Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
ચોમાસુ અને રેઈનકોટ
વરસાદ તો મન મૂકીને ભીંજાવાની, એમાં પલળવાની ઘટના છે પણ માણસ ખરા અર્થમાં ક્યારેય ભીંજાતો જ નથી. એને ભીંજાવાનું કેમ અને કંઈ રીતે એની કદાચ ગતાગમ જ નથી. એટલે જ તો ચોમાસુ આવતા પહેલાં જ રેઈનકોટ અને છત્રીઓનાં બજાર ફાટી નીકળે છે. વરસાદ તો એક એવી આહલાદક અનુભૂતિ છે કે કદાચ હાથમાં છત્રી હોય તો પણ એને ખોલવાનું મન ન થાય. પણ એના માટે એવી અનુભૂતિ ઝંખતું મન હોવું જોઈએ. જે કદાચ આજનાં યુગનાં આદમી પાસે રહ્યું નથી
01/08/2021 00:08 AM Send-Mail
જે મનુષ્યજાતિ ચોમાસા અને રેઈનકોટ વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરી શકતી હોય એને બીજું તો શું કહેવું! પણ એમ કહી શકાય કે માણસ હંમેશાં કુદરતનાં ચક્ર સામે બાથ ભીડવા ફાંફાં માર્યા જ કરતો રહે છે. કુદરતનો તો એક નિશ્ચિત ક્રમ હોય છે પણ માણસની જિંદગીમાં આવો કોઈ નિશ્ચિત ક્રમ નથી હોતો. એ તો અનિશ્ચિતતાઓ ઊભી કરવામાં અને જીવ્યે જવામાં વ્યસ્ત રહેતું પ્રાણી છે. ઉનાળામાં પોતાનાં રૂમ પૂરતી ઠંડક કરવા એરકંડીશનર અને શિયાળામાં ગરમીનો ભાસ ઊભો કરવા હીટરનાં કૃત્રિમ ઉપાયો માણસે શોધી જ લીધા છે. પણ આ બધા ઉપાયોમાં જીવવામાં એણે કેટલીક મર્યાદાઓ સ્વીકારવી જ પડે છે. જેમકે ગરમીથી બચવા એર-કંડીશનરવાળા રૂમમાં ભરાઈ રહેવું પડે. એ ગરમીમાં તાજા ખીલેલા ગુલમહોરને માણી નથી શકતો કે પછી હીટરની કૃત્રિમ ગરમ આબોહવામાં ગોંધાયેલ માણસ શિયાળાની ખુશનુમા, ધુમ્મસ આચ્છાદીત સવારની મજા ક્યાંથી માણી શકે? છેવટે વાત રહી ચોમાસાની તો વરસાદને રોકી તો શકાય નહીં, અરે ધારે ત્યારે ને તેટલો જ વરસાદ પાડી પણ ક્યાં શકાય છે? વરસાદ તો મન મૂકીને ભીંજાવાની, એમાં પલળવાની ઘટના છે પણ માણસ ખરા અર્થમાં ક્યારેય ભીંજાતો જ નથી. એને ભીંજાવાનું કેમ અને કંઈ રીતે એની કદાચ ગતાગમ જ નથી. એટલે જ તો ચોમાસુ આવતા પહેલાં જ રેઈનકોટ અને છત્રીઓનાં બજાર ફાટી નીકળે છે. વરસાદ તો એક એવી આહલાદક અનુભૂતિ છે કે કદાચ હાથમાં છત્રી હોય તો પણ એને ખોલવાનું મન ન થાય. પણ એના માટે એવી અનુભૂતિ ઝંખતું મન હોવું જોઈએ. જે કદાચ આજનાં યુગનાં આદમી પાસે રહ્યું નથી. અહીં તો બસ ચાર છાંટાં પડ્યા નથી કે ખોલી છત્રી, કે આ ચડાવ્યો રેઈનકોટ. એમાં બિચારા વરસાદને કેટલું માઠું લાગતું હશે!

