Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
કિસ્મત કે ખેલ નિરાલે મેરે ભૈયા,કિસ્મત કા લિખ્ખા કૌન ટાલે મેરે ભૈયા...
ભલભલા રેશનાલિસ્ટોને 'નસીબ'માં માનતા કરી શકે એવા આ કિસ્સાઓની ચર્ચા કરતી વખતે 'એક ફુલ દો માલી' માટે સંગીતકાર રવિએ જાતે ગાયેલું ટાઇટલ ગીત કાનમાં ગૂંજવા માંડે, "કિસ્મત કે ખેલ નિરાલે મેરે ભૈયા, કિસ્મત કા લિખ્ખા કૌન ટાલે મેરે ભૈયા..." કેમ કે એ કેવો ઇત્તફાક હશે કે કરિના અને કટરિના જેવી બબ્બે અભિનેત્રીઓએ 'ગોલિયોં કી રાસલીલા..." ફિલ્મ ઠુકરાવી અને એ દીપિકાને મળી?
25/07/2021 00:07 AM Send-Mail
યાદ છે ને? શાહરૃખ ખાનની સિનેમાના પડદે પહેલી એન્ટ્રિ કેવી જોરદાર પડી હતી? હવે, એક ક્ષણ માટે કલ્પના કરો કે શાહરૃખને બદલે અરમાન કોહલી બાઇક પર "કોઇ ન કોઇ ચાહિયે, પ્યાર કરને વાલા..." ગાતે ગાતે સ્ક્રિન પર દેખાત તો? આ 'અરમાન કોહલી કોણ?' એવો સવાલ સ્વાભાવિક રીતે જ થાય. કેમ કે બધાને એ ખબર ના પણ હોય કે તે એક સમયના સફળ નિર્માતા-નિર્દેશક રાજકુમાર કોહલી અને અભિનેત્રી નીશીનો પુત્ર છે. ઘણાને કદાચ 'બીગ બોસ'ની એક સિઝન દરમિયાન કાજોલની બેન તનિષા સાથે ગાઢ દોસ્તીમાં ડૂબ્યાની વહેતી થયેલી ખબરોને લીધે યાદ હોઇ શકે. પણ ગમ્મતની વાત એ છે કે 'દીવાના' શાહરૃખ પહેલાં અરમાનને ઓફર થઈ હતી!

અરમાનના ઇનકાર પછી તે દિવસોની ટીવી સિરિયલ 'ફૌજી'માં 'બડી' તરીકે લોકપ્રિય થયેલા નવોદિત ટીવી એક્ટર શાહરૃખને એ ફિલ્મ મળી હતી. પછી શું થયું એ સૌ જાણે છે. એટલે ભલભલા રેશ્નલિસ્ટોને 'નસીબ'માં માનતા કરી શકે એવા આ કિસ્સાઓની ચર્ચા કરતી વખતે 'એક ફુલ દો માલી' માટે સંગીતકાર રવિએ જાતે ગાયેલું ટાઇટલ ગીત કાનમાં ગૂંજવા માંડે, "કિસ્મત કે ખેલ નિરાલે મેરે ભૈયા, કિસ્મત કા લિખ્ખા કૌન ટાલે મેરે ભૈયા..." કેમ કે એ કેવો ઇત્તફાક હશે કે કરિના અને કટરિના જેવી બબ્બે અભિનેત્રીઓએ 'ગોલિયોં કી રાસલીલા..." ફિલ્મ ઠુકરાવી અને એ દીપિકાને મળી? તે પછી તેની જોડી રણવીરસિંગ સાથે એવી જામી કે પડદા પર 'રોમિયો-જુલિએટ' બનાવ્યા પછી સંજય લીલા ભણશાળીએ એ જ કપલને 'બાજીરાવ મસ્તાની'માં પણ રિપિટ કર્યું. શૂટિંગ માટેના સતત સહવાસનું પરિણામ? એક જમાનામાં આવા ઇત્તફાકથી પતિ-પત્ની બનેલાં સુનિલ દત્ત અને નરગીસની માફક, આજે રણવીર સિંગ અને દીપિકા એક કલાકાર દંપતિ છે. સુનિલદત્ત અને નરગીસનાં લગ્ન કેવી રીતે થયાં હતાં, એ કોણ નહીં જાણતું હોય? સુનિલ દત્તે 'મધર ઇન્ડિયા'ના શૂટિંગ દરમિયાન લાગેલી આગમાં ફસાઇ ગયેલાં નરગીસને બચાવ્યા પછી એ બન્નેએ લગ્ન કર્યાં હતાં. પણ જો એ ફિલ્મમાં દત્ત સાહેબે કરેલો 'બીરજુ'નો રોલ અગાઉથી નક્કી થયા