Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

કથાસાગર-સાધક અને વેપારી

18/08/2022 00:08 Send-Mail

પરમ તપસ્વી જાજલિને એક વાત જાણીને ખૂબ આ આશ્ચર્ય થયું કે કાશીમાં રહેનાર એક વેપારી તુલાધાર તેમના કરતાં ક્યાંય વધારે ધાર્મિક અને મોટો સિદ્ઘ પુરુષ મનાતો હતો. તેનું કારણ જાણવા જાજલિ કાશી પહોંચ્યા. આમ તો તેઓ તુલાધારની સાધના જોવા,અનુસરવા અને તેમાંથી શીખવાના ઉદ્દેશથી ત્યાં ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે જોયું તો એકદમ સાદાં કપડાંમાં તુલાધાર પોતાની દુકાન પર બેઠો હતો. તે ગ્રાહકોને ચીજવસ્તુઓ આપી રહ્યો હતો. તે લોકોને ખબર-અંતર પણ પૂછતો હતો.
જાજલિ વિચારવા લાગ્યા કે આ સાધારણ લાગતો માણસ ખરેખર સાધક છે? તે સાધના કઈ રીતે અને ક્યારે કરતો હશે? પરંતુ તુલાધારે તો જાજલિને પૂછ્યા વિના જ તેમના આગમનનું કારણ જણાવી દીધું ત્યારે જાજલિની આંખો ફાટી ગઈ! જાજલિનું તેણે યથાયોગ્ય સ્વાગત કર્યું. જ્યારે જાજલિએ તેને સિદ્ઘિ પ્રાપ્ત કરવાની રીત પૂછી ત્યારે તુલાધારે નમ્રતાથી કહ્યું, ‘‘ઋષિવર, હું મદ્ય અને અન્ય નિંદનીય ચીજવસ્તુઓ વેચતો નથી. મારો ગ્રાહક બાળક હોય, વૃદ્ઘ હોય કે યુવાન હોય, તેને વસ્તુની કિંમત ખબર હોય કે નહીં, હું નથી ઓછું જોખતો કે નથી તેની પાસેથી અયોગ્ય ભાવ લઈને તેને ઠગતો. હું વસ્તુઓમાં ભેળસેળ પણ નથી કરતો. કોઈ ગ્રાહકની મજબૂરીનો લાભ નથી ઉઠાવતો. ગ્રાહકોની નિ:સ્વાર્થ સેવા કરવાનું મારું કર્તવ્ય છે. હું મારો વણિકધર્મ બરાબર પાળું છું અને તેમાં કોઈ કમી ન આવે તે જોઉં છું. હું રાગ-દ્વેષથી મુક્ત રહીને મારી
ક્ષમતા મુજબ દાન પણ કરું છું અને તમામ પ્રાણીઓનાં હિતનું રક્ષણ કરવા પ્રયાસ કરું છું. હું હમેશાં મમતાનો ભાવ રાખું છું. મને લાગે છે કે પોતાની જવાબદારી ઈમાનદારીથી નિભાવવી, દરેક વ્યક્તિનું સન્માન રાખવું અને તેને સુખ પહોંચાડવાનો પ્રયાસ કરવો એ જ મોટી સાધના છે.’’ જાજલિ તુલાધારનો આશય સમજી ગયા.