Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

પરિવારવાદ-ભ્રષ્ટાચાર પર પ્રહારની તૈયારી

17/08/2022 00:08 Send-Mail

લાલ કિલ્લા પરથી કોઈપણ વડાપ્રધાન હોય, તે દેશને સમાવેશી સંદેશ આપવાનો પ્રયાસ કરે છે. તેની સાથે જ તે પોતાની સરકારની આગામી નીતિઓ અને કાર્યક્રમોની ઝલક પણ રજૂ કરે છે. આ અર્થમાં જોઇએ તો ૭૬મા સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ આ તમામ કસોટીઓ પર ખરું અને સમાવેશી ભાષણ આપ્યું. પરંતુ તેની સાથે જ વડાપ્રધાને એક મોટી વાત કરી. તેમણે પરિવારવાદ પર ભારે હુમલો કર્યો. એટલું જ નહીં, તેમણે તેને એક મોટી બુરાઈ ગણાવતાં તેના નિકાલમાં દેશનો સહયોગ માંગ્યો છે. તેનો સંદેશ એ છે કે આવનાર દિવસોમાં રાજનીતિમાં ઊંડે સુધી પેસી ગયેલ આ બુરાઈનો સરકારી સ્તરે સામનો કરવામાં આવશે અને ભાજપ તેની સામે સામે રાજકીય સ્તરે પણ ઝઝૂમશે.
વડાપ્રધાને પોતાના સમાવેશી ભાષણમાં રાજનીતિના પરિવારવાદને જોડતાં કહ્યું, ‘જ્યારે હું ભાઈ-ભત્રીજાવાદ, પરિવારવાદની વાત કરું છું તો લોકોને લાગે છે કે હું ફક્ત રાજકીય ક્ષેત્રની વાત કરી રહ્યો છું. દુર્ભાગ્યે રાજનીતિની આ બુરાઈએ હિંદુસ્તાનની તમામ સંસ્થાઓમાં પરિવારવાદને પોષિત કર્યો છે. એનાથી મારા દેશની પ્રતિભાને નુક્સાન થાય છે. હું ભાઈ-ભત્રીજાવાદ વિરુદ્ઘ યુદ્ઘમાં યુવાઓનો સાથ માંગું છું.’ લાલ કિલ્લા પરથી વડાપ્રધાને બેશક રાજકારણની સાથે જબીજા ક્ષેત્રોમાં પણ ચાલતા પરિવારવાદ પર પણ નિશાન સાધ્યું, પરંતુ એ પણ સત્ય છે કે જ્યાં સુધી રાજનીતિમાંથી આ બુરાઈને દૂર નહીં કરવામાં આવે, સમાજના અન્ય ક્ષેત્રોમાંથી તેને દૂર કરવી આસાન નહીં રહે.
એ સાચું છે કે સરકારી તંત્રમાં પરિવારવાદમાં મૂળ ઊંડે સુધી ઉતરી ગયાં છે. સરકારી તંત્રનો પ્રભાવી વર્ગ પોતાના બાળકોને ઊંચી નોકરીઓ અપાવવા માટે પોતાના તરફથી એવો પ્રયાસ કરે છે, જેથી સંબંધિત પરીક્ષામાં તેના સ્વજનોને સારા ગુણ મળી શકે. સરકારી તંત્રમાં પાકી નોકરીઓ ઓછી થતી જાય છે. પરંતુ એ પણ સત્ય છે કે તૃતીય શ્રેણીની હજુ પણ અસ્થાયી રીતે જેટલી નોકરીઓની જગ્યા બને છે, એમાં સામાન્ય નાગરિકને મોકો ઓછો જ મળે છે, એ ઓફિસમાં જામી પડેલા લોકો પોતાના પરિવાર અને સંબંધીઓનાં બાળકો-બાળકીઓ માટે કોઈ પ્રકારે જુગાડ કરીને વ્યવસ્થા કરી જ દે છે. ઉચ્ચ ન્યાયપાલિકામાં જે કોલેજિયમ વ્યવસ્થા છે તેને ધ્યાનમાં રાખીને ન્યાયતંત્રના વગદાર લોકો પોતાના પરિવારજનોને કાયદાનું ભણતર અને પ્રેક્ટિસ શરૂ કરાવે છે અને એ જ વ્યવસ્થાનો ફાયદો ઉઠાવીને પોતાનાં બાળકોને ઉચ્ચ ન્યાયપાલિકામાં સ્થાપિત કરવામાં સફળ પણ થઈ જાય છે.
