Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
સંગીતકાર રોશન સાથે મહંમદ રફી તથા મુકેશના ગીતો!
રોશનલાલ નાગ્રથ માત્ર ૫૦ વરસની ઉંમરે તો એ આપણી વચ્ચેથી વિદાય થઇ ગયા હતા. પણ તેમની સરળ અને આગવી સુરાવલીઓથી શોભિત સંગીત રચનાઓ દ્વારા એ તેમના ચાહકોને મજરૃહ સુલતાનપુરીના શબ્દોમાં પોતાના જ એક ગીત વડે કહી શકે કે ''રહે ના રહે હમ મેહકા કરેંગે, બનકે કલી બનકે શબા બાગે વફામેં..."('મમતા') એવો અમૂલ્ય વારસો એ નાની જિંદગીમાં મૂકીને ગયા
25/04/2021 00:04 AM Send-Mail
સંગીતકાર રોશનની ઓળખાણ અગર આજે હાલની જનરેશનને આપવી હોય તો રિતીક રોશનના દાદા તરીકે અને તે અગાઉની પેઢીને રાકેશ રોશનના પિતાજી તરીકે આપીએ તો ઝડપથી તે નામ રડારમાં આવે. પરંતુ, એક સ્વતંત્ર સંગીતકાર કે જેમણે કોઇ ખાસ મોટા એક્ટરોની ફિલ્મો ના કરી હોય અને છતાં પોતાની આગવી છાંટવાળાં એકે એક્થી ચઢીયાતાં ગીતો આપ્યાં હોય એ સમજાવવા મુકેશનાં "બહારોંને મેરા ચમન લૂટાકર ખિજાં કો યે ઇલ્જામ ક્યૂં દે દિયા..." કે પછી મન્નાડેનું ક્લાસિકલ મ્યુઝિકનું યાદગાર ગાયન ''લાગા ચુનરી મેં દાગ છુપાઉં કૈસે..." જેવાં અણમોલ રતનો કદાચ સંભળાવવાં પડે.

જો કે તેમાં એ કોઇનો વાંક પણ કાઢી શકાય એવો ક્યાં છે? રોશનલાલ નાગ્રથ બાપડા એવું દીર્ઘાયુ ક્યાં લખાવી આવ્યા હતા? માત્ર ૫૦ વરસની ઉંમરે તો એ આપણી વચ્ચેથી વિદાય થઇ ગયા હતા. પણ તેમની સરળ અને આગવી સુરાવલીઓથી શોભિત સંગીત રચનાઓ દ્વારા એ તેમના ચાહકોને મજરૃહ સુલતાનપુરીન શબ્દોમાં પોતાના જ એક ગીત વડે કહી શકે કે ''રહે ના રહે હમ મેહકા કરેંગે, બનકે કલી બનકે શબા બાગે વફામેં..."('મમતા') એવો અમૂલ્ય વારસો એ નાની જિંદગીમાં મૂકીને ગયા. તેમનાં એ મર્યાદિત સંખ્યાનાં ગીતોમાં મુકેશ અને લતા મંગેશકરનાં સોલો (એકલ) ગીતો વધારે છે. લતાજીનાં રોશન સાથેનાં એકલ (સોલો) અને યુગલગીતોને યાદ કરવા તો એક આખો અલગ લેખ લખવાનો થાય. એટલે વો કિસ્સા ફિર કભી! મુકેશ પાસે તેમણે ગવડાવેલું 'અનોખી રાત'નું આ ગીત એક જમાનામાં દરેક સંગીતપ્રેમીની જીભે રમતું હતું, "ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં, નદી મિલે સાગર મેં, સાગર મિલે કૌન સે જલ મેં કોઇ જાને ના..." એ જ રીતે 'દિલ હી તો હૈ'નું પેલું પ્રેમીની દાદાગીરીનું ગીત પણ મુકેશના કંઠે જ હતું ને?... "તુમ અગર મુઝકો ન ચાહો તો કોઇ બાત નહીં, તુમ કિસી ઔર કો ચાહોગી તો મુશ્કિલ હોગી..." રોશનદાદાએ 'સૂરત ઔર સિરત' નામની ધર્મેન્દ્રની એક બહુ શરૃઆતની ફિલ્મમાં એક અદભૂત ગાયન શૈલેન્દ્રની અનુભવસિદ્ધ કલમમાંથી નીતરેલું ગીત મુકેશજીના સ્વરમાં આપ્યું હતું. તેના શબ્દો સુખ ન જીરવી શકતા અથવા તો ગમે એટલી સુખ સગવડો પ્રાપ્ત કર્યા પછી પણ સંતોષ ન પામતા લોકો માટે બરાબર ફિટ બેસતા હતા. શૈલેન્દ્ર લખે છે, "બહૂત દિયા દેનેવાલે ને તુઝકો, આંચલ હી ન સમાયે તો ક્યા કિજે? બીત ગયે જિતને દિન રૈના, બાકી ભી કટ જાયે દુઆ દેના..." પછી અંતરામાં કહે છે, "જો ભી દેદે માલિક તુ કરલે કુબુલ, કભી કભી કાંટોમેં ખિલતે હૈં ફુલ..." અને હવે આવે છે એ જ્ઞાાન જે સમજાવવા કથાકારોને સપ્તાહ કે દિવસોના પારાયણ કરવા પડે, એવી શ્રધ્ધા નિરુપવાનો પાઠ ફક્ત બે જ પંક્તિમાં... "વહાં દેર સહી હૈ, અંધેર નહીં હૈ, ઘબરાકે યું ગિલા મત કરના..." તો મોહમ્મદ રફી અને રોશનની જોડી પણ એટલી જ ઊચ્ચ ક્વોલિટીની રચનાઓ આપી ગઈ છે. બાકી જે ફિલ્મના સંગીત માટે તેમને સૌથી વધુ માન સન્માન અને વ્યાવસાયિક સફળતા મળ્યાં એ 'તાજમહલ'માં તે ફિલ્મના હાઇલાઇટ જેવા ગીત "જો વાદા કિયા વો નિભાના પડેગા..." ઉપરાંત "જો બાત તુઝમેં હૈ તેરી તસ્વીર મેં નહીં..." અને "પાંવ છુ લેને દો, ફુલોં કો ઇનાયત હોગી..." જેવી સાહિરની નાજુક મિજાજ શબ્દાવલીઓ પણ રફી સાહેબે જ ગાઇ હતીને?

