Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
દોઢ માસ પહેલા ભાદરણમાં રખેવાળની થયેલી હત્યાનો ભેદ હાથવેંતમાં
પૂછપરછ માટે કેશોદથી લવાયેલા બે પૈકી એક શખ્સ ફરાર થઈ જતાં પોલીસની દોડધામ
20/10/2021 00:10 AM Send-Mail
બોરસદ તાલુકાના ભાદરણ ગામે દોઢેક માસ પહેલા એનઆરઆઈની મિલ્કતોનું રખોપુ કરનાર રખેવાડની થયેલી હત્યા સંદર્ભે પોલીસને કેટલીક મહત્વની કડી હાથ લાગી છે અને બે દિવસની અંદર સમગ્ર હત્યાકાંડ પરથી પર્દાફાશ થઈ જશે તેમ કહેવાઈ રહ્યું છે. જો કે આજે સવારે પુછપરછ દરમ્યાન એક શકમંદ ફરાર થઈ જતાં પોલીસની વિવિધ ટીમો દ્વારા તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભાદરણ ગામ તરફથી કસારી તરફ જવાના રોડ ઉપર રહેતા એનઆરઆઈ ઠાકોરભાઈ મણીભાઈ પટેલના ગોવિંદ ભુવન નામના મકાનની રખેવાડી કરતા રમતુભાઈ આશાભાઈ ભોઈની ગત ૬ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ હત્યા કરી નાંખવામાં આવી હતી. આ અંગે ભાદરણ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો દોર હાથ ધર્યો હતો. જેમાં હત્યા પાછળ ચોરી કે લુંટફાટનું જ કારણ ઉજાગર થવા પામતા આસપાસના ગામોની દેવીપૂજક ગેંગની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બે શખ્સો કેશોદ ખાતે રહેતા હોવાની માહિતી મળતા જ પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બન્ને શખ્સોને લાવીને આજે સવારે ભાદરણ પોલીસ મથકે પૂછપરછનો દોર હાથ ધર્યો હતો. એ સાથે જ એક શખ્સ પોલીસની નજર ચૂકવીને ભાગ્યો હતો જેથી તેને પકડવા માટે પોલીસ જતા બીજો પણ તકનો લાભ લઈને ભાગ્યો હતો. જો કે એકને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ડીએસપી સહિત એલસીબી, એસઓજીનો સ્ટાફ ભાદરણ પહોંચી ગયો હતો અને ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી પાડવા માટેની કવાયત તેજ કરી દેવામાં આવી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર બનાવના દિવસે પાંચ જેટલા શખ્સો એનઆરઆઈના બંગલામાં ચોરી કે લૂંટફાટના ઈરાદે ત્રાટક્યા હતા અને રમતુભાઈ ભોઈ જાગી જતા તેમની હત્યા કરી નાંખવામાં આવી હતી. જો કે બે દિવસની અંદર સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઊંચકાઈ જશે તેમ મનાઈ રહ્યું છે.