Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
ભારે વરસાદના પગલે દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળ્યા
બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા : દાંતીવાડામાં માત્ર ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો
27/09/2021 00:09 AM Send-Mail
કવાંટ પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો : ઘરોમાં પાણી ઘૂસ્યા
છોટાઉદેપુરના કવાંટ પંથકમાં આજે સવાર ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે કવાંટ ગામની વચ્ચેથી વહેતુ કોતર છલકાઇ ગયું હતું અને કવાંટની સોસાયટીઓ અને ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. આજે વહેલી સવારે લગભગ દોઢ કલાક વરસાદ વરસ્યા બાદ વિરામ લીધો હતો. કવાંટમાં ધોધમાર વરસાદને પગલે નસવાડી રોડ પરના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા અને ઘરોમાં પાણી ભરાતા ઘરના સામાનને નુકસાન પહોંચ્યું હતું. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા હતા. જોકે, વરસાદે વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં થયેલા ૯૧ ટકા જેટલાં વરસાદના પગલે જિલ્લામાં સમાવિષ્ટ ૧૩ સિંચાઈ તળાવો પૈકી ૭ તળાવો ૧૦૦ ટકા ભરાયા છે. જેને લઈ વરસાદી ખેતી તેમજ રવિ પાક લેતાં ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. આ સાથે જિલ્લામાં ઉદભવતી પાણી તંગીની સમસ્યા પણ હળવી બનશે તેમ પણ કહી શકાય તેમ છે.

બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે રસ્તાઓ પણ જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો બીજી બાજુ ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલી દુકાનોમા પાણી ભરાઇ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા અને ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી હતી. ઉપરાંત ડીસામાં પણ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. શનિવાર મોડી સાંજે ભારે ઉકળાટ અને બફારા બાદ અનેક જગ્યાએ વરસાદ વરસ્યો હતો. દાંતીવાડામાં શનિવારે સાંજે બે કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

મેઘરાજાએ આખી રાત ધીમી ધારે અમી વરસાવ્યા બાદ આજે વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ શરૃ કરી છે. ડીસા પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યા હતા. ભારે વરસાદ થતા અનેક નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું.

ભારે વરસાદના કારણે મોટાભાગના મગફળીનું વાવેતર કરેલા ખેતરો પણ બેટમાં ફેરવાયા જતા ખેડૂતો મોટું નુકસાન થયું છે. અગાઉ એક મહિના સુધી વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને નુકસાન થયું હતું અને હવે મોડે મોડે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં થોડો ઘણો જે પાક તૈયાર થયો હતો તેમાં પણ નુકસાન થયું છે. કંસારી પંથકમાં અંદાજિત ૩૦૦ જેટલા ખેતરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઇ જતાં ખેડૂતોને ફરી એકવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ભારે વરસાદના પગલે ડીસાની સિંધી કોલોની, લાલચાલી, તેરમિનાળા અને સંતઅન્ના હાઇસ્કુલ પાસેના વિસ્તારોમાં એકથી બે ફૂટ જેટલું પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સંતઅન્ના હાઇસ્કૂલ પાસે તો લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલા શોપિંગ સેન્ટરોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારોને મોટું નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ૮૨.૪૦ ટકા વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૯૨.૭૫ ટકા વરસાદ, કચ્છમાં સરેરાશ ૮૭.૬૩ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૮૨.૪૧ ટકા વરસાદ, મધ્ય ગુજરાતમાં સરેરાશ ૭૩.૯૨ ટકા વરસાદ ત્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૬૬.૫૩ ટકા વરસાદ વરસ્યો છે.