સિંધુ જળ વહેંચણીને લઈને ભારતે પાકિસ્તાનને ચેતવણી આપી છે. તેનું કારણ એ છે કે પાકિસ્તાન કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પરિયોજનાઓ પર ટેકનિકલ વાંધાની તપાસ માટે તટસ્થ વિશેષજ્ઞની નિયુક્તિના પોતાના આગ્રહથી પીછેહટ કરીને મામલાને મધ્યસ્થતા અદાલતમાં લઈ જવા જીદે ચડ્યું છે. આ પગલું સંધિના અનુચ્છેદ-૯માં વિવાદોની પતાવટ માટે બનાવવામાં આવેલ તંત્રનું ઉલ્લંઘન છે. તેથી ભારતે સપ્ટેમ્બર ૧૯૬૦માં થયેલ સિંધુ જળ સંધિમાં સંશોધન માટે પાકિસ્તાનને નોટિસ જારી કરી છે. વાસ્તવમાં ભારતે આ સંધિને લાગુ કરવામાં ઇસ્લામાબાદની હઠધર્મિતા બાદ આ પગલું ઉઠાવ્યું છે. યાદ રહે કે ઓગસ્ટ ૨૦૨૧માં સંસદની એક સ્થાયી સમિતિએ ભલામણ કરી હતી કે આ સંધિ પર ફરીથી વાતચીત કરવામાં આવે, જેથી જળવાયુ પરિવર્તનથી પાણીની ઉપલબ્ધતા પર પડેલી અસર અને અન્ય પડકારો સાથે જોડાયેલ બાબતોનો નિકાલ કરી શકાય, જેમને સમજૂતીમાં સામેલ નથી કરવામાં આવી.
પાકિસ્તાન પોષિત આતંકવાદનો જડબાતોડ જવાબ આપવા માટે પાકિસ્તાન જતી નદીઓનું પાણી રોકવા પર લાંબા સમયથી વિચાર થઈ રહ્યો છે, પરંતુ પાણી રોકવાનું કામ કંઈ બટન દબાવવાથી થઈ જતું નથી. દુનિયાની સૌથી મોટી નદી ઘાટી પ્રણાલીઓમાંથી એક સિંધુ નદીની લંબાઈ લગભગ ૨૮૮૦ કિમી છે. સિંધુનો વિસ્તાર લગભગ ૧૧.૨ લાખ ચોરસ કિમી ક્ષેત્રમાં ફેલાયેલો છે. આ વિસ્તાર પાકિસ્તાન (૪૭ ટકા), ભારત (૩૯ ટકા), ચીન (૮ ટકા) અને અફઘાનિસ્તાન (૬ ટકા)માં છે. અનુમાન છે કે લગભગ ૩૦ કરોડ લોકો સિંધુ નદીની આસપાસ રહે છે. સિંધુ નદી તંત્રની છ નદીઓમાં કુલ ૧૬.૮ કરોડ એકરની જળનિધિ છે. તેમાંથી ભારત પોતાના હિસ્સાના લગભગ ૯૦ ટકા પાણીનો ઉપયોગ કરી લે છે. બાકી પાણી રોકવા માટે હજુ ઓછામાં ઓછાં છ વર્ષ લાગી શકે. તિબેટમાં કૈલાસ પર્વત શૃંખલાથી બોખાર-ચૂ નામના ગ્લેશિયર પાસેથી અવતરિત સિંધુ નદી ભારતમાં લેહ ક્ષેત્રથી પસાર થાય છે. લદ્દાખ સીમાને પાર કરતાં જમ્મુ-કાશ્મીરમાં ગિલગિટ પાસે દાર્દિસ્તાન ક્ષેત્રમાં તેનો પ્રવેશ પાકિસ્તાનમાં થાય છે. જે પાંચ નદીઓ રાવી, ચિનાબ, ઝેલમ, બિયાસ અને સતલજને કારણે પંજાબનું નામ પડ્યું, તે તમામ સિંધુની જળધારાને સમૃદ્ઘ કરે છે. સતલજ પર જ ભાખરા-નાંગલ બંધ છે. ભલે ભારત પાકિસ્તાન વચ્ચે ભૌગોલિક સીમાઓ ખેંચાઈ ગઈ હોય પરંતુ અહીંની નદીઓ, હવામાન અને સંસ્કૃતિ સહિત કેટલીય વાતો ઇચ્છવા છતાં પણ વહેંચાઈ ન શકી.
