Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

પાંચ પ્રણ

17/08/2022 00:08 Send-Mail

છેલ્લા કેટલાક સમયથી વંશવાદ અને ભ્રષ્ટાચાર પર પ્રહાર કરી રહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ પર લાલ કિલ્લા પરથી આ બંને વિષયો પર વિસ્તારથી વાત કરી, તેનાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ આ બુરાઈઓના ખાતમા અને તેના વિરુદ્ઘ જનમતનું નિર્માણ કરવા માટે સંકલ્પ લઈ ચૂક્યા છે. આ જ કારણે તેમણે એ પણ રેખાંકિત કર્યું કે ભાઈ-ભત્રીજાવાદ ફક્ત રાજકારણ સુધી જ સીમિત નથી. તેમણે એ તો સ્પષ્ટ ન કર્યું કે રાજનીતિથી ઇતર ક્યાં ક્યાં વંશવાદ સ્થાપિત છે, પરંતુ બધા જાણે છે કે એક લાંબા અરસાથી ન્યાયપાલિકામાં પરિવારવાદને લઈને ગંભીર સવાલ ઊઠી રહ્યા છે. વંશવાદ ક્યાંય પણ હોય, તે લોકતાંત્રિક મૂલ્યો અને મર્યાદાઓની વિરુદ્ઘ છે. જેમ કે વંશવાદ લોકતંત્રનાં મૂળિયાંને કમજોર કરવાનું કામ કરી રહ્યો છે, એવી જ રીતે ભ્રષ્ટાચાર પણ દેશના પાયામાં લૂણો લગાડે છે. દેશને સંબોધિત કરતાં વડાપ્રધાને જે રીતે એમ કહ્યું કે ભ્રષ્ટાચારના આરોપમાં ન્યાયાલયોમાંથી સજા પામેલા નેતાઓનું પણ મહિમામંડન કરવામાં શરમ-સંકોચ નથી રખાતા, તે આપણા સમાજની એક કડવી સચ્ચાઈ છે. અદાલતો દ્વારા ભ્રષ્ટ સાબિત કરાયેલા નેતાઓને હાંકી કાઢવા અને તેમને રાજકીય રૂપે નિષ્પ્રભાવી કરવા આમ જનતાનું નૈતિક દાયિત્વ છે. આખરે આ દાયિત્વનું વહન નહિ કરનારા દેશમાં ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યો હોવાની ફરિયાદ કેવી રીતે કરી શકે?
વડાપ્રધાને જે રીતે વંશવાદ અને ભ્રષ્ટાચાર પર દેશની જનતાને ચેતવી, એવી જ રીતે તેમણે અન્ય બાબતો અને વિશેષ રૂપે મહિલાઓ પ્રત્યે લોકોને પોતાનો દૃષ્ટિકોણ બદલવા માટે પ્રેરિત કરી. આ એક એવી જરૂરી વાત છે, જેનું પ્રાથમિકતાના ધોરણે પાલન થવું જોઇએ, કારણ કે એવું કરીને જ આપણે નારી પ્રત્યે સન્માન દર્શાવવાની પોતાની પ્રતિબદ્ઘતાને સાચી સાબિત કરી શકીે છીએ. આશા રાખીએ કે વડાપ્રધાનની આ વાત એવી જ અસર કરશે, જેવી સ્વચ્છ ભારત અભિયાન સંબંધી તેમની અપીલે છાપ છોડી. વડાપ્રધાને લોકોને ભારતને વિકસિત દેશ બનાવવા, પરાધીનતાનો કોઈ અંશ બચવા નહિ દેવા, પોતાના વારસા પર ગર્વ કરવા અને એકજુટતાનો પરિચય આપવાની સાથે નાગરિક કર્તવ્યોનું વહન કરવાનો સંકલ્પ લેવાનું પણ કહ્યું. તેમણે આ પાંચ સંકલ્પોને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના મૂળ મંત્ર તરીકે પ્રસ્તુત કર્યા. વાસ્તવમાં જો આપણે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પોતાના સપનાને સાકાર કરવા માંગે છે તો આપણે આપણી માનસિકતા અને આપણી રીતભાત બદલવી પડશે. જ્યારે વડાપ્રધાન દેશને બદલવા અને આગળ લઈ જવા માટે સંકલ્પ વ્યક્ત કરી રહ્યા છે તો પછી દેશની જનતાનું પણ એ દાયિત્વ બને છે કે તે પોતાના હિસ્સાના સંકલ્પ લે.