Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

કોરોનાનું કામ તમામ કરતી ડીઆરડીઓની ‘સંજીવની’

15/05/2021 00:05 Send-Mail

કોરોના સંક્રમણની વધતી ઝડપથી આખો દેશ ત્રાહિમામ પોકારી રહ્યો છે એવામાં કોઈ એવી ‘સંજીવની’ બુટ્ટીની જરૂર છે જે ન માત્ર આ રફ્તાર પર બ્રેક લગાવે, બલ્કે ઓક્સિજનની અછતથી થતાં મોતના આંકડા પણ રોકી શકે. એવામાં બહુ આશાનું કિરણ બનીને આવ્યું છે રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ), જે ન માત્ર દેશને રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં જોડાયેલી છે, બલ્કે કોરોના મહામારીના દોરમાં પણ નિરંતર હરસંભવ મદદના પ્રયાસ કરી રહી છે.
અત્યારે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે, પરંતુ વેક્સિનનું ધીમું ઉત્પાદન જોતાં તે ક્યારે પૂરું થશે અને ક્યારે બધાને વેક્સિન મળશે તે કહી શકાય તેમ નથી એવામાં કોઈ એવી દવાની સખત જરૂરિયાત અનુભવાઈ રહી છે, જે પ્રતિદિન કોરોનાના વધી રહેલ ગ્રાફને ઝડપથી નીચે લાવી શકે અને લાખો દેશવાસીઓના જીવ બચાવી શકે. નવી દવાના પરીક્ષણમાં જે પરિણામો સામે આવ્યાં છે, તેને જોતાં માનવામાં આવે છે કે ડીઆરડીઓની પ્રતિષ્ઠિત પ્રયોગશાળા નાભિકીય ઔષધિ તથા સંબદ્ઘ વિજ્ઞાન સંસ્થાન (આઇએનએમએએસ) દ્વારા વિકસિત અને ડો.રેડ્ડી લેબોરેટરી દ્વારા તૈયાર કરવામાં આવેલ ૨-ડીજી નામની દવા કોરોનાના ઇલાજમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. દાવો કરાય છે કે આ દવાના ઉપયોગથી દર્દી વહેલા સાજા થાય છે.
દવા નિયામક ‘ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા’ (ડીજીસીઆઇ) દ્વારા ડીઆરડીઓની બનાવેલી કોરોનાની નવી દવા ૨-ડીઓક્સી-ડી-ગ્લૂકોઝ (૨-ડીજી)ના આપાત ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. રક્ષા મંત્રાલયનું આ દાવા સંબંધે કહેવું છે કે ૨-ડીજી સાથે જે દર્દીઓની સારવાર થઈ, તેમાંથી મોટાભાગનાની આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો અને તેમનામાં ઝડપથી રોગનાં લક્ષણો ઘટતાં દેખાયાં. મોં વાટે લેવાની આ દવાનો હવે કોરોનાના મધ્યમથી ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવારમાં ઉપયોગ કરી શકાશે. આ દવા પાઉડર રૂપે એક પેકેટમાં આવે છે, જેને પાણીમાં ઓગાળીને દર્દીને આપવામાં આવે છે. પરીક્ષણમાં ડીઆરડીઓની આ દવાનાં ઘણાં સારાં પરિણામ સામે આવ્યાં છે અને તેના ક્લીનિકલ ટ્રાયલ સફળ સાબિત થયા છે. ડીઆરડીઓનો દાવો છે કે જે દર્દીઓ પર આ દવાનો ટ્રાયલ કરવામાં આવ્યો, તેમાં ઝડપથી રિકવરી જોવા મળી, એટલું જ નહીં, એવા દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા પણ ઓછી થઈ ગઈ. ડીઆરડીઓના વૈજ્ઞાનિકો અનુસાર આ દવા હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓને ઝડપથી સાજા થવામાં મદદ કરવાની સાથે સાથે વધુ પડતા ઓક્સિજનની નિર્ભરતાને પણ ઓછી કરે છે. તેની પુષ્ટિ દવાના ત્રીજા ચરણના ટ્રાયલમાં થઈ છે, જેનાં સારાં પરિણામ આવ્યાં છે, ત્યારબાદ જ આ દવાના ઇમરજન્સી ઉપયોગની સ્વીકૃતિ આપવામાં આવી છે.
