Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
વાસદમાં વૃધ્ધને રીક્ષામાં બેસાડીને ૯૦ હજાર ચોરી લેનાર ડ્રાયવર ઝડપાયો
રોકડા ૧૨ હજાર અને રીક્ષા સાથે કુલ ૬૨૫૦૦નો મુદ્દામાલ જપ્ત
01/08/2021 00:08 AM Send-Mail
ચારેક દિવસ પહેલા આણંદ નજીક આવેલા વાસદ ગામે એસબીઆઈ બેંકમાંથી પૈસા ઉપાડીને રીક્ષામાં ઘરે જતા વૃધ્ધની રૂપિયા ભરેલી થેલીને બ્લેડ મારીને ૯૦ હજારની મત્તાની ચોરી કરી લેવાના કેસમાં વાસદ પોલીસે રીક્ષાના ચાલકને ઝડપી પાડીને ફરાર થઈ ગયેલા બે મુખ્યસુત્રધારોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગોવિંદભાઈ ભગાભાઈ મકવાણા ગત ૨૮મી તારીખના રોજ સવારના સુમારે એસબીઆઈ બેંકમાંથી રોકડા ૧.૬૦ લાખ ઉપાડીને ઘર તરફ જતા હતા ત્યારે આવી ચઢેલી રીક્ષામાં બેસી ગયા હતા. દરમ્યાન રીક્ષામાં સવાર શખ્સોએ તેમને વાતોમાં ભોળવી દઈને રૂપિયા ભરેલી થેલીને બ્લેડ મારીને અંદરથી ૯૦ હજાર કાઢી લીધા હતા અને ગોવિંદભાઈને મહેશ્વરી સોસાયટીના ગેટ પાસે ઉતારીને ફરાર થઈ ગયા હતા. આ અંગે વાસદ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરતાં સીસીટીવી ફુટેજમાં રીક્ષા નંબર જીજે-૨૩, એયુ-૪૩૦૬ની દેખાઈ ગઈ હતી.

દરમ્યાન આજે વાસદના પીએસઆઈ પી. જે. પરમાર તથા સ્ટાફના જવાનો રેલ્વે બ્રિજ નજીક આવેલી પાયલ સિનેમા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ઉક્ત નંબરની રીક્ષા આવી ચઢતાં તેને અટકાવીને ચાલકનું નામઠામ પૂછતાં તે પેટલાદ ખાતે રહેતો મહંમદઆરીફ ઉર્ફે લાલબસ સલીમમીંયા કુરેશી હોવાનું જણાવ્યું હતુ. તેની પૂછપરછમાં તેણે ઉક્ત ગુનાની કબૂલાત કરી લીધી હતી. જે અનુસાર બોરસદ ખાતે રહેતા અલ્બાઝ ઉર્ફે બક્કલ અને રહીમ મીરઝાએ ગોવિંદભાઈની થેલીને બ્લેડ મારીને અંદરથી ૯૦ હજારની મત્તા ચોરી લીધી હતી. તેમની રીક્ષામાં અગાઉથી જ એક અસલી મુસાફર બેઠો હતો જેને આસોદર ચોકડીએ ઉતારી દીધો હતો. પકડાયેલા રીક્ષાના ચાલક મહંમદઆરીફના ભાગે ૧૫ હજાર રૂપિયા આવ્યા હતા. જ્યારે બાકીની રકમ ઉક્ત બન્ને શખ્સોએ વહેંચી લીધી હતી. ૧૫ હજાર પૈકી ત્રણ હજાર વપરાઈ ગયા હતા. જ્યારે તેની પાસેથી ૧૨ હજાર મળી આવતાં પોલીસે રીક્ષા સાથે કુલ ૬૨૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર થઈ ગયેલા બન્ને શખ્સોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.