મુજબ દિલીપ કુમારે જ કર્યો હોત તો? એવા જ ઇત્તફાકથી બચ્ચન સાહેબને 'જંજીર' મળ્યાના કે અમજદ ખાનને 'શોલે' મળી એમ કેટકેટલા દાખલા ફિલ્મી ઇતિહાસમાં જાણીતા છે જ. પણ રાજેશ ખન્નાનો સિતારો જે ફિલ્મથી ચમક્યો એ 'આરાધના' તો એક કરૃણ ઘટનાને પગલે બની હતી, જે શમ્મી કપૂરના અંગત જીવનમાં ઘટી હતી. શમ્મી કપૂર 'આરાધના'ના સર્જક શક્તિ સામંતાના ખાસ મિત્ર. એ બન્નેની 'કશ્મીર કી કલી' ફિલ્મથી શર્મિલા ટાગોરને હિન્દી સિનેમા જગતમાં પ્રવેશ મળ્યો હતો. એ પછી શક્તિદાની 'એન ઇવનિંગ ઇન પેરિસ'માં પણ શમ્મી કપૂર અને શર્મિલાજીની જોડી હતી. તેમાં શંકર-જયકિશનના ધમાકેદાર મ્યુઝિકને લીધે પિક્ચર હીટ જશે એવી આશા હતી. પરંતુ, ફિલ્મ રિલીઝ થયાના ત્રણ જ દિવસ પછી આખા ભારતનાં સિનેમાગૃહો હડતાળ પર જતાં રહ્યાં. સળંગ ૩ સપ્તાહ સુધી ચાલેલી એ સ્ટ્રાઇકને પગલે તેના પર લગાવાયેલા પૈસા માંડ પાછા આવી શકે એવી સ્થિતિ હતી. ત્યારે એ જ હીરો સાથે શક્તિ સામંતે નવું પિક્ચર 'જાને અનજાને' શરૃ કર્યું અને થોડા જ વખતમાં મૃત્યુએ પોતાનું બિહામણું સ્વરૃપ દેખાડયું. શમ્મી કપૂરનાં પત્ની અભિનેત્રી ગીતા બાલીનું અવસાન થયું!

શમ્મી કપૂર ભાંગી પડયા. કોઇ શૂટિંગમાં એ જઈ જ નહોતા શકતા. તેમને માટે નાસિર હુસૈને 'તીસરી મંઝિલ'ના રફી સાહેબે ગાયેલા અફલાતુન ગીત "તુમને મુઝે દેખા, હો કર મેહરબાં..." નો સેટ મહિનાઓ સુધી ઉભો રાખ્યો હતો. આ બાજુ શક્તિ સામંતા પણ ગુંચવાયા હતા. કેમ કે પ્રોડક્શન હાઉસમાં પગારદાર કર્મચારીઓ હોય. એ દરેકને કામ મળી રહેવું જોઇએ. નહીંતર, સૌને બેઠો પગાર આપવાનો થાય. એટલે શમ્મી કપૂર સંપૂર્ણ સ્વસ્થ થઈને આવે ત્યાં સુધીના સમયનો સદુપયોગ કરવા ઓછા સમયમાં બની શકે એવી 'ક્વિકી' બનાવવાનું નક્કી કર્યું. એ ફિલ્મ એટલે 'આરાધના'! તેમાં 'યુનાઇટેડ પ્રોડયુસર્સ' અને 'ફિલ્મફેર' સામયિકે મળીને યોજેલી ટેલેન્ટ કોન્ટેસ્ટના ફાઇનલિસ્ટ એવા રાજેશ ખન્ના અને ફરીદા જલાલને લીધા. પણ તકદીરના ખેલ હવે શરૃ થતા હતા. 'આરાધના'ની વાર્તામાં, સૌ જાણે છે એમ, રાજેશ ખન્ના પિતા અને પુત્રના ડબલ રોલમાં છે. પરંતુ, જ્યારે ખન્ના સાહેબને વાર્તા સંભળાવાઇ ત્યારે એ બે હીરોની ફિલ્મ હતી. રાજેશ ખન્નાને પિતાની ભૂમિકામાં લેવાનું નક્કી કરીને બીજા હીરોની શોધખોળ ચાલતી હતી. રાજેશ ખન્ના યુવાન શર્મિલા સાથે પ્રેમગીતો ગાય એવું શૂટિંગ એકવાર શરૃ કરી દેવાનું નક્કી થયું. ત્યાં આગલા દિવસે નિર્માતા સુરિન્દર કપૂર (અનિલ કપૂરના પિતાજી)એ શક્તિ સામંતાને પોતાની રિલીઝ થવા તૈયાર એવી નવી ફિલ્મ જોવા આમંર્ત્યા. એ પિક્ચર 'એક શ્રીમાન એક શ્રીમતી' જોઇને શક્તિદા ગભરાઇ ગયા. તેમની અને