રાજનીતિમાં પરિવારવાદ તો ખુલ્લો ખેલ થઈ ગયો છે. દેશની સૌથી જૂની પાર્ટીમાં એ ધારણા સ્થાપિત થઈ ગઈ છે કે સમગ્ર પાર્ટીના લોકો વચ્ચે જો કોઈ એક્તા બનાવી રાખી શકે તો તે ગાંધી-નેહરુ પરિવારનો વ્યક્તિ જ હોઈ શકે છે. એ જ કારણ છે કે નેહરુથી માંડીને ઇન્દિરા ગાંધી થઈને રાજીવ ગાંધી, સંજય ગાંધી અને સોનિયા ગાંધીથી માંડીને રાહુલ ગાંધીમાં જ કોંગ્રેસની આશા દેખાય છે. પ્રિયંકા ગાંધીથી થઈને આ વાત તેમનાં બાળકો સુધી જવાની છે. દિલચસ્પ એ છે કે તેનો સમર્થક વર્ગ પણ રાજતંત્રની પ્રજાની જેમ ભક્તિભાવથી આ પરિવારવાદી વ્યવસ્થા પ્રત્યે નતમસ્તક જણાય છે.
રહી વાત પ્રાદેશિક અને નાની પાર્ટીઓની, તો તે હવે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓની જેમ જ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટી હોય કે રાષ્ટ્રીય જનતા દળ કે તેલંગણા રાષ્ટ્ર સમિતિ કે પછી વાઇએસઆર કોંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ હોય કે પછી ઇન્ડિયન નેશનલ લોકદળ હોય કે તૃણમૂલ કોંગ્રેસ, ઝારખંડ મુક્તિ મોરચા હોય કે પછી તેલુગુદેશમ પાર્ટી કે જનતા દળ સેક્યુલર, દેશમાં જ્યાં નજર નાખો ત્યાં તમામ સ્થાનિક અને પ્રાદેશિક પાર્ટીઓ પર તેમના સંસ્થાપકોના પરિવાર કે પુત્ર-પુત્રીઓનો કબ્જો છે. દિલચસ્પ એ છે કે તેમના સમર્થક વર્ગને પણ પોતાની પાર્ટીના તારણ પરિવારના લોકોમાં જ દેખાય છે. ચાહે તેઓ ગમે તેટલા અયોગ્ય, અભણ કે ગમાર કેમ ન હોય. તેમની પાર્ટીઓમાં એકથી એક દિગ્ગજ અને અનુભવી લોકો હોય છે, પરંતુ તેઓ ક્યારેય નેતૃત્વ નથી કરી શકતા.
એમાં બેમત નહીં કે કેટલાંય કારણોસર આપણા દેશમાં ભ્રષ્ટાચારને ઉત્તેજન પણ ખૂબ મળ્યું છે. આખરે શું કારણ છે કે મોટાભાગની પાર્ટીઓના સંસ્થાપક પહેલાં જેમતેમ કરીને માંડ ગુજારો કરતા હતા, પરંતુ સત્તામાં આવ્યા બાદ તેમના પરિવારની સંપત્તિ લાખો ગણી વધી ગઈ. એના પર જ્યારે પણ સવાલ ઊઠે છે તો આ પાર્ટીઓના સમર્થક વર્ગ તેને બદલાની કાર્યવાહી માને છે, ભલે તે ગરીબીમાં જીવવા માટે અભિશપ્ત હોય. લાલ કિલ્લા પરથી વડાપ્રધાને બહુ સમજદારીથી પરિવારવાદ પર નિશાનો સાધવાની સાથે જ ભ્રષ્ટાચારનો મુદદે ઉઠાવ્યો અને આ રીતે એ વ્યક્ત કરવાની કોશિશ કરી કે પરિવારવાદ અને ભ્રષ્ટાચાર એક સિક્કાનાં બે પાસાં છે. તેમણે કહ્યું કે જો સમય રહેતાં આપણે ચેત્યા નહીં તો આપણા પડકારો, વિકૃતિઓ અને બીમારીઓને કારણે આગામી વર્ષોમાં આ તમામ વિકરાળ રૂપ ધારણ કરી શકે છે. તેમાં બે વિકૃતિઓ તો મુખ્ય રૂપે સામેલ છે, ભ્રષ્ટાચાર અને પરિવારવાદ-ભાઈભત્રીજાવાદ.
વડાપ્રધાનને ખબર છે કે રાજકીય ભ્રષ્ટાચાર વિરુદ્ઘ ચેતના રાજકીય પક્ષોના સમર્થકોની એ પરિવાર પ્રત્યે સહાનુભૂતિને કારણે નથી જાગી શકતી, કદાચ એ જ કારણ છે કે તેમણે કહી દીધું કે તેમના માટે ચિંતાનો વિષય છે કે દેશવાસીઓમાં ભ્રષ્ટાચાર વિરુદ્ઘ નફરત તો દેખાય છે, પરંતુ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ઘ કોઈ ચેતના નથી દેખાતી. વડાપ્રધાન મોદીએ આ ૧૫ ઓગસ્ટે પોતાના ભાષણમાં આ જ ચેતના જગાવવાની કોશિશ કરી છે. લાલ કિલ્લા પરથી બોલવાનો મતલબ છે કે હવે વડાપ્રધાન આ બુરાઈ વિરુદ્ઘ નિર્ણાયક લડાઈનું મન બનાવી ચૂક્યા છે. દેખીતું છે કે આવનાર દિવસોમાં તેનાં પરિણામ સ્પષ્ટ જોવા મળશે.