Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરની ઈમારતો સીલ કરવામાં આવે : ગુજરાત હાઈકોર્ટ
રાજ્યની મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પાલિકાને ટકોર
25/09/2021 00:09 AM Send-Mail
રાજ્યમાં ફાયર સેફ્ટીના અમલ અને બીયુ પરમિશન મુદ્દે હાઇકોર્ટે લાલ આંખ કરતાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને ટકોર કરી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે, ફાયર સેફ્ટી અને બી.યુ. વગરની ઇમારતો સીલ કરવામાં આવે. સુનાવણીમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરના એકમો સામે પગલા લેવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

આ અંગે એડવોકેટ જનરલે જણાવ્યું કે, ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરના એકમો સીલ કરવાથી ઘણી જગ્યાએ ઘર્ષણની સ્થિતિ થશે. જેથી વધુ કડક પગલાં ન લેતા જે એકમોમાં બીયુ પરમિશન નથી તે એકમોમાં સામે પાણી,વીજ કનેક્શન કટ કરવા જેવી કામગીરી ચાલુ છે. જો એકમો બંધ કરવા સુધીના પગલા લેવામાં આવશે તો ઘર્ષણ થવાની સંભાવના છે.

હાઇકોર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે. વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંકયું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને અવકાશ નથી અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ. કોર્ટે કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટે જ ૮ જુલાઇ-૨૦૨૨ સુધી ફાયર સેફટીના અમલીકરણ માટે સમય આપવાની અરજી ફગાવી દીધી હોય તો, હાઈકોર્ટ તેનાથી ઉપરવટ કેમ જઈ શકે? રાજ્યમાં ઝડપથી ફાયર સેફ્ટીનો કડકાઇથી અમલ થાય તે જરૃરી છે. ફાયર સેફ્ટી મામલે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજીમાં રાજ્ય સરકારે એક મહિના પહેલા સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં સરકાર તરફથી પોતાના સોગંદનામામાં ઉલ્લેખ કરાયો હતો કે, ઘણા સમયની કામગીરીથી મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં શાળા અને હોસ્પિટલોમાં અગાઉની સરખામણીએ સ્થિતિમાં સુધારો આવ્યો છે. ૧૨ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ૧૦૨૪ એકમોને ફાયર એનઓસી આપવામાં આવી છે.