Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
મેઘાલય : અહીં લગ્નમાં નવવધૂને નહીં પરંતુ વરરાજાને અપાય છે વિદાય
26/04/2021 00:04 AM Send-Mail
ભારત વિવિધતાઓ સભર દેશ છે. અહીં દરેક ધર્મ અને જાતિના લોકો વસવાટ કરે છે. દરેક ધર્મની અલગ અલગ સંસ્કૃતિ હોય છે. ઉપરાંત વેશભૂષા, ખાણીપીણી અને માન્યતાઓ પણ અન્યથી અલગ હોય છે. જો કે ભારતમાં વસતી એક જનજાતિમાં લગ્ન સમયે નવવધૂની નહીં પરંતુ વરરાજાને વિદાય આપવામાં આવે છે. જેથી વરરાજાને નવવધૂના એટલે કે પોતાની સાસરીમાં રહેવા જવું પડે છે.

આ પ્રથા મેઘાલયની ખાસી જનજાતિમાં આજે પણ જોવા મળે છે. આ એક માતૃસત્તાત્મક સમાજ છે. આ જનજાતિમાં વંશીય પરંપરા માતાના નામ પર ચાલે છે. આથી આ સમુદાયમાં માતા-પિતાની સંપતિ પર પહેલો અધિકાર મહિલાઓનો હોય છે. યુવક, યુવતી પોતાના જીવનસાથીની પસંદગી માટે સ્વતંત્ર છે.

આ ઉપરાંત ખાસ બાબત એ છે કે ખાસી સમુદાયમાં લગ્નમાં કોઇપણ પ્રકારના દહેજની વ્યવસ્થા નથી. આ સમુદાયની મહિલાઓ પોતાની ઇચ્છા અનુસાર ગમે તે સમયે લગ્ન તોડી શકે છે. પરિવારમાં સૌની નાની દિકરી પર સૌથી વધુ જવાબદારી હોય છે. તે ઘરની સંપતિની માલિક હોય છે. ભારતમાં ખાસી જનજાતિના લગભગ ૯ લાખ લોકો છે. જેમાં મોટાભાગના લોકો મેઘાલયમાં રહે છે. જયારે અન્યો આસામ, મણિપુર અને પશ્ચિમ બંગાળમાં રહે છે. ખેતી સાથે જોડાયેલા આ જનજાતિને સંગીત પ્રત્યે ખાસ લગાવ છે. તેઓ ગિટાર, વાંસળી, ડ્રમ વગેરે વગાડી જાણે છે. અગાઉ આ જનજાતિ મ્યાંનમારમાં વસતી હતી. ત્યારબાદ પ્રવાસ કરીને ભારતના પૂર્વી આસામ અને બાદમાં મોટાભાગની વસ્તી મેઘાલયમાં વસવાટ કરવા લાગી હતી. આ સમુદાયની ભાષા ખાસી છે. આ સમુદાયમાં યુવકને લગ્ન બાદ પોતાની સાસરીમાં રહેવું પડે છે. ખાસી સમુદાયમાં દિકરીનો જન્મ થવાથી સમગ્ર પરિવાર ખુશી વ્યકત કરીને ઉજવણી કરે છે.