણાવીને તેને લેવાનો ખુલ્લેઆમ ઇનકાર કરીને લોકોને ભડકાવતા હતા.
એનાથી શરમજનક બીજું શું હોય કે આટલા ગહન સંકટના સમયે કેટલાક મુખ્ય વિપક્ષી દળો રાજકીય રોટલા શેકવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે જણાવવું જોઇએ કે આખરે સેન્ટ્રલ વિસ્ટાનું કામ રોકી દેવાથી કોરોનાના પ્રકોપથી છૂટકારો મેળવવામાં કેવી રીતે મદદ મળશે? જો તેઓ એ સંકેત આપવા માંગતા હોય કે જે પૈસા કોરોના સંકટનો મુકાબલો કરવામાં વપરાવા જોઇએ, તે સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણમાં વપરાઈ રહ્યા છે તો એ લોકોને માત્ર ગુમરાહ કરવાની ચાલ સિવાય બીજું કશું જ નથી. જો સેન્ટ્રલ વિસ્ટાનું કામ રોકી દેવામાં આવે છે તો તેના નિર્માણમાં લાગેલા મજૂરોના પેટ પર જ લાત પડશે. શું વિપક્ષી નેતાઓ આ જ ઇચ્છી રહ્યા છે? સવાલ એ પણ છે કે શું આવું થવાથી કોરોનાનું સંક્રમણ અટકી જશે? વડાપ્રધાનને પત્ર લખનારા નેતાઓમાં કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલી કેન્દ્ર સરકારની મદદ કરવામાં કોઈ દિલચસ્પી નથી, તેની જાણ ત્રણેય નવા કૃષિ કાયદા રદ્દ કરવાના તેમના સૂચનથી પણ થાય છે. શું આ કાયદાઓને કારણે કોરોના ફેલાઈ રહ્યો છે? કોરોના તો એ કથિત ખેડૂત નેતાઓના સડક કબ્જાવીને બેસી રહેવાથી ફેલાઈ રહ્યો છે, જેઓ સંક્રમણના ખતરા બાદ પણ ધરણાં ખતમ કરવા તૈયાર નથી. આખરે આ રાજકીય બેઈમાની નથી તો બીજું શું છે કે વિપક્ષ એ અડિયલ નેતાઓને ધરણાં ખત્મ કરવા માટે નથી કહી શક્યો?