વૈજ્ઞાનિકો અનુસાર વાયરસના વિકાસ માટે ગ્લૂકોઝનું હોવું જરૂરી છે અને જો કોરોના વાયરસને શરીરમાં ગ્લૂકોઝ નહિ મળે તો તેની વૃદ્ઘિ અટકી જશે. સંક્રમિત કોશિકાઓમાં જમા થઈ ગયા બાદ ડીઆરડીઓ દ્વારા વિકસિત નવી દવા વાયરસ સંશ્લેષણ તથા ઊર્જા ઉત્પાદન કરીને વાયરસને ઓર વધવાથી રોકે છે. સંક્રમિત કોશિકા સાથે મળીને આ એક પ્રકારે સુરક્ષા દીવાલ બનાવી લે છે, જેનાથી વાયરસ એ કોશિકા સાથે જ અન્ય હિસ્સામાં પણ નહીં ફેલાઈ શકે. ડીઆરડીઓના વૈજ્ઞાનિક ડો.એ.કે. મિશ્રાનું કહેવું છે કે કોઈપણ ટિશ્યૂ કે વાયરસના વિકાસ માટે ગ્લૂકોઝ જરૂરી હોય છે, પરંતુ જો તેને ગ્લૂકોઝ ન મળે તો તેના ખતમ થઇ જવાની શક્યતા વધી જાય છે, તેનું અનુકરણ કરીને ગ્લૂકોઝનો એનેલોગ બનાવવામાં આવ્યો. તેમના અનુસાર વાયરસ કોશિકાને ચોંટેલી આ દવાને ગ્લૂકોઝ સમજીને ખાવાની કોશિશ કરશે, પરંતુ તે ગ્લૂકોઝ નથી, તેથી એ દવા ખાતાં જ કોરોના વાયરસનું મોત થઈ જશે અને દર્દી સાજો થવા લાગશે, એ જ આ દવાનો મૂળ સિદ્ઘાંત છે. કોરોના સંક્રમિત કોશિકા પર ખાસ રીતે કાર્ય કરવું જ આ દવાને વિશેષ બનાવે છે. ડીઆરડીઓના વૈજ્ઞાનિકો અનુસાર આ દવાથી ઓક્સિજનની કમી નહીં થાય અને જે દર્દીઓને ઓક્સિજનની જરૂર છે તેમને પણ આ દવા આપ્યા બાદ સંક્રમણની સંભાવના ઓછી થશે અને વાયરસ ખતમ થઈ જવાથી એવા દર્દી પણ જલદી રિકવર થવા લાગશે. આ પ્રકારે ડીઆરડીઓ દ્વારા વિકસિત આ સ્વદેશી દવા કોરોનાની સારવારમાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે.
ડીઆરડીઓએ આ દવાને એક સામાન્ય અણુ અને ગ્લૂકોઝના એનેલોગથી તૈયાર કરી છે, જેને કારણે તેનું ઉત્પાદન આસાનીથી થઈ શકશે. ડીઆરડીઓ દ્વારા ગયા વર્ષે કોરોનાના પ્રકોપ દરમ્યાન કોરોનાની આ દવા બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને વૈજ્ઞાનિકો દ્વારા હૈદરાબાદની સેલ્યુલર એન્ડ મોલેક્યૂલર બાયોલોજીની મદદથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ વચ્ચે આ દવાના ત્રણ ચરણનાં ક્લીનિકલ ટ્રાયલ થઈ ચૂક્યાં છે અને તેનાં ઘણાં સુખદ પરિણામો જોવા મળ્યાં છે. દવાનું પહેલા ચરણનું ટ્રાયલ એપ્રિલ-મે ૨૦૨૦માં પૂરું થયું હતું, જેમાં લેબમાં જ દવા પર પરીક્ષણ કરવામાં આવ્યાં હતાં. જરૂરી મંજૂરી બાદ બીજા ચરણનું ક્લીનિકલ ટ્રાયલ મે ૨૦૨૦ થી ઓક્ટોબર ૨૦૨૦ વચ્ચે થયું અને જેમાં દેશભરની ૧૧ વિભિન્ન હોસ્પિટલોમાં ભરતી કુલ ૧૧૦ દર્દીઓને સામેલ કરવામાં આવ્યા. આ ક્લીનિકલ ટ્રાયલ દરમ્યાન જોવા મળ્યું કે તેમાં તમામ દર્દીઓ અન્ય દર્દીઓની તુલનામાં અઢી દિવસ વહેલા સાજા થઈ ગયા. દવાના ત્રીજા ચરણનું ક્લીનિકલ ટ્રાયલ ડિસેમ્બર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ વચ્ચે કરાયું, જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક તથા તમિલનાડુની ૨૭ હોસ્પિટલોમાં ૨૨૦ દર્દીઓ પર દવાનું પરીક્ષણ કરતાં જોવા મળ્યું કે તેના ઉપયોગથી ૪૨ ટકા દર્દીઓને ત્રીજા દિવસથી મેડિકલ ઓક્સિજનની કોઈ જરૂર ન રહી.
ડીજીસીઆઇ અનુસાર ૨-ડીજી દવાના ઉપયોગથી કોરોના વાયરસના ગ્રોથ પર પ્રભાવી નિયંત્રણથી હોસ્પિટલમાં ભરતી કોરોના દર્દીઓના સ્વાસ્થ્યમાં ઝડપથી રિકવરી આવી અને એ ઉપરાંત તે મેડિકલ ઓક્સિજનની જરૂરિયાતને પણ ઘટાડે છે. રક્ષા મંત્રાલય અનુસાર આ દવાનું ઉત્પાદન બહુ જલ્દી અને ભારે માત્રામાં દેશમાં જ કરવું સંભવ છે, તેથી કોરોના સંક્રમિતોની સારવારમાં દવાની અછતની કોઈ સમસ્યા આવવાની સંભાવના નહીં રહે, એનાથી કોરોના દર્દીઓને ભારે રાહત મળશે.