ભારતના પ્રવાસે આવેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ સાબા કોરોસીએ અહીં જે ગંભીરતાથી સુરક્ષા પરિષદમાં સુધારનો મુદ્દો ઉઠાવ્યો તે ધ્યાન આપવા જેવો છે. તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પોતાના હાલના સ્વરૂપમાં પંગુ થઈ ગઈ છે. જોકે સુરક્ષા પરિષદમાં સુધારનો મુદ્દો કોઈ નવો નથી. ભારત સહિત કેટલાય અન્ય દેશો છેલ્લા કેટલાય વર્ષોથી તેની માંગ કરતા આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એકથી વધુ અવસરો પર આંતરરાષ્ટ્રીય મંચોથી આ બાબતે અવાજ ઉઠાવી ચૂક્યા છે. થોડા દિવસ પહેલાં વોઇસ ઓફ ધ ગ્લોબલ સાઉથ સમિટમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર ૧૯૪૫માં બનાવવામાં આવેલ એક ‘ફ્રોઝન મિકેનિઝમ’ બનીને રહી ગયું છે. મુશ્કેલી એ છે કે ભારત દ્વારા ઉઠાવવામાં આવતી આ માંગને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સ્થાયી સદસ્યતા મેળવવાની તેની આકાંક્ષા સાથે જોડીને જોવામાં આવે છે. પરિણામ એ આવ્યું કે અલગ-અલગ પ્રસંગોએ વિભિન્ન દેશ સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સદસ્યતા અપાવવામાં ભારતને સમર્થનનું આશ્વાસન આપતા રહ્યા, પરંતુ તેઓ આ બાબતે ગંભીર ન થયા. તેથી અલગ-અલગ મંચો પરથી આ મુદ્દો ઉઠાવવા છતાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ક્યારેય આ મતલબનો કોઈ પ્રસ્તાવ પસાર ન થયો.
પરંતુ યુક્રેન યુદ્ઘે આ આંતરરાષ્ટ્રીય સંસ્થાની વધતી અપ્રાસંગિકતાને એક ઝાટકે ઉજાગર કરી દીધી. ખુદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ એ વાતની પુષ્ટિ કરતાં કહે છે કે આખી દુનિયા સાક્ષી છે, કેવી રીતે સુરક્ષા પરિષદના એક સ્થાયી સદસ્યએ પોતાના પડોશી દેશ પર આક્રમણ કર્યું, તેની ક્ષેત્રીય અખંડતાનું ઉલ્લંઘન કર્યું અને સુરક્ષા પરિષદ કોઈ નિર્ણય ન કરી શકી. કારણ હતું એ સદસ્યનો વીટો પાવર. સ્પષ્ટ છે કે જે વીટો પાવર સુરક્ષા પરિષદના પાંચેય સદસ્યોને એ હેતુથી આપવામાં આવ્યો હતો કે આ સંસ્થા વધુ કારગત બને અને દુનિયાને યુદ્ઘથી બચાવે, તે જ હવે આ સંસ્થાના પગની બેડી સાબિત થઈ રહ્યો છે. હવે તેમાં સહેજ પણ શંકા નથી રહી કે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર અને તેના કામકાજમાં દુનિયાની હાલની ભૂરાજનીતિની હકીકત નથી ઝલકતી. પરંતુ અડચણ હજુ પણ સૌથી મોટી એ જ છે, સદસ્ય રાષ્ટ્રોમાં એકમતનો અભાવ. જાણકારો અનુસાર, હાલમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૧૯૩ સદસ્ય રાષ્ટ્રો વચ્ચે પાંચ નેગોશિએટિંગ ગ્રુપ સક્રિય છે અને તે બધા એકબીજાનો તોડ બનેલા છે. સુરક્ષા પરિષદના સદસ્યો પર સુધારનો એજન્ડા આગળ વધારવાનું વાસ્તવિક દબાણ ત્યારે જ બનશે, જયારે મહાસભા દ્વારા તેમને પ્રસ્તાવ મોકલવામાં આવશે. પરંતુ આ થતું નથી અને વાત આગળ વધતી નથી. એકંદરે ભારત જેવા દેશનો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સદસ્યતાનો દાવો ઘણો મજબૂત છે. તે સૌથી મોટું લોકતંત્ર હોવાની સાથે દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા પણ છે. તેથી તેને સદસ્યતા મળવી જોઇએ, પરંતુ એ ત્યારે જ થઈ શકશે જ્યારે પરિષદમાં સુધાર થાય. આ સુધારા થશે તો જ સંયુક્ત રાષ્ટ્રની પ્રાસંગિકતા બની રહેશે.