પહેલાં વરસાદનો છાંટો મુને વાગિયો હું પાટો બંધાવાને હાલી રે... વેંત-વેંત લોહી કાંઈ ઊંચું થીયું ને જીવ ને તો ચડી ગઈ ખાલી રે... (અનિલ જોશી) આપણાં કવિઓએ તો મનભરીને વરસાદમાં પોતાની કવિતાઓ બોળી છે. પહેલાં વરસાદનાં છાંટા, વાગવા અને એ મારથી લોહીનું વેંત-વેંત ઊંચું થવું બંને વચ્ચે કેવો સંવાદ હશે. એ તો વરસાદનાં છાંટાનો માર જેણે છાતીએ ઝીલ્યો હોય એને જ સમજાઈ શકે. છત્રી કે રેઈનકોટમાં ભરાયેલા જીવને એ છાંટાંની અનુભૂતિ ક્યાંથી હોય એને તો માત્ર એ છાંટા પડવાનો અવાજ સંભળાઈ શકે. વરસાદનાં છાંટાંઓની લયનું સંગીત તો એને તમારા રૂંવાડા પર ઝીલો તો જ સાંભળી શકો. પહેલાં વરસાદનાં છાંટાં, ગળચટ્ટા બે-પાંચને, પાંચ-સાત ખાટાં (વિશાલ જોશી) કવિતાઓમાં ક્યારેક વરસાદી છાંટાં વાગવાની વાત થઈ છે તો ક્યારેક એને ચાખવાની પણ ખરેખર વરસાદને ચાખવાની વાત અને એનો સ્વાદ માણવાની વાત અકલ્પનીય બની જાય છે. પણ આપણાં આ રેઈનકોટીયા પ્રાણીઓએ સ્વાદ લેવામાં પણ બાકાત જ રહી જાય છે. એ તો વરસાદ ભીંજવવા આવે અને તમે ભીંજાવા આતુર હો ત્યારની વાત થઈ પડે છે અને તો તમને એ છાંટાં થોડાં ગળચટ્ટાં લાગે તો થોડાં ખાટાં... પણ આજના ફાસ્ટ-ફૂડનો સ્વાદ ચાખી ગયેલ માણસ હવે આ વરસાદને ચાખવામાં મોટેભાગે ઊણો ઉતરે છે. બે પ્રેમીઓ એક જ છત્રીમાં અડધા-પડધા સમાય અને અડધા-પડધા પલળે એનો શો અર્થ? એવા સમયે તો છત્રીને ફગાવી પૂરા પલળવાનું હોય. પણ આજનો આદમી આવું પૂરેપૂરા પલળવાનું શીખતો જ નથી પછી એ વરસાદ હોય કે પ્રેમ, કોઈનાં કોઈ સ્વરૂપે એ છત્રી સાથે જ રાખે છે. એક વખત એક વૃદ્ઘ વ્યક્તિને હાથમાં છત્રીને ટેકે વરસાદમાં પલળતાં-પલળતાં જતા જોયા’તા. એમને છત્રી ખોલવાનું સૂચન કરતાં જવાબ મળ્યો કે ભાઈ પલળી લેવા દે ને કોને ખબર આવતે ચોમાસે હશું પણ ખરા કે નહીં! ત્યારે અહીંયા વરસાદનું આવવું સાર્થક લાગે ખરું.

આવ્યો વરસાદ મારી આંખમાં ને આજ ફરી શમણાં ભીંજાય તારી યાદમાં તેં ય મને યાદ કરી હોવી જોઈએ. વરસાદ એક એવી ઘટના છે જે પ્રિયજનની યાદ ને ઈજન પૂરું પાડે છે. પ્રેમીયુગલને પણ વરસાદી મોસમમાં પોતાનું પ્રિયપાત્ર યાદ ન આવે એવું બની શકે નહીં અને કદાચ એ વખતે આપોઆપ પ્રિયજનને મળવા રેઈનકોટ લીધા વગર જ નીકળી પડાતું હોય છે. કારણ કે એ વખતે એક વરસાદ આંખોની સામે હોય છે તો એક વરસાદ આંખોની ભીતર પણ હોય છે. ભીતરનાં એ વરસાદમાં ભીંજાતા શમણાંઓ લઈને કોઈને યાદ કરતી વખતે કદાચ મનોમન એ ખાતરી થઈ આવે છે કે સામી વ્યક્તિ પણ આપણને યાદ કરી રહી છે. માણસ જાતિ એ આટઆટલી શોધો કરી એમાં કદાચ આ રેઈનકોટ ને એક ભૂલભરેલી શોધ ગણાવી શકાય કે જે તમારી અને વરસાદની વચ્ચે આવે છે. ‘હું, તું અને વરસાદ’ આનાથી વિશેષ બીજા કોઈ માહોલ હોઈ ના શકે પણ માણસે આ ‘તું’ ને સ્થાને જ્યારથી વચ્ચે રેઈનકોટને સંઘર્યો છે ત્યારથી એ પલળવાનું ભૂલી ગયો છે. વરસાદનો સ્વાદ ચાખવાનું ચૂકી ગયો છે. બીજી એક વાત પણ અહીં કરી લઈએ તો વિશ્વભરમાં અત્તરનાં બજારોમાં લાખો પ્રકારની સુગંધ વાળા અત્તરો હાજર છે. પણ પહેલાં વરસાદનાં અમીછાંટણાં પછી ધરતીની જે સોડમ આવે છે એની તોલે એમાની કોઈ સુગંધ ન તો આવી શકે કે ન તો કોઈ અત્તરની ફેક્ટરીનો માલિક એ સુગંધનું અત્તર બજારમાં મૂકી શકે. માટીની એ વરસાદી મ્હેંક કંઈક અલગ જ હોય છે. ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ કંઈ નથી કામ છતાં ચાલ અમસતા જઈએ. વરસાદમાં પલળવા જવા માટેનાં કોઈ કારણો ન હોઈ શકે. એ તો વરસાદમાં વરસાદની જેમ વરસતાં આવડે એનું કામ. પણ આજનાં યુગમાં આમ સવારથી સાંજ સુધી દોડતો, રઘવાયો થતો માણસ - એને તો કરડતાં આવડે, વરસતાં ક્યાંથી આવડે! હવે પહેલો વરસાદ, બીજો વરસાદ, અંતે છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ એવું કાંઈ નહીં. જો આમાનું કાંઈ હવે ન હોય તો માણસ વરસાદ કેમ માણી શકે? એના માટે તો ઝરમરતું સંગીત સાંભળતાં કાન હોવા જોઈએ, માટીની મ્હેંક સુંઘતું નાક હોવું જોઈએ, ને ભીંજાતી આંખ હોવી જોઈએ, ભીનો સંબંધ અને મઘમઘતો કોઈનો સાદ હોવો જોઈએ - ને ના હોય તોય વરસાદ તો વરસવાનો જ, તમે જાણો ને તમારો રેઈનકોટ. Secret Key વાદળ ભલે વરસે, તું પણ વરસ આભની સામે ઊભી મારી તરસ. પ્રતિભાવ : joshinikhil2007@gmail.com