Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :

ભારતીય ન્યાય વ્યવસ્થા પર બીબીસીનો પ્રહાર

02/02/2023 00:02 Send-Mail

ગુજરાત રમખાણોને લઈને બ્રિટનની રાષ્ટ્રીય પ્રસારક બીબીસીની ડોક્યુમેન્ટ્રીને કઈ શ્રેણીમાં મૂકવી? શું તેને પત્રકારત્વ કહેવાય કે પછી ભારત પ્રત્યે ઘૃણા? આ ઘટનાક્રમમાં ભારત સરકારની જે પ્રતિક્રિયા આવી છે, તેના પર અલગથી ચર્ચા થઈ શકે છે. આ પહેલી વાર નથી બન્યું કે ડાબેરી ઝોક ધરાવતા બીબીસીએ કોઈ ભારત વિરોધી રિપોર્ટ કે ડોક્યુમેન્ટ્રી બનાવી હોય અને ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હોય. ૧૯૬૮-૭૧માં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા બીબીસી પર મૂકાયેલો પ્રતિબંધ તેનું પ્રમાણ છે. ખુદ બ્રિટિશ સરકારો-રાજનેતાઓ (માર્ગારેટ થેચર સહિત) સાથે પણ બીબીસીનો જૂનો વિવાદ રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં જે પ્રકારે બીબીસીએ ૨૦ વર્ષ જૂના પ્રકરણ પર વિકૃત રિપોર્ટ રજ કર્યો છે, તે બ્રિટિશ અધિનાયકવાદથી પ્રેરિત છે, જેણે ૧૯મી શતાબ્દીમાં કમજોર કડીઓ શોધીને સમયાંતરે ડાબેરીઓ અને જેહાદીઓ સાથે મળીને ભારતનું રક્તરંજિત વિભાજન કરીને પાકિસ્તાનને જન્મ આપ્યો. આ જ વૈચારિક ત્રિપુટી સામુહિક અને વ્યક્તિગત રૂપે ખંડિત ભારતને ફરીથી ટૂકડા કરવાનો પ્રયાસ કરી રહી છે.
પહેલી વાત એ કે ૨૦૦૨નાં ગુજરાત રમખાણો ના તો ભારતની પહેલી સાંપ્રદાયિક હિંસા હતી, ના છેલ્લી. બીબીસીની સેવાઓ ૧૦૧વર્ષથી ચાલી રહી છે અને એ દરમ્યાન દેશની અંદર ખિલાફત આંદોલન (૧૯૧૯-૨૪), મોપલા-કોહાટ નરસંહાર, લોહિયાળ કલકત્તા ડાયરેક્ટ એક્શન ડેથી માંડીને રાંચી-હટિયા (૧૯૬૭), મુરાદાબાદ (૧૯૮૦), મેરઠ (૧૯૮૭), ભાગલપુર (૧૯૮૯), મુંબઈ (૧૯૯૩), મઉ (૨૦૦૫), કંધમાલ (૨૦૦૭-૦૮), અસમ (૨૦૧૨), મુઝફ્ફરનગર (૨૦૧૩), દિલ્હી (૨૦૧૯-૨૦) અને ઉદયપુર-અમરાવતી હત્યાકાંડ (૨૦૨૨) જેવા અસંખ્ય સાંપ્રદાયિક પ્રકરણો જોવા મળ્યાં છે. આખરે બીબીસી અને તેનો હાલનો રિપોર્ટનું સમર્થન કરનારા માત્ર એક જ રમખાણો પર કેમ અટકી ગયા છે?
બીબીસીની ડોક્યુમેન્ટ્રીમાં રમખાણોનો તો ઉલ્લેખ છે, પરંતુ તેમાં કુટિલતા સાથે એ નૃશંસ ગોધરા કાંડને ગૌણ કરી દેવાયો, જે વાસ્તવમાં આ આખા ઘટનાક્રમનું કેન્દ્રબિંદુ અને ઉદ્ભવસ્થાન હતો. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ અયોધ્યાથી ટ્રેનમાં પાછા ફરી રહેલા ૫૯ કારસેવકોને મજહબી ભીડે કાવતરા અંતર્ગત જીવતા બાળી મૂક્યા હતા, જેમાં અદાલતી સુનાવણી બાદ હાજી બિલ્લા, રઝાક કુરકુર સહિત ૩૧ લોકો દોષીત ઠર્યા હતા. સ્પષ્ટ છે કે રમખાણો પર બીબીસીનો એકાંગી રિપોર્ટ પત્રકારત્વ તો બિલકુલ ન કહી શકાય. બીબીસીએ પોતાની રજૂઆતમાં ભારતના જે કહેવાતા સેક્યુલરો, જેહાદીઓ અને બુદ્ઘિજીવીઓને એ જ મિથ્યા પ્રચારો દોહરાવતા દેખાડ્યા છે, જેને ભારતીય સર્વોચ્ચ અદાલત દ્વારા રચાયેલી વિશેષ તપાસ દળ (એસઆઇટી)એ ૨૦૧૨માં ધરાર ફગાવી દીધા હતા, પરંતુ સમયાંતરે આ ચુકાદા વિરુદ્ઘ દાખલ અરજીને પણ ખુદ સુપ્રીમ કોર્ટે જ આકરા શબ્દો સાથે ૨૪ જૂન, ૨૦૨૨ના રોજ ફગાવી દીધી હતી.
આ પ્રકરણને જોતાં ડાબેરી લેખિકા અરુંધતી રોયના બે દાયકા જૂનો એક લેખ યાદ કરવા જેવો છે જે તેણે એક પ્રતિષ્ઠિત અંગ્રેજી સમાચાર પત્રિકા માટે લખ્યો હતો. તેમાં અરુંધતિ રોયે દાવો કર્યો હતો કે અહેસાન જાફરીની પુત્રીને નિર્વસ્ત્ર કરીને જીવતી બાળી મૂકવામાં આવી હતી. જ્યારે જાફરીની પુત્રી ત્યારે અમેરિકામાં ક્ષેમકુશળ હતી. તેના માટે અરુંધતિ રોયે માફી માંગવી પડી હતી. તે સમયે અરુંધતિ સાથે તીસ્તા સેતલવાડ જેવી સ્વયંભૂ સેક્યુલરોએ વિકૃત વિમર્શના જોરે ગુજરાત રમખાણોને એવી રીતે રજૂ કર્યાં, જાણે સ્વતંત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશી ઇસ્લામી આક્રમણખોરોના જેહાદી કાળખંડ બાદ પહેલી વાર હિંદુ-મુસ્લિમો વચ્ચે કોઈ તોફાનો થયાં હોય.
અમદાવાદમાં આ હિંસા એ સાંપ્રદાયિક રમખાણોની લાંબી અને દુર્ભાગ્યપૂર્ણ શૃંખલામાં એક છે, જેની પહેલી ઘટના ૧૭૧૪માં મુગલકાળ દરમ્યાન હોળીના દિવસે બની હતી. જ્યારે ૧૯૯૩ સુધી અમદાવાદ આવાં તો ૧૦ મોટાં રમખાણોનું સાક્ષી બન્યું. ