Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

પાછળ છૂટતાં રાષ્ટ્રીય જીવનનાં મૂલ્ય

18/08/2022 00:08 Send-Mail

ભારતની સ્વતંત્રતા માટે જે ઐતિહાસિક, ઉલ્લેખનીય આંદોલન ભારતીયોએ કર્યાં, બ્રિટિશ સામ્રાજ્યવાદની યાતનાઓ સહન કરી, જેલોમાં ગયા, તેમાંથી ૧૯૪૨નું ભારત છોડો આંદોલન વિશેષ સ્મરણીય છે. ત્યારબાદ જાણે વિદેશી શાસકોને એ સંપૂર્ણ અનુભવ થઈ ગયો હતો કે તેમના પાયા હચમચી ગયા છે, હવે તેઓ ભારત પર રાજ નહીં કરી શકે. આપણા રાષ્ટ્રીય નેતાઓનો સંકલ્પ અને સ્વપ્ન અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવાનો હતો. તેની સાથે જ અંગ્રેજીયતથી પણ ભારતીય જનમાનસને મુક્ત કરવું રહ્યું.
હિંદુસ્તાનના ઘરેઘરમાં તિરંગો લહેરાયો અને લોકોએ ઉલ્લાસભેર આઝાદીનું પર્વ ઉજવ્યું. પરંતુ રાજનીતિની સંકીર્ણ માનસિકતાથી ગ્રસ્ત દેશના જ કેટલાક નેતાઓ તિરંગા યાત્રામાં પણ મનથી ભાગ ન લઈ શક્યા. તેઓ મીનમેખ કાઢીને વિપક્ષમાં બેસવાની પીડા જાણેઅજાણે છતી કરી ગયા. નિ:સંદેહ આપણે છેલ્લા ૭૫ વર્ષમાં બહુ આગળ વધ્યા છીએ. વિશ્વની આર્થિક શક્તિ બની રહ્યા છીએ, સૈન્ય શક્તિ બનવાની બહુ નજીક છીએ. આપણા રાષ્ટ્રીય નેતાઓનું હવે દુનિયા સાંભળે છે. તેઓ વિશ્વ ભ્રમણ માટે જાય તો તેમની એક ઝલક મેળવવા માટે તલપાપડ લોકો ઉમટી પડે છે અને જે ભારતવાસી આખી દુનિયામાં વસ્યા છે, તેઓ જાણે લાલ જાજમ બિછાવીને આપણા ભારત રાષ્ટ્રના નેતાઓનું ઉલટભેર સ્વાગત કરવા તૈયાર રહે છે.
પરંતુ આ દરમ્યાન આપણે શું ગુમાવી બેઠા, તેના તરફ કોઈનું ધ્યાન નથી. આઝાદી બાદ આપણા સાંસ્કૃતિક જીવન મૂલ્યો, આપણી ભાષા, પોતાના રીત-રિવાજોને આપણે છોડતા જઈ રહ્યા છીએ. એટલું જ નહીં, વિદેશી જીવન મૂલ્યોને ભારતીય જીવન મૂલ્યો કરતાં વધારે મહત્ત્વ આપી રહ્યા છીએ. એ નિશ્ચિતપણે દરેક સહૃદય રાષ્ટ્રભક્ત ભારતીયને પીડા આપે છે. ક્યારેક આપણાં મોટાં શહેરોમાં વિદેશી ભાષાના પ્રભુત્વનો રોગ ફેલાવો શરૂ થયો હતો. આજે તો નાના-નાના કસ્બા, ત્યાં સુધી કે ગામડાંમાં પણ એ ભાષાનું પ્રભુત્વ છે જે ભાષામાં ક્યારેક જનરલ ડાયરે જલિયાંવાલા બાગમાં ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો હતો. જે ભાષામાં આપણા દેશના ક્રાંતિકારી વીરોને ફાંસી પર લટકાવવાના હુકમ જારી થયા હતા, જે ભાષામાં ભણવા-ભણાવ્યા બાદ મેકોલેએ કહ્યું હતું કે જો ભારતમાં મેકોલે દ્વારા તૈયાર કરાયેલી શિક્ષણ પદ્ઘતિ ચાલતી રહી તો આવનાર પચાસ વર્ષોમાં ભારતના લોકો દરેક એ ચીજને શ્રેષ્ઠ માનશે જે ભારતીય નથી. મેકોલેનું એ સ્વપ્ન સ્વતંત્રતાના ૭૫ મા વર્ષમાં ઘણી હદે પૂરું થતું દેખાય છે. આપણી પરંપરાઓ સાથે જોડાયેલાં શહેરો પણ હવે અંગ્રેજી આંધીમાં ઉડવા લાગ્યાં છે. હોટેલોનાં નામ, જાહેર સ્થળોનાં કે મોટા-મોટા ભવનોનાં નામ, ત્યાં સુધી નવા વસેલા મહોલ્લાનાં નામ પણ હવે અંગ્રેજીમાં જ રાખવામાં આવે છે.
કડવું સત્ય એ છે કે ક્યારેક હિંદી અને પંજાબી માટે આંદોલન કરનારા, જેલોમાં જનારા, હિંદી-પંજાબીના નામે બે સમુદાયોમાં વહેંચાઈ જનારા લોકોને પણ હવે ડાયરની ભાષા માના દૂધની જેમ સારી લાગવા માંડી છે. હસ્તાક્ષરના નામે હિંદુસ્તાની ભાષા બહુ માંડ ક્યાંક જોવા મળે છે. જેટલી સ્કૂલો ભારતીય ભાષાઓ અને ભારતીય જીવન પદ્ઘતિથી દૂર હોય છે, તે એટલી જ મોંઘી હોય છે. સરકારી મજબૂરી જુઓ, પંજાબની આપ સરકારે જે સ્માર્ટ સ્કૂલ નામે અભિયાન ચલાવ્યું તેમાં સ્માર્ટ સ્કૂલની પરિભાષા એ છે કે જ્યાં વિદ્યાર્થીઓના ગળામાં નેકટાઇ અને જીભે અંગ્રેજી ભાષા હોય. આપણા દેશમાં ભારતીય ભાષાઓના માધ્યમમાં ભણવું મુશ્કેલ થઈ ગયું અને વિદેશી ભાષાનું માધ્યમ અપનાવવા માટે પંજાબ સરકારની જેમ અન્ય અનેક સરકારો ઘૂંટણિયે પડી ગઈ છે. ઘરોમાં કમ સે કમ ઉત્તર ભારતમાં મા જેવો પવિત્ર શબ્દ પણ હવે અપરિચિત છે અને દીવો પ્રગટાવીને ખુશીઓ મનાવનારા દેશમાં હવે દીવો બુઝાવીને ભારતીયતાથી જોજનો દૂર જઈને હજારો પ્રકારની મીઠાઈઓ છોડીને માત્ર મીણબત્તીઓ બૂઝાવવા અને કેક કાપવામાં જ તમામ તહેવારો સમેટાઈ રહ્યા છે. જે બાળકોને આપણે કુળદીપક કહીએ છીએ, એ બાળકોનો જન્મદિન, વિવાહની વર્ષગાંઠ બુઝાયેલા દીવા સાથે તાળીઓ પાડીને મનાવવામાં આવે છે. આ ભારતીયતાથી દૂર થતા જવું અમૃત મહોત્સવને મીઠો નથી રહેવા દેતું અને જે કોલેજો-યુનિવર્સિટીઓમાં આપણી નવી પેઢી ભવિષ્યના પડકારો સ્વીકાર કરવા, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે તૈયાર થઈ રહી છે, ત્યાં પણ તેમને સ્નાતક બનવાની સાથે જ અંગ્રેજોની નકલ, કાળા ગાઉન પહેરીને દીક્ષાંત સમારોહની દીક્ષાનું કથિત સન્માન આપવામાં આવે છે. આપણા દેશના નેતાઓની શી મજબૂરી છે, જેઓ હિંદીના જાણકાર છે, તેઓ પણ આ ભુલાવામાં આવી ગયા કે અંગ્રેજી બોલશે તો જ જનતાને વધુ પ્રભાવી નેતા લાગશે.
આ અમૃત મહોત્સવની ઉજવણીમાં આપણે યાદ કરવાનું અને કરાવવાનું છે કે આપણે દુનિયાની સાથે આગળ વધીશું, પરંતુ એ યાદ રાખવું પડશે કે મન, કર્મ, વચનથી હિંદુસ્તાની રહીશું, ત્યારે જ આપણી ઇજ્જત થશે, આપણી ઓળખ બની રહેશે.