Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
તારાપુર પંથકમાંથી પાણીના મશીન-ટેન્કર તેમજ ભંગારની ચોરીઓ કરતા છ શખ્સો ઝડપાયા
બે ડમ્કી, સેન્ટીંગ મશીન, ટેન્કર તેમજ નેશનલ હાઈવે ઉપરથી નાના-મોટા લોખંડના ભંગારની ચોરી કર્યાની કબૂલાત : ટેન્કર સહિત ૬૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
20/10/2021 00:10 AM Send-Mail
ઈકો કાર લઈને ચોરીઓ કરવા જતા હતા : પોલીસ
તારાપુર પંથકમાં નાની મોટી ચોરીઓ કરતી ગેંગના છ સાગરિતો દિવસ દરમ્યાન રેકી કરી આવતા હતા અને ત્યારબાદ કોઈ એક જગ્યાને ટાર્ગેટ કરીને એકબીજાનો ફોનથી સંપર્ક કરીને તારાપુર ચોકડીએ ભેગા થતા હતા. જ્યાં નીલેષ ઉર્ફે ભયલુ તેની ઈકો કાર લઈને આવી પહોચતો હતો અને કારની પાછલી સીટો કાઢી નાંખી તેમાં સવાર થઈને ચોરીઓ કરવા જતા હતા. ચોરીનો સામાન ઈકો કારમાં જ મુકીને પરત આવી જતાં હતા અને ત્યારબાદ વેચી મારીને જે કોઈ પૈસા આવે તેનો ભાગ પાડી લેતા હતા. પોલીસે તેઓની પાસેથી એક પાણીનું મશીન તેમજ ટેન્કર જપ્ત કર્યુ હતુ.

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તારાપુર-ખંભાત રોડ ઉપર આવેલી મોટી કેનાલના ગરનાળા પાસે વોચ ગોઠવીને પંથકમાં પાણીના મશીન, ટેન્કર તેમજ ડઝનબંધ ભંગારની ચોરી કરતા છ શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન કેટલીક બીજી ચોરીઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, તારાપુર ગામના કેટલાક શખ્સો નાની મોટી ચોરીઓ કરે છે અને તેઓ રાત્રીના સુમારે ચોરીઓ કરવા માટે જવા તારાપુર-ખંભાત રોડ ઉપર આવેલી મોટી કેનાલના ગરનાળા નજીક તારાપુર તરફ જતા રોડ ઉપર ભેગા થવાના છે. જેને લઈને પોલીસની ટીમે ત્યાં વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન એકબાદ એક છ શખ્સો આવી પહોંચતા પોલીસે તેઓને કોર્ડન કરીને દબોચી લીધા હતા. તેઓની પાસેથી પાણી ખેંચવાની ડમ્કી મળી આવતાં તે અંગે પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા જેથી તમામના નામઠામ પુછતાં તેઓ નીલેષ ઉર્ફે ભયલુ શિવુભાઈ ગોહિલ (તારાપુર), વનરાજસિંહ ઉર્ફે ભગો હરિસિંહ ચાવડા (તારાપુર), તુષારકુમાર ઉર્ફે અમીત મોહનભાઈ મકવાણા (તારાપુર), મયુરસિંહ રાજેન્દ્રસિંહ રાઓલ (ઉંટવાડા) ધવલસિંહ ઉર્ફે કાળુ હરિસિંહ ચાવડા (તારાપુર)અને દશરથભાઈ ઉર્ફે ઠાકોર ઉર્ફે જીગો ચીમનભાઈ સોલંકી (ઉંટવાડા)ના હોવાનું જણાવ્યું હતુ.

છએ શખ્સોની અલગ-અલગ યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેઓ ચોરી કરવા જવા માટે ભેગા થયા હોવાની કબૂલાત કરી હતી અને આ પહેલા તેઓએ ચારથી પાંચ જેટલી ચોરીઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તપાસ કરતા આ ગેંગે વીસેક દિવસ પહેલા તારાપુર-રાજવાપુરા કાંસ ઉપરથી પાણીની ડમ્કી, આઠેક મહિના પહેલા તારાપુર-ખંભાત મુખ્ય રોડ ઉપર આવેલી મુખ્ય કેનાલથી આગળ જતા મોરજ ફાટાવાળી નહેર ઉપરથી ડમ્કી, સાતેક મહિના પહેલા તારાપુર-મોરજ રોડ ઉપર આવેલ સ્વપ્ન મહેલ સોસાયટીની ખુલ્લી જગ્યામાંથી સેન્ટીંગનું મશીન, આઠેક મહિના પહેલા તારાપુર-ખંભાત રોડ મુખ્ય કેનાલથી આગળ જતા આદરૂજ ગામની સીમમાં આવેલી નહેરના પાળા ઉપરથી ટેન્કર તેમજ નેશનલ હાઈવે ઉપરથી નાના-મોટા લોખંડના ભંગારની ડઝનબંધ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી.