Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

ચીની મનસૂબા બેનકાબ કરે દુનિયા

15/05/2021 00:05 Send-Mail

એમ તો દુનિયામાં ગયા વર્ષે કોરોના સંક્રમણની શરૂઆતથી જ એ ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે ચીનથી નીકળીને દુનિયાને કોળિયો બનાવી રહેલ કોરોના વાયરસ પ્રાકૃતિક છે કે પછી જૈવિક હથિયાર બનાવવાના હેતુથી લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે? દરેક હવામાન, દરેક જળવાયુ અને દરેક ભૂ-ભાગમાં લગભગ એક જેવો વ્યવહાર કરનારા વિષાણુને કૃત્રિમ માનનારા વૈજ્ઞાનિકોનો એક મોટો વર્ગ પણ રહ્યો છે. જે રીતે શરૂઆતથી જ ચીન આંતરરાષ્ટ્રીય બિરાદરીને પોતાને ત્યાં તપાસ કરાવવામાં આનાકાની કરતું રહ્યું છે, તેનાથી એ શંકા વધુ ઘેરી બની છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમને પણ જે રીતે લાંબા સમયથી રોકવામાં આવી છે, તેણે વિશ્વ બિરાદરીની શંકાઓને વિસ્તાર જ આપ્યો છે. અમેરિકા પણ લાંબા સમય સુધી એવો આરોપ લગાવતું રહ્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશાં સાર્વજનિક સભાઓમાં કોરોના વાયરસને ચીની વાયરસ કહી રહ્યા છે. હાલમાં જ ઓસ્ટ્રેલિયન મીડિયાના હાથમાં લાગેલા ચીની સેનાના કેટલાક ગુપ્ત દસ્તાવેજોએ એ આશંકાને બળ પ્રદાન કર્યું છે.
રિપોર્ટ કહે છે કે વર્ષ ૨૦૧૫થી જ ચીની સેના કોરોના વાયરસને એક અસ્ત્ર રૂપે વાપરવાની દિશામાં કામ કરતી રહી છે, જેની પાછળ ધારણા એ જ રહી કે જો ત્રીજું વિશ્વ યુદ્ઘ થશે તો વાયરસ યુદ્ઘ વધુ નિર્ણાયક થશે. અહીં સવાલ એ છે કે જે ચીનથી આ કોરોના વાયરસ નીકળ્યો છે, તેનાથી આટલી જલદી એનાથી કેવી રીતે મુક્તિ મેળવી લીધી? શું તેણે જૈવિક હુમલાની તર્જ પર તેનાથી બચાવ માટે પહેલેથી જ તૈયારી કરી લીધેલી હતી? આંકડા દર્શાવે છે કે કોરોના સંકટના આ ભયાવહ દોરમાં જ્યારે દુનિયાની અર્થવ્યવસ્થા તબાહ થઈ છે, ચીનની આર્થિક પ્રગતિએ પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે, તેનો વિકાસ દર ૧૮ ટકા સુધી પહોંચ્યો છે. આ દરમ્યાન તેનું આર્થિક સામ્રાજ્યવાદ અને મહત્ત્વાકાંક્ષી યોજનાઓ પૂરબહારમાં ચાલી છે. એવામાં આખી દુનિયામાં એ વાત જાણવાની જિજ્ઞાસા છે કે વાસ્તવિકતા શું છે અને જો ચીન દોષી હોય તો તેના વિરુદ્ઘ શી કાર્યવાહી થવી જોઇએ.
નિ:સંદેહ કોરોના મહામારીએ આખી દુનિયાને તબાહ કરી દીધી છે. તેમાંથી ઉગરવામાં સમય લાગશે. અબજો-ખર્વોના નુક્સાન ઉપરાંત દોઢ વર્ષમાં તેત્રીસ લાખ લોકો કોરોના મહામારીનો શિકાર બન્યા છે, જેમાં અઢી લાખ જેટલા તો ભારતના છે. પરંતુ હજુ પણ એ જ સવાલ બાકી છે કે શું કોવિડ-૧૯ માનવસર્જિત જૈવિક હથિયાર છે? શું વાયરસ વુહાનની લેબથી માનવીય ભૂલથી લીક થયો હતો? લોકો એ વાતને પચાવી નથી શકતા કે તે ફક્ત જાનવરોના વાયરસથી માનવ સુધી પહોંચવાનો મામલો છે. અમેરિકી વિદેશ વિભાગે કથિત રૂપે લીક થયેલ ચીની દસ્તાવેજના મીડિયામાં પ્રકાશિત થયા બાદ તેની સંભાવના પર પ્રકાશ પાડ્યો છે. ઓસ્ટ્રેલિયા અને બ્રિટિશ મીડિયામાં છપાયેલ રિપોર્ટ અનુસાર પીપલ્સ લિબરેશન આર્મીના દસ્તાવેજોમાં કહેવાયું છે કે ‘કોરોના જેવા જૈવિક હુમલામાં દુશ્મન દેશની ચિકિત્સા પ્રણાલી ધ્વસ્ત થઈ શકે છે.’
જોકે ચીની શાસન દ્વારા સંચાલિત ગ્લોબલ ટાઇમ અખબાર આ આકલનોને ફગાવી રહ્યું છે. પરંતુ આ મામલે આખી દુનિયાના લોકોને ઉદ્વેલિત અને આશંકિત કર્યા છે. મુશ્કેલી એ છે કે આ મહામારી સામે મુકાબલાની આગેવાની કરનારી સંયુક્ત રાષ્ટ્રની નોડલ એજન્સી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ભૂમિકા સચ્ચાઈ પરથી પડદો હટાવવા મુદ્દે શંકાસ્પદ રહી છે. તેના પ્રમુખનો ચીન પ્રત્યે ઝુકાવને લઈને સવાલ અમેરિકાથી માંડીને આખી દુનિયામાં ઉઠતા રહે છે. આ બાબતે તપાસ માટે વુહાન ગયેલ ડબ્લ્યૂએચઓના વિશેષજ્ઞોની ટીમે ચીનને ક્લીનચિટ આપી દીધી કે વુહાનથી ફેલાયેલો વાયરસ લેબથી લીક નથી થયો. તપાસમાં કેટલાય મહત્ત્વપૂર્ણ સવાલોને છોડી દેવામાં આવ્યા. એકંદરે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નવેસરથી તપાસ સુનિશ્ચિત કરવી જોઇએ અને ચીન સરકારને તપાસને પારદર્શી રાખવા માટે મજબૂર કરવી જોઇએ. ડબ્લ્યૂએચઓના કાર્યકારી બોર્ડની કમાન સંભાળનાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના માધ્યમથી ભારતે આ મંચનો પ્રભાવી રીતે ઉપયોગ કરવાની જરૂર છે.