Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
વો કૌન હૈ, વો કૌન હૈ, જો રૂઠ જાતી હૈ? ચીજ વો નાજુક બડી હૈ ટૂટ જાતી હૈ?...
'ઇચ્ચક દાના' અગાઉ આવાં ઉખાણાં પૂછતાં ગાયનો આવ્યાં હતાં કે કેમ એ સંશોધનની રીતે ચકાસવાનો પ્રશ્ન રહે. પરંતુ, તેના પછી એવી રચનાઓ આવતી જ રહી હતી. જો 'શ્રી ૪૨૦'માં હસરત જયપુરીએ કોયડાઓનું ગીત લખ્યું, તો શૈલેન્દ્રએ 'સસુરાલ'માં એક અલગ જ પ્રકારના 'સવાલ-જવાબ'નું ગીત આપ્યું
01/08/2021 00:08 AM Send-Mail
ફિલ્મોના કલાકારો અને કસબીઓ સમક્ષ 'નેશનલ મ્યુઝિયમ ઑફ ઇન્ડિયન સિનેમા' ખુલ્લું મૂકતાં તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ એક રસપ્રદ વાત કહી. તેમણે ઇઝરાયલના વડાપ્રધાન સાથેની ખાનગી મુલાકાત દરમિયાન 'ઇચ્ચકદાના બીચ્ચકદાના...' નો અર્થ ખબર નહીં હોવા છતાં ઇઝરાયેલી પ્રાઇમ મિનિસ્ટરે એ ગાયન ગાયું હતું. એ પછી મોદી સાહેબે ઉમેર્યું, "મુઝે ભી 'ઇચ્ચકદાના...'કા મતલબ માલુમ નહીં હૈ..."! પ્રધાનમંત્રીના હાસ્ય સાથે ઓડિયન્સને પણ હસ્યું. ત્યારે હિન્દી સિનેસંગીતના ગાંડા પ્રેમી તરીકે આનંદ થાય કે ૧૯૫૫નું એ ગાયન ૬૦ વરસ પછી પણ દેશ-વિદેશમાં સૌની જીભે રમતું હોય એ શંકર-જયકિશનની ધૂનની કેવી અદભૂત કમાલ કહેવાય! 'શ્રી ૪૨૦'માં હસરત જયપુરીએ લખેલા એ શબ્દોનો અર્થ આજે પણ ખબર ના હોય છતાં સ્મૃતિપટમાં તેની જગ્યા અનામત રહી હોય તો તેના અનોખા પ્રારંભિક બોલ ઉપરાંત તેમાંનાં ઉખાણાં અને ઉકેલની મઝાનો પણ મોટો ફાળો નથી લાગતો?

સિનેમા એ સમાજનું પ્રતિબિંબ પાડવાનું પણ કામ કરે છે અને ઉખાણાં પણ, એક સમયે, બાળકો માટે વેકેશનમાં રમવાની પ્રિય રમત હતી. રાત્રે અગાશીમાં ચાંદામામાના અજવાળે ઠંડા ગોદડામાં છોકરાં બેઠાં હોય અને દાદીમા કોઇ ઉખાણું પૂછે. તેમાં ઘણીવાર છેલ્લે આવે, "ચતુર કરો વિચાર" અથવા "રાજા પૂછે રાણીને કયું જનાવર જાય?" એ દિવસોમાં વર-કન્યા પણ એકબીજાની પસંદગી કરતાં 'વરત' પૂછીને સામા પાત્રની બુધ્ધિની પરીક્ષા કરી લેતાં. તેથી આ ગાયનની શરૃઆતના શબ્દોમાં દાણાથી ભરપુર 'દાડમ' વિશેના ઉખાણાની વાત છે. તેમાં "અહીં દાણા, વચ્ચે દાણા, દાણા ઉપર દાણા..." હોય એવું શું છે? તેમાં 'ઇચ્ચક' એ 'ઇધર'નો રિધમિક અપભ્રંશ છે. આ ઉખાણું હસરત જયપુરીનાં બેનને સ્કૂલમાં આ જ શબ્દો સાથે શીખવાડાતું. તેમણે એ ધ્્રુવ પંક્તિ બનાવી અને પછી રોમાન્સના એ કવિએ પ્રાસ બેસાડવા તેમાં બીજી લાઇન લખી "છજ્જે ઉપર લડકી નાચે, લડકા હૈ દીવાના...." ! શબ્દો અને ધૂનની મઝામાં કોઇ વિચારતું