Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
રશિયાનું એક એવું ગામ, જયાં સંભળાય છે અજીબોગરીબ અવાજ...
એમ-ટ્રાયેગલથી રસ્તો ૪૦ કિ.મી. દૂર છતાંયે ગાડીઓનો સતત સંભળાતો અવાજ, અવારનવાર દેખાતી ઉડતી રકાબીનું રહસ્ય વણઉકલ્યું
26/07/2021 00:07 AM Send-Mail
'બરમૂડા ટ્રાયેગલ'નું નામ મોટાભાગના પ્રવાસીઓએ સાંભળ્યું હશે. આ રહસ્યમય જગ્યાએથી પસાર થનાર જહાજ એકાએક અદ્દશ્ય થઇ જાય છે. આજદિન સુધી તેનું રહસ્ય કોઇ જાણી શકયું નથી. આવી જ રહસ્ય જગ્યા રશિયામાં આવેલી છે. જે વૈજ્ઞાનિકો માટે પણ શોધનો વિષય બની છે. જો કે અહીંની બાબત બરમૂડા ટ્રાયેગલથી થોડી અલગ છે. પરંતુ નામ સમાન છે. આ જગ્યા એમ-ટ્રાયેગલ (એમ-ત્રિકોણ) તરીકે જાણીતી છે.

રશિયાના પર્મ શહેરમાં એમ-ટ્રાયેગલ આવેલી છે. રાજધાની મોસ્કોથી લગભગ ૬૦૦ માઇલ દૂર ઉરાલ પર્વતોની નજીક મોલ્યોબ્કા નામનું ગામ આવેલું છે. એમ-ટ્રાયેગલનો મતલબ મોલ્યોબ્કા ટ્રાયેગલ છે. આ વિસ્તાર રશિયાના રહસ્યમય સ્થળો પૈકીનો એક છે. અગાઉના જમાનામાં આ સ્થળ સ્થાનિકો માટે પવિત્ર ગણવામાં આવતું હતું. પરંતુ હવે આ જગ્યા રહસ્યમય બની છે. પર્મ ક્ષેત્રનો એમ-ટ્રાયેગલ ૭૦ માઇલમાં ફેલાયેલો છે. ૧૯૮૦માં આ વિસ્તાર ત્યારે ચર્ચામાં આવ્યો જયારે એકાએક રહસ્યમય અવાજો સંભળાવવાના શરુ થયા હતા. કહેવાય છે કે અહીં ટ્રાફિકનો કલબલાટ અને આવતી-જતી ગાડીઓનો અવાજ પણ રેકોર્ડ કરાયો છે. નવાઇની વાત એ છે કે આ વિસ્તારથી રસ્તો લગભગ ૪૦ કિ.મી. દૂર છે. આથી સાવ નજીકમાંથી પસાર થતી ગાડીઓનો જોરદાર અવાજ અને ટ્રાફિકનો શોરબકોર અહીં કેવી રીતે સંભળાય છે તે રહસ્ય હજી સુધી વણઉકલ્યું છે.

એમ-ટ્રાયેગલમાં અવારનવાર અસામાન્ય ઘટનાઓ બનતી રહે છે. જેમાં વાદળોની વચ્ચેથી એકાએક ધરતી પર સૂરજનું પ્રકાશમય કિરણ આવતું હોવાનું જોવામળે છે. જયારે ગાઢ જંગલોમાં એકાએક વિચિત્ર પ્રકારની પારદર્શક ચીજો દેખાય છે. આકાશમાં અજબ પ્રકારના ચિહન કે અક્ષરો જોવા મળે છે. તો કયારેક કયારેક ઉડતી રકાબીઓ પણ નજરે પડતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કહેવાય છે કે મંદબુદ્વિ વ્યક્તિ આ વિસ્તારમાંથી પસાર થાય તો તેનામાં અચાનક ફેરફાર સાથે ચાલાક બની જાય છે. અહીં આવનારને કોઇ ચમત્કારીક શકિત હોવાનો અહેસાસ થાય છે. કેટલાકના મતે તેઓ દુનિયાથી દૂર અન્ય જગ્યાએ આવી ગયાની અનુભૂતિ થાય છે. કહેવાય છે કે પર્મ ઝોન વિસ્તારમાં ગંભીર રીતે બીમાર વ્યકિતને લાવવામાં આવે તો તે આપોઆપ સાજા થઇ જાય છે. એમ-ટ્રાયેગલની આશ્ચર્યજનક બાબત એ છે કે અહીં અનેક કંપનીઓના મોબાઇલ નેટવર્ક હોવા છતાંયે કોઇ મોબાઇલ કામ કરતો નથી. આ ઉપરાંત આ સ્થળે એક રહસ્યમય ટેકરો પણ આવેલો છે. જેના પર ચઢી ગયા બાદ દુનિયાના કોઇપણ ખૂણામાં મોબાઇલ નેટવર્ક જોડી શકાય છે. પરંતુ ટેકરા પરથી નીચે ઉતરતા જ ફોનનો સંપર્ક આપોઆપ કટ થઇ જાય છે. આ ટેકરાને કોલ બોકસ તરીકે ઓળખવામાં આવે છે.