Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
ભૂલાયેલી ભવાઈ
ભવાઈ એ શક્તિ-દેવીપૂજા સાથે જોડાયેલો નાટ્ય પ્રકાર છે. ભવાઈ કરનારા અમુક ખાસ જ્ઞાતિના લોકો હતા. ભવાઈમાં પડદો ન્હોતો પડતો. મશાલને અજવાળે, પેટ્રોમેક્ષને અજવાળે ભજવાતી... તેમાં કોઈ અંક ન્હોતા... આખો ‘વેશ’ હતો. ભવાઈના વેશ કહેવાતા. તેમાં સ્ત્રીનો પાઠ પુરુષ ભજવતો ભવાઈના વેશ ગામેગામ ભજવાતા ભવાઈનું મંડળ આઠ દસ માણસનું હોય, એ ગામમાં આવે...
01/08/2021 00:08 AM Send-Mail
આપણા લોકજીવનમાં એક સમયે ‘ભવાઈ’ મનોરંજન માટે જાણીતો નાટ્ય પ્રકાર હતો. ખૂબ પ્રચલિત... ઉત્તર ગુજરાતમાં એનો જન્મ. લોકનાટક કહેવાતું. આપણી ગામ વ્યવસ્થામાં તેનું આકર્ષણ હરતું. ભવાઈ એ શક્તિ-દેવીપૂજા સાથે જોડાયેલો નાટ્ય પ્રકાર છે. ભવાઈ કરનારા અમુક ખાસ જ્ઞાતિના લોકો હતા. ભવાઈમાં પડદો ન્હોતો પડતો. મશાલને અજવાળે, પેટ્રોમેક્ષને અજવાળે ભજવાતી... તેમાં કોઈ અંક ન્હોતા... આખો ‘વેશ’ હતો. ભવાઈના વેશ કહેવાતા. તેમાં સ્ત્રીનો પાઠ પુરુષ ભજવતો ભવાઈના વેશ ગામેગામ ભજવાતા ભવાઈનું મંડળ આઠ દસ માણસનું હોય, એ ગામમાં આવે... મુખીની રજા લઈ, ગામને છેવાડે તંબુ બાંધીને રહે. કોઈવાર મંદિરમાં કે મહાદેવમાંય ઉતારો મળે... એ ભવાઈ ત્યારના સમાજ જીવનો પડઘો પાડતી અને જીવનને વ્યાપેલી રહેતી.

ભવાઈ ભજવવા માટે કોઈ ખાસ રંગમંચ ન્હોતા જોઈતા. ગામના પાદરમાં, ચોકમાં કે માતાજીના ચાચરમાં - સાવ ખુલ્લામાં જ ભજવાતી અને ભવાઈ જોનારાં તેની ફરતે કૂંડાળે બેસી જતા... લોકોને આનંદ પડે અને બોધ મળે એ જ એનો હેતુ. ભૂંગળ વાગે એટલે લોક ભેગું થાય... તબલાં તાલ પુરે... આ દેશી વાદ્યો વાગ્યા કરે... માઈક ના હોય... ના હોય કોઈ સ્ક્રીપ્ટ... ના હોય રંગરોગાન... સ્ટેજ... લાઈટની વ્યવસ્થા કશું જ નહિ... અને છતાં પેટ પકડીને ફરજિયાત હસવું પડે એવો એક લોકનાટ્ય પ્રકાર હતો. ભૂંગળ અને થા થા થૈયા થા થૈ... તા તા થૈયા તા થૈ... આ એનાં ધ્રુવો. નૃત્યને પ્રાધાન્ય હતું. ભવાઈમાં સંવાદો ગદ્યમાંય હોય અને પદ્યમાં પણ હોય... ક્યારેક કોઈક સંવાદ સ્વાભાવિક રીતે ના પણ બોલાય... આડંબરથી બોલવો પડે એમ પણ થાય. કૃત્રિમતા આંખે વળગે તેવી હોય પણ સહ્ય લાગે. ભવાઈનો સંવાદ કરનારનો લ્હેકો-કાકુ ગજબના હોય છે. ઝંડા ઝુલણનો વેશ હોય ત્યારે આમ ઝંડો બોલે - જેને કુંડળિયો કહેવાય - ખાસ રીતે ગવાય. બંદા બહોત ના ફુલીએ, ખુદા ખમેગા નહીં જોર જુલમ કીજે નહિ, મરતલોક કે માંહી મરતલોક કે માંહી તુજરબા તુરત બતાવે જો નર કરે ગુમાન સો નર ખત્તા ખાવે કહે દીન દરવેશ ભૂલ મત ગાફલ બંદા ખુદા ખમેગા નાહી ખોટા મત ફૂલો બંદા. એક પાત્ર બોલે - ‘આમ કરવાનું’ સામેનું પાત્ર બોલે - શું કરવાનું? આમ બેવડાય તો વાંધો નહિ. ગુજરાતી નાટકો ઉપર ભવાઈની અસર વિશે અભ્યાસો પણ થયા છે.

