Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
ઉંટવાડામાંથી બોરકુવાના પાણીની સબમર્શિબલ મોટરોની ચોરી કરતા બે ઝડપાયા: ૫ નાં ભેદ ઉકેલાયા
૪ સબમર્શિબલ મોટર અને એક લોખંડના સળિયા કાપવાનું મશીન જપ્ત કરાયું
20/10/2021 00:10 AM Send-Mail
કમલેશ પરમાર સબમર્શિબલ મોટર રીપેરીંગ કરતો હતો
એલસીબી પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય સૂત્રધાર કમલેશ રાયસીંગભાઈ પરમાર સબમર્શિબલ મોટરોનું રિપેરીંગનું કામકાજ કરતો હતો જેથી વાયરો કેવી રીતે કાપવા, મોટર બોર કુવામાંથી કેવી રીતે બહાર કાઢવી વગેરેનો તે પાક્કો અનુભવી હતો. રાત્રીના સુમારે તે અને કમલેશ ઉર્ફે કંગો બાઈક પર ચોરીઓ કરવા માટે નીકળી પડતા અને નકકી કરેલી જગ્યાએ આવેલા બોરકુવામાંથી સીફતપૂર્વક મોટરો ચોરીને બાઈક પર મૂકી ઉંટવાડા ગામે આવતા રહેતા હતા અને કાંસ ઉપર મુકેલા પુળામાં સંતાડી દેતા હતા. છેલ્લા એકાદ મહિનાથી તેમણે આ ચોરીઓ કરવાનું ચાલુ કર્યુ હતુ અને ચોરેલી સબમર્શિબલ મોટરો વેચવાની ફિરાકમાં જ હતા ત્યારે ઝડપાઈ જવા પામ્યા હતા.

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તારાપુર તાલુકાના ઉંટવાડા ગામે છાપો મારીને બોરકુવાના પાણીની સબમર્શિબલ મોટરોની ચોરી કરતા બે શખ્સોને ઝડપી પાડીને કુલ પાંચ જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે કુલ ૮૭ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, ઉંટવાડા ગામના કમલેશભાઈ રાયસંગભાઈ પરમાર અને કમલેશભાઈ ઉર્ફે કંગો બુધાભાઈ પરમાર ખેતરોના કુવામાં પાણીની સબમર્શિબલ મોટર ફીટ કરી હોય તેવી મોટરોની ચોરીઓ કરે છે અને હાલમાં તેઓ ઉંટવાડા બસ સ્ટેન્ડ પાસે આવેલા રામદેવપીરના મંદિરની પાછળ કાંસ ખાતે હાજર છે. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બન્ને શખ્સોને પ્લેટીના બાઈક સાથે ઝડપી પાડીને પોલીસે કાંસની ધાર ઉપર આવેલા ડાંગરના પુળીયા નીચે તપાસ કરતાં સંતાડી રાખેલી મોટરો તેમજ સળિયા કાપવાનું મશીન મળી આવ્યું હતુ. જે અંગે પૂછપરછ કરતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી એલસીબી પોલીસ મથકે લાવીને આકરી પૂછપરછ કરતાં તમામ મુદ્દામાલ ચોરીનો હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે બન્નેની વિસ્તૃત પૂછપરછ કરતાં એકાદ માસ પહેલા સાયમા ગામે ફાટક નજીકથી, એકાદ માસ પહેલા જ તારાપુર-સોજીત્રા રોડ ઉપર આવેલ બાપા સીતારામની મીલ સામે આવેલ ગોડાઉનના બોરકુવામાંથી, વીસેક દિવસ પહેલા રામોદડી પાટીયા નજીક નવા બનતા પેટ્રોલપંપના કમ્પાઉન્ડમાં આવેલા બોરકુવામાંથી, પાંચેક દિવસ પહેલા જ માણેજ પાટીયા નજીક નવી બનતી હોટલના કમ્પાઉન્ડમાંથી સળિયા કાપવાનું મશીન તેમજ ત્રણેક દિવસ પહેલા જ તારાપુર-મોરજ રોડ ઉપર આવેલ મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં આવેલ બોરકુવામાં ફિટ કરેલી સબમર્શિબલ પંપ સેટની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.