Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

જળવાયુ પરિવર્તનથી ખેતી પર સંકટ

17/08/2022 00:08 Send-Mail

ગ્રીન હાઉસ ગેસો કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન, ક્લોરો-ફ્લોરો કાર્બન, ઓઝોન વગેરેના બેફામ ઉત્સર્જનને કારણે થઈ રહેલ જળવાયુ પરિવર્તનથી ફક્ત પાકોના ઉત્પાદન જ પ્રભાવિત નથી થતું, બલ્કે તેમની ગુણવત્તા પર પણ નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. જો ધરતીનું તાપમાન ૧.૫ ડિગ્રી સુધી વધે છે તો પાકોની પેદાશ પર ગંભીર પ્રભાવ પડશે. ખેતીની ઉત્પાદકતા વધારવામાં ઉપજાઉ જમીન, ભેજ, અનુકૂળ વાતાવરણ કે તાપમાન, પૂરતો વરસાદ, જીવાતોથી બચાવ વગેરેનું મહત્ત્વપૂર્ણ યોગદાન હોયછે. તેમાંથી કોઈપણ માપદંડમાં પરિવર્તન થવાથી પાકોની પેદાશ પ્રભાવિત થાય છે. આવનાર દિવસોમાં દેશની આબાદી વધશે. એવામાં વિભિન્ન અનાજોની માંગ પણ વધશે. જળવાયુ પરિવર્તન આ રસ્તામાં અડચણો અને મુશ્કેલીઓ પેદા કરશે. તેના જોખમોને ઓછા કરવા માટે કૃષિ નીતિમાં જરૂરી સુધાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ત્યારે જ આપણે ખાદ્યાન્ન અસુરક્ષા જેવાં સંકટોનો સામનો કરી શકીશું.
જળવાયુ પરિવર્તન ખાદ્ય સુરક્ષાના તમામ ચાર આયામો-ખાદ્ય ઉપલબ્ધતા, ખાદ્ય પહોંચ, ખાદ્ય ઉપયોગ અને ખાદ્ય પ્રણાલી સ્થિરતાને પ્રભાવિત કરશે. આંકડા દર્શાવે છે કે આ સદીના અંત સુધીમાં ધરતીનું તાપમાન ૩.૭-૪.૮ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી જશે, જેની સીધી અસર ખાદ્યાન્ન ઉત્પાદન પર થશે. દાખલા તરીકે આજે જ્યાં ઘઉં, જવ, સરસવ અને બટાટાની ખેતી થઈ રહી છે, ત્યાં તાપમાન વધવાથી આ પાકોની ખેતી નહીં થઈ શકે, કારણ કે તેમને ઠંડકની જરૂર હોય છે. ઠીક એ જ રીતે તાપમાન વધવાથી મકાઈ, ધાન્ય કે જુવાર વગેરે પાકોનું ક્ષરણ થઈ શકે છે, કારણ કે તેમાં વધુ તાપમાનને કારણે દાણા ભરાતા નથી અથવા ઓછા ભરાય છે. તેનાથી આ પાકોની ખેતી કરવી અસંભવ થઈ જશે. તાપમાનમાં વધારાથી વરસાદમાં ઘટાડો થાય છે, જેનાથી માટીમાં ભેજ ખતમ થઈ જાય છે. વધતું તાપમાન માટીમાં પ્રાકૃતિક નાઇટ્રોજનની ઉપલબ્ધતા પણ ઓછી કરી રહ્યું છે. તેને વધારવા માટે આપણે રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી માટીની ફળદ્રુપતા પ્રભાવિત થઈ રહી છે. જળવાયુ પરિવર્તન જોખમ ઇન્ડેક્સમાં આપણે ટોચના વીસ દેશોમાં સામેલ છીએ. પાછલા ચાર દાયકામાં આપણી ધરતીનું તાપમાન ૦.૫ ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે, જેને કારણે પૂર, દુકાળ અને વાવાઝોડાં જેવી કુદરતી આપદાઓ પણ વધી છે. જોકે આપણા દેશમાં મોટાભાગના ખેડૂતો પાસે સીમિત જમીન છે, તેથી આ આપદાઓને કારણે તેમની આવક પર ભારે અસર થાય છે. એકંદરે એમ કહી શકાય કે વધતા તાપમાનનું સંકટ ભારત પર ઘેરાતું જાય છે. તેથી એવા ઉપાયો જરૂરી છે કે જેના દ્વારા આપણા ખેડૂતો જળવાયુ પરિવર્તનને કારણે પેદા થયેલ કઠણાઇઓનો સામનો કરતાં પાકોનું ઉત્પાદન કરી શકે અને તેમને યોગ્ય લાભ પણ થાય.