ભવાઈના બધા જ વેશોમાં નૃત્ય આવે. ગીત આવે. વચ્ચે વચ્ચે ભૂતકાળની વાત કહેવા માટે ગદ્યમાં સંવાદ આવે - ભજવણી મોટે ભાગે નૃત્યમાં થાય. પુરુષ સ્ત્રીનો વેશ ભજવે એટલે થોડીક ક્ષતિઓ રહી જાય એ પ્રેક્ષકો સહ્ય કરે. ભવાઈ કરનારાઓ સારી સૂઝ ધરાવતા હતા. કઈ કોમની ક્યાં ત્રુટિ છે તેની તેમને ખબર હતી એટલે તેની ઉપર કટાક્ષ પણ કરી શકતા હતા. જીવનમાંથી ઉપહાસ પાત્ર મુદ્દો શોધી તેની ઉપર વ્યંગ કરવાનું તેમને ફાવતું હતું. ભવાયાના પગના ઠમકા વિશિષ્ટ પ્રકારના હતા ભવાઈનું કામ લોકોને મનોરંજન પૂરું પાડવાનું હતું એટલે ક્યારેક અશ્લીલ શબ્દ પ્રયોગો કરીને પણ લોકોને હસાવવા સુધી તેઓ પહોંચી જતા હતા. એ અશ્લીલતા એની મર્યાદા હતી ખરી પણ આખો ‘વેશ’ જે સંદેશ પૂરો પાડતો તે અનન્ય હતો. આવા ભવાઈના પાઠ આપવાની પદ્ઘતિસરની તાલીમ વિસનગરમાં અપાતી. ભવાઈ કરનારો વર્ગ મોટે ભાગે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. ભવાઈના પિતા તરીકે ઓળખાતો અસાઈત ઠાકર મૂળ સિદ્ઘપુરનો બ્રાહ્મણ હતો અને ઉંઝાના પટેલો તેના યજમાનો હતા. ઉંઝાના પટેલની દીકરીને સૂબા પાસેથી છોડાવવાનો યશ અસાઈતને જાય છે. અસાઈતની પટેલની દીકરીની સાથે એકભાણે જમ્યાની વાતમાંથી તેને નાતબહાર મૂકેલો - સિદ્ઘપુરના બ્રાહ્મણોએ તેને નાતબહાર મૂકતાં તેને ઉંઝાના પટેલે ત્રણ ગાળા ત્રણેય ભાઈઓને આપી ઉંઝામાં વસાવેલો એ ત્રણ ગાળા ઉપરથી તરગાળા શબ્દ આવ્યાની લોકવાયકાઓ છે અને નાતબહાર મુકાયેલા અસાઈતે પછી ગામેગામ જઈ ભવાઈના વેશ ભજવવાનું શરૂ કરેલું અને ત્રણસો સાઈઠ જેટલા વેશ ભજવેલા. ભવાઈ ભલે કાલગ્રસ્ત થઈ ગઈ પણ એના કેટલાક અંશો ગુજરાતી પ્રજામાં આજ સુધી જળવાઈ રહ્યા છે એ ભુલાવું ન જોઈએ.