નથી કે પહેલા ધોરાણનાં બાળકોને 'લડકા-લડકી'ના નાચની વાત કહીને 'અનાર'નો 'અ' શિક્ષિકા (નરગીસ) કેમ કેમ શીખવે છે? પણ આ પંક્તિ રોમાન્સના શાયરનો સ્ટેમ્પ એવો લગાવે છે કે કવિપ્રેમીઓને સમજાઇ જાય કે આ ઇન્ટરેસ્ટિંગ પંક્તિ હસરત સાહેબે જ લખી હોય. તેમની કવિતાઓની સહજ મુલાયમતા અંતરામાં મકાઇની ઓળખમાં વળી નવા જ આયામો લઈ આવે છે. વિચાર તો કરો, 'મકાઇ' માટેનું આવું વર્ણન ક્યાં જોવા મળ્યું હશે? "હરી થી મન ભરી થી, લાખ મોતી જડી થી, રાજાજી કે બાગ મેં દુશાલા ઓઢે ખડી થી..." મકાઇમાંના દાણાને મોતીની ઉપમા તો કોઇ પણ આપે. પરંતુ, દાણા ઉપરના લીલા/ક્રિમ કલરના પાંદડાઓને 'શાલ ઓઢીને ઉભેલી સ્ત્રી'ની કલ્પના તો હસરત સાહેબ જ કરી શકે! એટલું જ નહીં, મકાઇ ખાતાં દાંતમાં ભરાતા તેના રેશાઓ માટે એ લખે છે, "કચ્ચે પક્કે બાલ હૈ ઉસકે..."! તો 'મોર' માટેનું વરત શરૃ જ આમ થાય છે, "એક જાનવર ઐસા જિસ કી દુમ પે પૈસા..." મોરના પીંછામાં આંખ જેવી ડિઝાઇનનો વર્તુળ આકાર હોય છે, તેને જૂના જમાનાનો કાણાવાળો પૈસો (કાણિયો પૈસો) કલ્પવાનો અને કલગીને "સર પે હૈ તાજ ભી, રાજાજી કે જૈસા..." એમ કહેવાનું, ભૈ વાહ! 'ઇચ્ચક દાના' અગાઉ આવાં ઉખાણાં પૂછતાં ગાયનો આવ્યાં હતાં કે કેમ એ સંશોધનની રીતે ચકાસવાનો પ્રશ્ન રહે. પરંતુ, તેના પછી એવી રચનાઓ આવતી જ રહી હતી. જો 'શ્રી ૪૨૦'માં હસરત જયપુરીએ કોયડાઓનું ગીત લખ્યું, તો શૈલેન્દ્રએ 'સસુરાલ'માં એક અલગ જ પ્રકારના 'સવાલ-જવાબ'નું ગીત આપ્યું. તેમણે પ્રશ્નનો ઉત્તર પ્રશ્નમાં જ આપવાનો એવી શરતવાળું ગાયન લખ્યું. તેમાં "એક સવાલ મૈં કરું, એક સવાલ તુમ કરો..." એવી ચેલેન્જ પછી "હર સવાલ કા સવાલ હી જવાબ હો..." એવી અઘરી શરત હતી. મતલબ કે જે સ્થિતિ સવાલમાં કહેવામાં આવી હોય એવી જ સિચ્યુએશન જવાબવાળા સવાલમાં હોવી જોઇએ. જેમ કે રફી-લતાના એ ગાયનમાં એક પાત્ર પૂછે, "ઉજિયારે મેં જો પરછાઇ પીછે પીછે આયે, વહી અંધેરા હોને પર ક્યોં સાથ છોડ છુપ જાયે?..." એટલે તેનો સામો સવાલ આવો આવે, "સુખ મેં ક્યોં ઘેરે રહતે હૈં અપને ઔર પરાયે, બુરી ઘડી મેં ક્યોં હર કોઇ દેખ કે ભી કતરાયે?". તો હસરત જયપુરીએ 'મેરા નામ જોકર'માં પણ મુકેશ અને આશા ભોંસલેના સ્વરમાં "તીતર કે દો આગે તીતર, તીતર કે દો પીછે તીતર, બોલો કિતને તીતર?" આપ્યું હતું. પરંતુ, સ્કૂલોમાં તોફાની છોકરાઓ તો શિક્ષકો મેદાનમાં ભેગા થયા હોય ત્યારે 'તીતર'ને બદલે 'ટીચર' કરીને ગાતા, "ટીચર કે દો આગે ટીચર, ટીચર કે દો પીછે ટીચર, બોલો કિતને ટીચર?"!