કપૂર સાહેબની આ ફિલ્મનું ક્લાઇમેક્સ લગભગ સરખું હતું! બેઉના સ્ક્રિનપ્લે રાઇટર સચિન ભૌમિક હતા અને તેથી આમ બન્યું હોઇ શકે. પણ શક્તિ સામંતે એક આકરો નિર્ણય કરી લીધો. તેમણે રાજેશ ખન્નાવાળી 'ક્વિકી' બંધ રાખવાનું મનથી નક્કી કરી દીધું. એ નિર્ણય પછી હળવા થવા તે ઓફિસની બહાર ટહેલવા નીકળ્યા અને જોયું તો બે લેખકમિત્રો આવી રહ્યા હતા. એક હતા લેખક મધુસુદન કાલેલકર અને બીજા લોકપ્રિય હિન્દી વાર્તાકાર ગુલશન નંદા. શક્તિ સામંતે ગુલશનજીને પૂછયું "કોઇ વાર્તા તૈયાર છે?" નંદાએ સામો સવાલ કર્યો, "ક્યારે શૂટિંગ કરવું છે?" શક્તિદા કહે, "આવતી કાલથી!" બધા આવ્યા ઓફિસમાં. ગુલશન નંદાએ એક કલાક વાર્તા સંભળાવી અને શક્તિ સામંતાએ કહ્યું 'આરાધના'ને બદલે એ સ્ટોરી પર કાલથી શૂટિંગ શરૃ કરીએ. પણ બેઉ લેખકોએ આગ્રહ રાખ્યો કે જો 'એક શ્રીમાન એક શ્રીમતી' સાથે સ્ક્રિપ્ટ મળતી આવતી હોય તો તેના ઉપર ફરીથી કામ કરીએ. બધા કામે લાગ્યા અને સાતેક કલાકની માથાપચ્ચી પછી એક નવા જ નિર્ણય સાથે ઉભા થયા. નક્કી એમ થયું કે પિતાની ભૂમિકા કરનાર એક્ટરને જ પુત્રનો રોલ પણ આપવો. એટલે જ્યારે જ્યારે દીકરો માતાની સામે આવે, ત્યારે 'વંદના' (શર્મિલાજી)ને પોતાના પ્રેમીની ઝલક દેખાય. આમ, રાજેશ ખન્નાને 'આરાધના'ની બેવડી ભૂમિકા મળી. પિક્ચર રિલીઝ થયું, ત્યારે કેવું જબ્બર ચાલ્યું હતું એ જગજાહેર ઇતિહાસ છે. વળી, 'આરાધના'થી માત્ર રાજેશ ખન્ના સાથે જ સુખદ ઇત્તફાક ક્યાં થયો હતો? કિશોર કુમારને પણ એ રીતે જ એ ફિલ્મમાં ગાવા મળ્યું હતું ને? જો સચિનદેવ બર્મનની તબિયત બગડી ન હોત અને મહંમદ રફી લાંબા સમય માટે ભારત બહાર ન ગયા હોત તો કિશોર કુમારને એ તક મળી હોત કે કેમ એ પણ સવાલ છે. સચિનદાને બદલે રાહૂલ દેવ બર્મનના હાથમાં સંગીત આવ્યું અને કિશોરદાને ''મેરે સપનોં કી રાની..." તથા "રૃપ તેરા મસ્તાના..." જેવાં સુપરહીટ સોલો ગાયનો મળ્યાં. ત્રીજા યુગલ ગીત "કોરા કાગઝ થા યે મન મેરા..."ની ધૂન શક્તિ સામંતે એકવાર રિજેક્ટ કરી હતી. થોડા દિવસ પછી એ જ તર્જને 'નવી' કહીને રજૂ કરાઇ અને સ્વીકારાઇ ગઈ હતી! 'આરાધના' પછી રાજેશ ખન્ના અને કિશોર કુમાર બન્ને 'સુપરસ્ટાર' થઈ ગયા એ બધાનો જશ તેમની ટેલેન્ટ ઉપરાંત નસીબના સિતારાઓને પણ આપવો જોઇએને? અને હા, શક્તિ સામંતાએ 'આરાધના'ને પડતી મૂકીને ગુલશન નંદાએ સંભળાવેલી પેલી વાર્તાનું શું થયું, જે સ્ટોરી પર શૂટિંગ શરૃ કરી દેવાનું નક્કી કર્યું હતું? એ નવલકથા પરથી તેમણે બનાવી 'કટી પતંગ' જેમાં 'આરાધના'થી સુપરસ્ટાર થયેલા રાજેશ ખન્ના અને કિશોર કુમાર તેમ જ આર.ડી. બર્મનની ત્રિપુટીને રિપિટ કરીને કિસ્મતને સલામ કરી!