Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
ગ્રામ્ય વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે બસ મુસાફરીના નિયમની તંત્ર દ્વારા અવગણના
ઉમરેઠ પંથકની વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અભ્યાસ માટે આણંદ ડેપોએ બસ પાસના નાણાં ભરાવ્યા
વિદ્યાર્થિનીના વાલીએ રજૂ કરેલ શાળામાં ફી ભર્યાની રસીદ પણ ડેપોના કર્મચારીએ જમા લઇ લીધી
20/10/2021 00:10 AM Send-Mail
ડેપો મેનેજરે ફીની અસલ પાવતી પરત અપાવી
સમગ્ર મામલે આણંદ ડેપો મેનેજરને રુબરુ રજૂઆત કરવામાં આવી હતી. જેથી ડેપો મેનેજરે ફી ભર્યાની અસલ પાવતી વિદ્યાર્થીનીને પરત અપાવી હતી. પણ ડેપોના કર્મચારીએ રોકડ નાણાં જમા લઇને પાસ કાઢી આપ્યો હોવાથી વિદ્યાર્થિનીને નાણાં પરત મળ્યા ન હતા. પરંતુ આગામી સમયે પાસ કાઢવા સમયે કોઇ તકલીફ પડે તો પોતાનો સંપર્ક સાધવાની ડેપો મેનેજરે હૈયાધારણા આપી હતી. ઉલ્લેખનીય છે કે, આણંદ જૂના ડેપોમાં વર્ષોથી ચીટકેલા અને કહેવાતા યુનિયન નેતાઓની સાથે ઉઠકબેઠક ધરાવતા કર્મચારીઓ ખુદ ડેપોના અધિકારીઓને પણ ગાંઠતા નથી. મુસાફરોની ફરિયાદનો પણ નિકાલ થતો નથી. ત્યારે આવા બેજવાબદાર કર્મચારીઓ સામે ડેપો મેનેજર સહિતના તંત્ર દ્વારા નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી મુસાફર જનતાની માંગ થવા પામી છે.

ગ્રામ્ય પંથકની વિદ્યાર્થિનીઓ માધ્યમિક અભ્યાસ માટે નજીકના મોટા સેન્ટર કે શહેરની શાળાઓમાં જઇ શકે તે માટે રાજય સરકાર દ્વારા વિનામૂલ્યે બસ પાસ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ આણંદ એસ.ટી.ડેપોમાં છેલ્લા કેટલાક સમયથી મુસાફરલક્ષી અને ખાસ કરીને વિદ્યાર્થી પાસલક્ષી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓના ઉદ્વત વર્તનની ફરિયાદો વધી રહી છે.

તાજેતરમાં ગ્રામ્ય પંથકની એક વિદ્યાર્થિનીને શહેરની શાળામાં અવરજવર માટેનો ફ્રી પાસ ઉપલબ્ધ કરાવવાનો ડેપોના પાસ કાઢનાર કર્મચારીએ નનૈયો ભણી દીધો હતો. આથી વિદ્યાર્થિનીના વાલીએ શાળામાં ફી ભર્યાની પહોંચ રજૂ કરતા તે જમા લઇને એક માસના પાસના રૂ. ર૧૦ ભરાવ્યા હતા. ગામડાની વિદ્યાર્થિનીઓને શાળાએ અવરજવર માટે વિનામૂલ્યે બસ પાસની યોજના અંગે ડેપોના કર્મચારીઓને જાણ હોવા છતાંયે વિદ્યાર્થિની અને તેના વાલીની સહાયરૂપ બન્યા ન હતા. સરકારી યોજનાના અમલીકરણમાં નનૈયો ભણનાર કર્મચારીઓ વિરુદ્વ ઉચ્ચતંત્રને રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ઉમરેઠ તાલુકાના ગામમાં રહેતી વિદ્યાર્થીનીએ ધો.૧૦માં અભ્યાસ માટે સારસાની હાઇસ્કૂલમાં એડમિશન લીધું હતું. આથી તેણીને દરરોજ ગામથી સારસા શાળાએ બસ દ્વારા અવરજવર કરવા માટે આણંદ જૂના બસ ડેપોમાં વિનામૂલ્યે પાસ કઢાવવા આવ્યા હતા. જેઓને ડેપોના કર્મચારીને પાસ કાઢવા માટેના જરુરી દસ્તાવેજો, શાળામાં ફી ભર્યાની પહોંચ રજૂ કરી હતી.જો કે ગત વર્ષની વિદ્યાર્થિનીનો બસ પાસ રીન્યૂ કરવા માટે શાળાની ફી ભર્યાની પહોંચ જ ચકાસવાની હોય છે. પરંતુ કર્મચારીએ ગ્રામ પંચાયતનો દાખલો લાવો અથવા એક માસના રૂ.ર૧૦ લેખે નાણાં ભરવા જણાવતા વાલીએ કન્યા કેળવણી અંતર્ગત ગત વર્ષ પંચાયતના દાખલા સહિતના દસ્તાવેજો રજૂ કર્યથી બસનો પાસ ફ્રી મળ્યાની રજૂઆત કરી હતી. પોતે તે જ ગામમાં રહેતા હોવા સહિતની વિનંતી કરી હતી. પરંતુ ટસના મસ ન થયેલા કર્મચારીએ ફી ભર્યાની અસલ પાવતી પણ જમા લઇ લીધી હતી. ગામડેથી આવેલ વિદ્યાર્થિની અને તેના વાલી ડેપો કર્મચારીના ઉદ્વત વર્તનથી ડઘાઇ ગયા હતા. આથી દીકરીનો અભ્યાસ ન બગડે તે માટે વાલીએ એક માસના પાસના રૂ. ર૧૦ ભર્યા હતા.

ચરોતરમાં વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો ચિંતામાં : તમાકુ-રાઈના પાકને નુકસાનની ભીતિ

ગાયકવાડી ગામ તરીકે ઓળખાતા મહેળાવમાં ક્ષત્રિયોની વધુ વસ્તી છતાં પાટીદારોનો સરપંચપદ પર દબદબો

ખંભાત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય માહોલ છવાયો

ઉમેટા મહિસાગર બ્રિજ પરથી વડોદરાના યુવાને ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

બોરસદ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતિત

સુણાવ એસ.ટી. બસ સ્ટેન્ડ અને તેના પરીસરમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ

કેનાલમાં ગાબડાં પડ્યા બાદ સફાળા જાગેલા સિંચાઈ વિભાગે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય