Sardar Gurjari

બુધવાર, તા. ૨૦ ઓક્ટોબર, ૨૦૨૧, આસો પૂનમ, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૨૩

મુખ્ય સમાચાર :
કપડવંજના કાપડીવાવ-વડોલ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત
28/09/2021 00:09 AM Send-Mail
કપડવંજના કાપડીવાવથી વડોલના રસ્તે અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતાં રાહદારી યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભ કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર કપડવંજ તાલુકાના નાના રામપુરા ગામે રહેતા ફરિયાદી હિંમતભાઈ રયજીભાઈ પરમાર અને નાનો ભાઈ જીવત ઉર્ફે કિરણ (ઉં.વ.૩૨)ખેતરમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ગતરોજ બંને ભાઈઓ નજીક આવેલ ખેતરમાં ખેતી કામ માટે ગયા હતા. દરમ્યાન બપોર બાદ હિંમતભાઈ પોતાના રામપુરા ગામે આવેલા હતા. જે બાદ વરસાદી વાતાવરણ રહેતા તેઓ પરત મજૂરી કરવા ગયા ન્હોતા.

દરમ્યાન મજુરીએથી જીવત ઉર્ફે કિરણ પરત ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે વડોલ તરફથી પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને જીવતને ટક્કર મારતાં તે રોડ ઉપર ફંગોળાયો હતો અને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ થતાં સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ કપડવંજ રૂરલ પોલીસને કરતાં તેઓ આવી પહોંચ્યા હતા અને મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. આ બનાવ સંદર્ભ હિંમતભાઈ પરમારે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ઘ ફરિયાદ નોંધાવી છે.