Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :
આસામ-મિઝોરમ સરહદ વિવાદ વધુ વકર્યો : બંને સરકારો આમને-સામને
મિઝોરમમાં આસામ મુખ્યમંત્રી વિરુદ્ઘ એફઆઈઆર દાખલ
બંને રાજ્યો વચ્ચે હિંસક અથડામણને લઈ મુખ્યમંત્રી હિંમત બિસ્વા વિરુદ્ઘ મિઝોરમ પોલીસે હત્યાનો પ્રયાસ અને ષડયંત્રની કલમો હેઠળ ગુનો નોંધ્યો : આસામે પોતાના નાગરિકોને મિઝોરમ ના જવાની સલાહ આપી : મુખ્યમંત્રી હિંમત બિસ્વા મારા ભાઈ જેવા, આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લઈશું: મિઝોરમ મુખ્યમંત્રી
01/08/2021 00:08 AM Send-Mail
આસામ-મિઝોરમ સરહદ વિવાદને લઈ બંને સરકારો આમને સામને છે. સરહદ પર હિંસક અથડામણને લઈ બંને રાજ્યોમાં તણાવ વ્યાપેલો છે. આ તરફ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા વિરૃદ્ધ એફઆઈઆર નોંધાવાઈ છે. મિઝોરમ પોલીસે મુખ્યમંત્રી બિસ્વા સરમા વિરૃદ્ધ હત્યાનું ષડયંત્ર રચવાના આરોપસર કેસ દાખલ કર્યો છે.

અગાઉના કેસમાં આસામ પોલીસે મિઝોરમના ૬ અધિકારીઓને સમન પાઠવ્યા હતા. તમામને ૨ ઓગષ્ટના રોજ ઢોલાઈ પોલીસ સ્ટેશનમાં રજૂ થવા કહેવામાં આવ્યું હતું. આસામ પોલીસે મિઝોરમ પોલીસના ડેપ્યુટી કમિશનર અને એસપી રેક્નના અધિકારીઓને સમન પાઠવ્યા છે.

૨૬ જુલાઈના રોજ આસામ અને મિઝોરમ પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનામાં આસામના ૭ પોલીસ કર્મચારી શહીદ થયા હતા. સંઘર્ષ બાદથી જ આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે અને આસામ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. મિઝોરમ દ્વારા લગાવવામાં આવેલા આરોપ પ્રમાણે સરહદ વિવાદની શરૃઆત આસામથી થઈ છે. આસામ દ્વારા પહેલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ મિઝોરમ પોલીસે જવાબ આપ્યો. આ તરફ મિઝોરમના મુખ્યમંત્રી જોરમથંગાના કહેવા પ્રમાણે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા તેમના ભાઈ જેવા છે અને તેઓ આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલી લેશે. અતિક્રમણ દૂર કરવા અંગે બંને રાજ્યોની પોલીસ અને નાગરિકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને બંને બાજુથી લાકડીઓ અને પથ્થરોથી હુમલો શરૃ થયો હતો. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં આસામની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતના ૨ દિવસ પછી આ હિંસા સામે આવી છે. મિઝોરમ ૧૯૭૨માં કેન્દ્રશાસિત પ્રદેશ અને ૧૯૮૭માં એક રાજ્યના સ્વરૃપે અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી જ મિઝોરમનો આસામ સાથે સરહદ વિવાદ ચાલી રહ્યો છે. આસામ-મિઝોરમ સરહદ પર આ અઠવાડિયાની શરૃઆતમાં હિંસા અને સાત લોકોના મોત બાદ ગુરૃવારે સ્થિતિ શાંત અને નિયંત્રણમાં રહી પરંતુ બન્ને રાજ્યના લોકોના નિવેદનને કારણે ટકરાવ યથાવત રહ્યો હતો. લૈલાપુરમાં આંતરરાજ્યીય સરહદ પર કેન્દ્રીય દળોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યોની પોલીસના જવાન પોત પોતાની સરહદમાં ૧૦૦ મીટર અંદર રહ્યા હતા. આસામે પોતાના નાગરિકોને મિઝોરમ ના જવાની સલાહ આપી છે. બીજી તરફ મિઝોરમે કેન્દ્રને આસામ દ્વારા લગાવવામાં આવેલી આર્થિક નાકાબંધી હટાવવાની માંગ કરતા કહ્યુ કે સરહદ વિવાદને લઇને કેસ લડવા તૈયાર છે.