Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
નડિયાદમાં પાર્ક કરેલ કારના કાચ તોડી માલસામાનની ચોરી કરતી નાયડુ ગેંગના ૫ સાગરીત ઝડપાયા
નડિયાદ, કપડવંજ, દહેગામ, દાહોદ,લુણાવાડા, બોરસદ, હાલોલ સહિત ૧૨ જુદા-જુદા સ્થળે ચોરીઓ કરી હોવાની કબુલાત
28/09/2021 00:09 AM Send-Mail
૧૨ જેટલી ચોરીઓના ભેદ ઉકેલાયા
-નડિયાદ શહેરમાં ૨૩ સપ્ટેમ્બરના રોજ વાણીયાવડ સર્કલ પાસે ગીલોલથી ગાડીના કાચ તોડી લેપટોપ ભરેલી બેગની ચોરી -નડિયાદ શહેરના ગંજ બજારમાંથી દોઢ માસ અગાઉ ઈકો ગાડીમાંથી દોઢ લાખ રૂપિયાની ચોરી -કપડવંજ શહેરમાં દોઢ માસ અગાઉ ડસ્ટર કારમાંથી ૧૫ હજારની ચોરી -કપડવંજ શહેરમાં તાજેતરમાં પાર્ક કરેલ કારનો પાછળનો દરવાજો ખોલી ૫૦ હજાર રૂપિયા ભરેલી બેગની ચોરી -ગાંધીનગર જિલ્લાના દહેગામ શાક માર્કેટ પાસે પાર્ક કરેલ કારનો કાચ તોડી ૨૦ હજારની રોકડની ચોરી -દાહોદ ખાતે રેલવે સ્ટેશન પાસેના ચાર રસ્તા પાસે રોડ પર નાણાં ફેંકી પૈસા પડી ગયા છે તેમ કહી નજર ચૂકવી એક્ટિવાની ડેકીમાંથી ૩૦ હજારની ચોરી -લુણાવાડા ખાતે રીક્ષામાંથી ૪૦ હજાર રોકડની ચોરી -હાલોલ બસ સ્ટેન્ડ પાસે મોટર સાયકલ પર ભરાવેલ થેલામાંથી ૧૦ હજારની ચોરી -બાયડ શહેરમાં દુકાનદારને વસ્તુ આપવા જતા ૨૫ હજારની ચોરી -બાલાસિનોરમાં સપ્તાહ અગાઉ દુકાનદારને બહાર રોડ પર પૈસા નાંખી તેના પૈસા છે તેમ કહી દુકાન બહાર બોલાવી કાઉન્ટર પરથી એક લાખ રૂપિયાની ચોરી -ડાકોર પૂનમના દિવસે પાર્ક કરેલ કારમાંથી ૪૦ હજારની ચોરી -૧૦ દિવસ અગાઉ બોરસદ શાક માર્કેટ પાસે લોડિંગ રીક્ષામાંથી ૧૫ હજારની ચોરી

નાયડુ ગેંગ વિવિધ તરકીબો દ્વારા ચોરીઓ કરતી હતી
નડિયાદ શહેર પોલીસના હાથે પકડાયેલી નાયડુ ગેંગ અલગ-અલગ એમઓ દ્વારા ચોરીઓ કરવામાં માહેર હોવાનું ખુલવા પામ્યું છે. ક્યારેક ગિલોલથી ગાડીઓના કાચ તોડીને ચોરી, ક્યારેક ગાડીના બોનેટ પર ઓઈલ ફેંકીને કાર ચાલકની નજર ચુકવી ચોરી, રસ્તા ઉપર પૈસા ફેંકી માણસોનું ધ્યાન અન્ય તરફ દોરીને ચોરી વગેરે એમઓ દ્વારા ચોરીઓ કરતા હતા.

નડિયાદમાં તાજેતરમાં ધોળા દિવસે ભરબજારમાં તસ્કરોએ પાર્ક કરેલ કારના કાચ તોડી કારમાંથી લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભ નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં નાયડુ ગેંગ પકડાઈ ગઈ છે. આ ગેંગે ખેડા આણંદ સહિત વિવિધ જિલ્લામાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ૧૨ જેટલી ચોરીના ભેદ ખૂલ્યા છે. વધુ ખૂલે તેવી શક્યતા છે.

મળતી માહિતી અનુસાર નડિયાદમાં પાર્ક કરેલા વાહનોમાંથી કાચ તોડી લેપટોપ તેમજ અન્ય ચીજવસ્તુઓ ચોરી કરતી એક ગેંગ સક્રિય બની હતી. જેને લઈને પોલીસે આ ગેંગને પકડી પાડવા છેલ્લા પાંચ દિવસથી કામે લાગી ગઈ હતી. નડિયાદ શહેર પોલીસે સૌ પ્રથમ સીસીટીવી ફૂટેજ આધારે તેમાં દેખાતા ઈસમોની તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમ્યાન કિડની હોસ્પિટલથી રીલાયન્સ માર્ટ તરફ જતા શકમંદ જણાતા ૫ વ્યક્તિઓને રીક્ષામાં બેસતા હતા તે દરમ્યાન કોર્ડન કરી પકડી લીધા હતા.

જેમાં સુબ્રમણી સુંગૈયા નાયડુ (ઉં.વ.૫૫) રહે. એમ.એસ. નગર સેકન્ડ સ્ટ્રીટ તીરુપુર, તમીલનાડુ, રમેશ મણી નાયડુ (ઉં.વ.૨૨) રહે. નવાપુર નંદુરબાર પોસ્ટ વાકીપાડા મહારાષ્ટ્ર, સેગર પલ્લીસ્વામી નાયડુ (ઉં.વ.૩૫) રહે. વાકીપાડા પોસ્ટ કરજી ખુર્દ, તા. નવાપુર, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર, શિવા વેંકટસ્વામી નાયડુ (ઉં.વ.૩૪) રહે. વાકીપાડા તા. નવાપુર,જી. નંદુરબાર, મહારાષ્ટ્ર) અને કિશોર સમીર ઉર્ફે શીવા સંજય બનસોડે (ઉં.વ.૧૪) રહે. વાકીપાડા, તા. નવાપુર, જિ. નંદુરબાર, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે. પોલીસને તેમની પાસેથી એક લેપટોપ અને રોકડા ૬૨૫૦૦ મળી આવતાં તે અંગે પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી નડિયાદ શહેર પોલીસ મથકે લાવીને આકરી પૂછપરછ કરતાં લેપટોપ ચોરીનું હોવાનું જણાવ્યું હતુ. વધુ પૂછપરછ કરતા તેઓ કારના કાચ તોડીને ચોરી કરતા હોવાની કબુલાત કરી હતી. જેના આધારે વિધિવત ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.