એ જ રીતે, મ્યુઝિકને કારણે પણ સુપરહીટ થયેલી ફિલ્મ 'મિલન'માં આનંદ બક્ષીએ "સાવન કા મહિના પવન કરે..."થી માંડીને "મુબારક હો સબ કો સમા યે સુહાના..." જેવાં ગાયનો ઉપરાંત ભગવાન મહાદેવના વર્ણનનું કોયડા ગીત "બોલ ગોરી બોલ તેરા કૌન પિયા?..." પણ લખ્યું હતું. તે ગાયનમાં બધી નિશાનીઓ પછી શિવજીને ઓળખી કાઢતાં છેલ્લે મુકેશના સ્વરમાં પૂછાય છે, "અચ્છા વોહી દર દર કા ભિખારી?" ત્યારે એ સવાલના જવાબમાં લતા મંગેશકર ગાય છે, "હાં... વો હૈ ભિખારી ઠીક, લેકે ભક્તિ કી ભીખ, બદલે મેં જગત કો મોક્ષ દિયા..." અને એ ગીતની દાર્શનિક ઊંચાઇ વધી જાય છે. તો આનંદ બક્ષી અને લક્ષ્મી-પ્યારેની એ જ બેલડીએ 'અન્જાના'માં ફરી એકવાર મુકેશ-લતાની જોડી પાસે ગવડાવ્યું આ કોયડા ગીત "વો કૌન હૈ, વો કૌન હૈ?.." તેમાં શબ્દોના પ્રાસ બેસાડવાની બક્ષીજીની કળા જવાબના વિકલ્પો રજૂ કરતાં સરસ રંગ લાવે છે. એ ગીતનો પહેલો પ્રશ્ન છે, "વો કૌન હૈ, વો કૌન હૈ, જો રુઠ જાતી હૈ? ચીજ વો નાજુક બડી હૈ ટૂટ જાતી હૈ?..." અને તેના ઓપ્શન સાથે કન્યા પૂછે છે એ સવાલ-જવાબ આમ છે, 'પ્રીત?' "નહીં", 'રીત?' "નહીં", 'ડોરી?' "ડોરી નહીં ગોરી...!" (એક યુવતીને 'ચીજ' કેમ કહી? એવાં ઉખાણાં ફિલ્મી કવિઓને પૂછવાં નહીં!) દરેક વખતે અપાતા મલ્ટિઓપ્શનના આ ગાયનમાં છેલ્લે ફિલ્મનું શિર્ષક લાવી આપવા બક્ષીબાબુ આવા શબ્દો લઈ આવે છે, "વો કૌન હૈ, વો કૌન હૈ, સબ કો સમઝાતા હૈ, રાસ્તા ખુદ અપને ઘર કા ભૂલ જાતા હૈ?..." તેના ઉત્તરની સંભાવનાઓ આમ વ્યક્ત થાય છે, 'ધારા?' "નહીં", 'તારા?' "નહીં", 'ઇશારા?' "નહીં", 'દીવાના?' "દીવાના નહીં અન્જાના...!" જો કે રમતિયાળ શબ્દો સાથે ગીતો લખતા આનંદ બક્ષી ગમતા હોવા છતાં પહેલીઓ બુઝાવવાનું અમારું ગમતું ગીત તો રાબેતા મુજબ ગુલઝાર સાહેબનું જ લખેલું છે. તેમણે ઋષિકેશ મુકરજીની 'આશીર્વાદ'માં લખેલા ઉખાણા-ગીત "સાફ કરો, ઇન્સાફ કરો, ભૈ ભૂલભૂલૈયા માફ કરો..."માં 'પુરૃષોને ઉગતી દાઢી'ને લગતો કોયડો આમ રજૂ કર્યો હતો, "કઈ બરસ તો કભી ન આયે, ઔર આયે તો ફિર કભી ન જાયે, કાટો ફેંકો ફિર આ જાયે, બુઝે કોઇ યે બતલાયે..." એ ગીતના શબ્દો ઉપરાંત તેમાં અશોક કુમારનું નર્તન જુઓ કે આખી ફિલ્મમાં તેમનો બેમિસાલ અભિનય જુઓ તો થાય કે તેમને 'શ્રેષ્ઠ અભિનેતા'ના તે સાલના ત્રણેય પ્રતિષ્ઠિત પુરસ્કાર (નેશનલ એવોર્ડ, ફિલ્મફેર એવોર્ડ અને બેંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન એવોર્ડ) મળ્યા તે કેટલા બધા યોગ્ય હતા! આ ગાયનમાં ગુલઝાર જે રીતે ચેલેન્જ આપે છે તે પણ મઝાની છે. ઉખાણાનો જવાબ ના આપી શકે તેને માટે 'ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા' જેવો શબ્દપ્રયોગ ગુલઝાર ઉપયોગમાં લાવે છે. ગીતમાં પ્રશ્નકર્તા મહિલાઓના સવાલના જવાબ શોધતા સૌને ઠાવકાઇથી પૂછાય છે, "ક્યું કલંદર, બનોગે બંદર? ચુલ્લુ ભર કાફી ના હો તો લાઉં સમંદર?" એવા સવાલ-જવાબનાં ઉખાણાયુક્ત ગાયનો કદાચ આવવાં બંધ થઈ ગયાં છે. કેમ કે આજનાં બાળકો માટે (અને મોટેરાં માટે પણ!) રમવું હોય તો 'કૅન્ડી ક્રશ' જેવી 'સ્માર્ટ' રમતો ક્યાં નથી? અને 'ગૂગલ' છે તો પછી યાદ રાખવા કે યાદ કરવા મગજ કસવાની મહેનત શું કામ કરવી?! શું લાગે છે?