Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

સંવેદનશીલતા પર થયેલું સંક્રમણ

15/05/2021 00:05 Send-Mail

આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ભારતે માની લીધું હતું કે હવે કોરોના નિયંત્રણમાં આવી ગયો છે. પ્રસન્નતાનું એક કારણ એ પણ હતું કે દુનિયાના તમામ દેશોને ભારતમાં બનેલી રસી અપાઈ રહી હતી. પછી એપ્રિલ-મેમાં સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી, જેનાથી આપણી તમામ સ્વાસ્થ્ય વ્યવસ્થા કથળી ગઈ, જે પહેલેથી જ ખસ્તાહાલ હતી. બીજા દેશોની સહાયતા કરવા જતાં આપણી સ્થિતિ એટલી બગડી કે વિશ્વના નાના-મોટા દેશો પાસે આપણે મદદ લેવી પડી. આ ભારત જેવા મહત્ત્વપૂર્ણ રાષ્ટ્ર માટે વિશ્વપટલ પર સન્માનની સ્થિતિ તો નથી જ. આ આપણા માટે કઠિન સમય છે. આજે અનેક પ્રકારની આશંકાઓ પ્રત્યેક વ્યક્તિના રોજિંદા જીવનમાં પેદા થઈ છે. કોઈ પરિજન કે પરિચિતને ફોન કરતાં પહેલાં કે તેનો ફોન આવતાં ચિંતા થવા લાગે છે. લગભગ દરેક પરિવારમાં કે તેની નજીકના પરિજનોમાં ક્યાંકને ક્યાંક કોઈ કોરોનાથી પીડિત છે કે થઈ ચૂક્યા છે. એવો કોઈ પરિવાર કે પરિચિત નથી, જે વર્તમાન સ્થિતિમાં સ્વાસ્થ્ય અને વ્યવસ્થા તંત્રની અસફળતાથી દુ:ખી ન હોય. તેનાથી જીવનનો દરેક પક્ષ પ્રભાવિત થઈ રહ્યો છે.
કષ્ટ સમયે સૌથી મોટો સહારો તો પોતાના લોકોનું પોતાપણું અને સધિયારાથી મળે છે. એ પારસ્પરિકતા પણ આ સમયે લોકડાઉન, પ્રતિબંધો અને અંતર રાખવાને કારણે વિખેરાઈ રહી છે. આ એ ૨૧મી સદીની વ્યાવહારિક સંવેદનશીલતા છે, જેને કોરોનાએ લગભગ અમાનવીય સ્થિતિમાં પહોંચાડી દીધી છે. પોતાનાની ઓળખ તો આપત્તિકાળમાં જ થાય છે. જો તેઓ જ અલગ થઈ જાય તો કષ્ટ કેટલાય ગણું વધી જાય છે. મનુષ્ય કોરોના પર વિજય તો પ્રાપ્ત કરશે જ, જીવન તથા સંબંધો પણ ફરી પાછા પાટા પર ચડશે. ઇચ્છા, આકાંક્ષા અને અભિપ્સા મનુષ્યને સદાય આગળ લઈ જાય છે. તે આ વખતે પણ સફળ રહેશે. કોઈપણ મહામારી, દુર્ઘટના કે વ્યવધાન માનવીય પ્રગતિને પ્રતિબંધિત નથી કરી શકી. તેને મનુષ્યની પ્રવૃત્તિ કહો કે નિયતિ, કે તે પોતાના અને પ્રકૃતિના સંબંધોમાં લાલચ આવી જતાં પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે અને સતત પોતાના માટે વિભિન્ન પ્રકારની સમસ્યાઓ પેદા કરી લે છે. ત્યારબાદ તે તેના સમાધાનમાં લાગી જાય છે અને દર વખતે સફળ પણ રહે છે. ટીબી, પોલિયો, શીતળા, પ્લેગ જેવી મહામારીઓ મનુષ્યએ વેઠી છે અને એના પર વિજય પણ પ્રાપ્ત કર્યો છે. ઇબોલાથી માંડીને વિશ્વભરમાં ભયાનક સ્થિતિની આશંકા પેદા થઈ હતી, પરંતુ અંતે તોડ કાઢી લેવાયો. યાદ રહે કે કોરોનાની રસીઓ પણ વિકસિત કરી લેવાઈ છે.