રોશન અને સાહિરની જોડીનું બીજું એક અમર આલ્બમ એટલે 'ચિત્રલેખા'. તેનું સાહિરની આગવી લોજિકલ દલીલો સાથે સાધુઓને ફટકાર લગાવતું લતાજીનું ગાયેલું "સંસાર સે ભાગે ફિરતે હો ભગવાન કો તુમ ક્યા પાઓગે..." આજે પણ સૌ કોઇને યાદ છે. પરંતુ, એ જ 'ચિત્રલેખા'માં રફી સાહેબે સાહિરના શબ્દો "મન રે તુ કાહે ન ધીર ધરે..." ને કેટલા સ્મરણમાં લાવતા હશે? તેમાં પણ જિંદગીને મૂલવવાનો પ્રેક્ટીકલ અભિગમ હતો. એક અંતરામાં એ કહે છે, "ઇતના હી ઉપકાર સમજ કોઇ જિતના સાથ નિભાયે, જનમ મરણ કા ખેલ હૈ સપના, યે સપના બિસરા દે.... કોઇ ન સંગ મરે!" અહીં "સાથ જિયેંગે સાથ મરેંગે..."ની વેવલાઇને બદલે જીવનની નક્કર વાસ્તવિકતા છે. એવું જ 'બરસાત કી રાત'નું કહી શકાય. તેમાંની કવ્વાલી "ના તો કારવાં કી તલાશ હૈ..." એટલી જાણીતી થઇ કે ટાઇટલ ગીત "ઝિંદગી ભર નહી ભૂલેગી વો બરસાત કી રાત..." ઉપરાંત પણ રફી સાહેબનું એક સોલો ગીત "મૈને શાયદ તુમ્હે પહલે ભી કહીં દેખા હૈ..." હતુ, એ કેટલા રસિકજનોને ખ્યાલમાં આવતું હશે? રોશન અને સાહિરની જોડી સાથે રફીનો ત્રિવેણી સંગમ થાય તો 'દુજ કા ચાંદ' જેવી પ્રમાણમાં ઓછી ચાલેલી ફિલ્મમાં પણ આ અવિસ્મરણીય રચના મળે... "મેહફીલ સે ઉઠ જાનેવાલોં, તુમ લોગોં પર ક્યા ઇલ્જામ, મેરે સાથી, મેરે સાથી ખાલી જામ..." વળી 'બાબર'માં એક ચેલેન્જ આપતું ગીત હતું... "તુમ એક બાર મુહબ્બત કા ઇમ્તેહાન તો લો..." એ જ ત્રિપુટી 'ભીગી રાત'માં "દિલ જો ન કહ સકા વોહી રાઝે દિલ કહને કી રાત આઇ..." અને "મોહબ્બત સે દેખા, ખફા હો ગયે હૈં, હસીં આજકલ કે ખુદા હો ગયે હૈં..." જેવી મજેદાર રચનાઓ લઈ આવી હતી. રફી સાથે રોશનની જોડીએ આપેલી એક ઓર રચના એટલે 'અનોખી રાત'નું "મિલે ન ફૂલ તો કાંટોં સે દોસ્તી કર લી..." તો 'આરતી'માં મીના કુમારીના સૌંદર્યનાં વખાણ મજરૃહના શબ્દોમાં રફી પાસે આમ કરાવ્યાં હતાં.... "અબ ક્યા મિસાલ દું મૈ તુમ્હારે શબાબ કી ઇન્સાન બન ગઈ હૈ કિરન આફતાબ કી..." જ્યારે 'દાદીમા'માં "જાતા હું મૈ મુઝે અબ ના બુલાના..."નો અંતરાનો ઢાળ એવો સરસ કે જ્યારે મહંમદ રફી ગાય કે "ખુલકે ન રોયા કિસી કાંધે પે ઝુક કે...." ત્યારે સંવેદનશીલ શ્રોતાની પાંપણો ભીની થયા વિના ના રહી શકે. પરંતુ, એવી સંવેદનાઓથી ભરપુર રચના જોઇતી હોય તો તે દિવસોમાં સાવ નવા કલાકારોને લઇ ને બનેલી એક ફિલ્મ 'નઇ ઉમર કી નઇ ફસલ'નું "કારવાં ગુજર ગયા ગુબાર દેખતે રહે..." સાંભળવું જોઇએ. કવિ નીરજે એ ગીત થી જે તહલકો કર્યો હતો એ કોણ ભૂલી શકે? 'બિનાકા'માં સપ્તાહો સુધી નંબર વન પર એ વાગતું રહેલું. આજે રોશન અને રફીની એ બધી અદભૂત રચનાઓ યાદ આવે ત્યારે પણ એ જ કહેવાનું મન થાય કે "કારવાં ગુજર ગયા ગુબાર દેખતે રહે..."!