સિંધુ નદી પ્રણાલીનો કુલ જળનિકાસ ક્ષેત્ર ૧૧,૧૬૫,૦૦૦ વર્ગ કિમીથી વધારે છે. વાર્ષિક પ્રવાહની દૃષ્ટિએ આ વિશ્વની ૨૧મી સૌથી મોટી નદી છે. આ પાકિસ્તાનનાના ભરણપોષણનું એકમાત્ર સાધન પણ છે. અંગ્રેજોએ પાકિસ્તાનના પંજાબ ક્ષેત્રની સિંચાઈ માટે વિસ્તૃત નહેર પ્રણાલીનું નિર્માણ કર્યું હતું. વિભાજને આ બુનિયાદી માળખાનો એક મોટો હિસ્સો પાકિસ્તાનમાં છોડી દીધો, પરંતુ હેડવર્ક બંધ ભારતમાં રહ્યા, જેનાથી પાકિસ્તાનના મોટા જમીનદારોમાં હંમેશાં ડરનો ભાવ રહ્યો. સિંધુ નદી બેઝિનના પાણીની વહેંચણી માટે કેટલાંય વર્ષોની ગહન વાતચીત બાદ વિશ્વ બેંકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિની મધ્યસ્થતા કરી. કેટલાય વિદેશી વિશેષજ્ઞોની દખલ સાથે દસ વર્ષ સુધી વાતચીત ચાલતી રહી અને સપ્ટેમ્બર ૧૯૬૦માં કરાચીમાં જળ વહેંચણીને લઈને દ્વિપક્ષી સમજૂતી થઈ. ભારત-પાકિસ્તાન વચ્ચે આ સમજૂતીનું દૃષ્ટાંત આખી દુનિયામાં આપવામાં આવે છે કે ત્રણ-ત્રણ યુદ્ઘ અને સતત તણાવગ્રસ્ત સંબંધો છતાં આ સંધિ યથાવત રહી. આસંધિ અનુસાર સતલજ, બિયાસ, અને રાવી નદીઓને પૂર્વી, જ્યારે ઝેલમ, ચિનાબ અને સિંધુને પશ્ચિમી ક્ષેત્રની નદી કહેવામાં આવી. પૂર્વી નદીઓના પાણીનો પૂરો હક ભારત પાસે છે તો પશ્ચિમી નદીઓનો હક પાકિસ્તાન પાસે. વીજળી, સિંચાઈ જેવા કેટલાક મામલે ભારત પશ્ચિમી નદીઓના જળનો પણ ઉપયોગ કરી શકે છે. ભારત રાવી પર શાહપુર કંડીમાં બંધ બનાવવા માંગતું હતું, પરંતુ આ પરિયોજના ૧૯૯૫થી અટકેલી છે. ભારતે પોતાના હિસ્સાની પૂર્વી નદીઓનં પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિએ આવી યોજનાઓ પૂરી ન થઈ શકી. હવે શાહપુર કંડી ઉપરાંત સતલજ-બિયાસ લિંક યોજના અને કાશ્મીરમાં ઉઝા બંધ પર પણ કામ થઈ રહ્યું છે. તેનાથી ભારત પોતાના હિસ્સાનું પૂરેપૂરું પાણી ઉપયોગ કરી શકશે.
સિંધુ જળ સંધિમાં વિશ્વ બેંક સહિત કેટલીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ છે અને તેમને નજરઅંદાજ કરીને પાણી રોકવું મુશ્કેલ રહેશે. હા, પાકિસ્તાનની આતંકી ગતિવિધિઓમાં સીધી ભાગીદારી સાબિત કર્યા બાદ એ સંભવ થઈ શકશે, પરંતુ જો આપણે પાણી રોકીએ છીએ તો તેને સાચવવા માટે મોટાં જળાશય, બંધ જોઇએ અને નહેરો પણ. જો કોઈ વ્યવસ્થા વગર પાણી રોકવાનો પ્રયાસ કરવામાં આવશે તો જમ્મુ-કાશ્મીર, પંજાબ વગેરેમાં પાણી ભરાઈ જશે. આઝાદીના આટલા વર્ષ બાદ પણ પોતાના હિસ્સાની નદીઓનું પૂરતું પાણી ઉપયોગ કરવા માટે બંધ વગેરે ન બનાવી શકવાનું અસલ કારણ પ્રતિરક્ષા નીતિઓ છે. સંયુક્ત નદી પર કોઈપણ વિશાળ જળસંગ્રહ દુશ્મનીની હાલતમાં પાકિસ્તાન માટે ‘જળબોમ્બ’ રૂપે કામ આવી શકે છે. ભારતથી પાકિસ્તાન જનારી નદીઓ પર ચીનના રોકાણથી કેટલીય વીજળી પરિયોજનાઓ છે. જો તેના પર કોઈ વિપરીત અસર પડી તો ચીન બ્રહ્મપુત્રના પ્રવાહના માધ્યમથી આપણા સમગ્ર પૂર્વોત્તર રાજ્યોને સંકટમાં મૂકી શકે છે. અરુણાચલ અને મણિપુરની કેટલીય નદીઓ ચીનની હરકતોને કારણે એકાએક પૂર, પ્રદૂષણ અને દુકાળનો માર વેઠી રહી છે. સ્પષ્ટ છે કે સિંધુ જળ સંધિમાં સંશોધન આસાન કામ નથી.