દેશમાં એક મોટો વર્ગ ફક્ત આલોચના અને નિંદામાં જ પોતાનું કર્તવ્ય પૂરું થયાનું માની લે છે. જે મોટા પાયે લોકો આજે દવાઓનાં કાળાબજાર કરી રહ્યા છે, ઓક્સિજનની અછતનો ફાયદો ઉઠાવી રહ્યા છે, એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરાવવાને કાળી કમાણીનો રસ્તો બનાવીને માનવીય સંવેદનાને કલંકિત કરી રહ્યા છે, તે પણ કલ્પનાતીત છે. બીજી તરફ આખા દેશમાં અનેક સંસ્થાઓ અને લોકો તથા સમૂહો પીડિતોને સહાયતા પહોંચાડવામાં દિવસ-રાત એક કરી રહ્યા છે. તેનાથી હતાશાના આ દોરમાં પણ પીડિત લોકોને આધાર મળે છે તથા અન્યનું મનોબળ વધે છે, ભવિષ્ય પ્રત્યે આશા તથા વિશ્વાસ બની રહે છે. જે હદે કાળાંબજાર, નફાખોરી તથા સંવેદનહીનતાનો ફેલાવો આ સમયે આખા દેશમાં જોવા મળી રહ્યો છે, તે ભારતની છબિને ધૂમિલ કરી રહ્યો છે. કોઈપણ રાષ્ટ્રના ધર્મ, આચરણ અને ચરિત્રની ઓળખ વિપત્તિકાળમાં જ થાય છે. વિપત્તિકાળમાં જ રાષ્ટ્રની એકજુટતા તથા પારસ્પરિકતા પણ ઉજાગર થાય છે. સરકારી તંત્ર પણ એવા સમયે જન સહયોગ દ્વારા જ પોતાના કર્તવ્યો પૂરાં કરી શકે છે. એક વર્ષથી વધારે સમયથી દરેક પ્રકારે વ્યસ્ત પોલીસ વ્યવસ્થા લોકોની સારવારમાં મદદ ચાલુ રાખે કે પછી કાળાબજારિયાઓને ઝબ્બે કરવામાં શક્તિ ખર્ચે?
સંક્રમિતોની એકાએક વધેલી સંખ્યાથી કથળતી વ્યવસ્થામાં હોસ્પિટલ, ડોક્ટર, પોલીસ, પ્રશાસન પર આક્રોશ અસ્વીકાર્ય છે. દરેક સકારાત્મક પ્રયાસને નિષ્ફળ કરવામાં સંલગj સ્વાર્થી તત્ત્વ દેશનું અને જાન-માલનું અહિત કરી રહ્યા છે. તેમની સાથે સખ્તાઈ કરવી પડશે. તેમને દેશદ્રોહી માનીને સજા કરવી પડશે. તેમાં બેમત નહીં કે કોરોના સમાપ્ત થશે, પરંતુ તેના પ્રભાવ ઘણા પડકારો છોડી જશે. તેમનો વિસ્તાર આર્થિક, પારિવારિક, સાંસ્કૃતિક તથા સામાજિક ક્ષેત્રોમાં જોવા મળી રહ્યો છે. આપણે તેના સમાધાન શોધવા પડશે. નિશ્ચિત રૂપે એવા સમયે ગાંધીજીને યાદ કરવા જોઇએ. તેના માટે તેમણે એ ચિંતનનો પુનર્પાઠ કરવો પડશે, જેમાં આધુનિક સભ્યતા, મશીનયુગ અને ભારતના ગામ તથા કિસાનને લઈને તેમની ચિંતાઓ ૧૯૦૯માં હિંદ સ્વરાજથી પ્રારંભ થઈને જીવનપર્યંત ચાલતી રહી. ૨૦૨૦માં લોકડાઉન બાદ જે સ્થિતિ પ્રવાસી મજૂરોએ સહન કરી, તેને સંભવત: ગાંધીજીની દૂરદૃષ્ટિએ બહુ પહેલાં જ ઓળખી લીધી હતી. તેઓ સતત શિક્ષણના ઉત્પાદક અને બુનિયાદી સ્વરૂપ પર ભાર મૂકતા રહ્યા, જેને સ્વતંત્ર ભારતમાં ધીમેથી ભૂલાવી દીધું. આજે તેનો સશક્ત વિકલ્પ શોધવો જ પડશે. જો સરકારી સ્કૂલોની શાખ બચી હોત, ત્યાંના શિક્ષકોનું સન્માન બચ્યું હોત, સ્થાનિકતા અને પરંપરાગત જ્ઞાન વિલુપ્ત ન થયું હોત તો આજે કોરોનાને ભારતના ગામડાંમાં તો પ્રવેશ ન જ મળ્યો હોત. સ્વાસ્થ્યની જે આધુનિક પ્રણાલીને દેશે અપનાવી, તે આપત્તિ સમયે કેટલી હદે વિખેરાઈ ગઈ, તેનાથી પણ આપણે ઘણું બધું શીખવું પડશે. જ્યારે દેશમાં બધાને પોતાના પર, પોતાનાઓ પર, પોતાની સંસ્કૃતિ, પરિવાર વ્યવસ્થા, સંબંધોની શ્રેષ્ઠતા પર દૃઢ વિશ્વાસ બનશે, ત્યારે જ દેશ માટે એકજુટ થઈને વિપત્તિઓ - ચાહે તે આંતરિક હોય કે બાહ્ય કે પ્રાકૃતિક - બધાનો સામનો કરી શકવો સંભવ હશે.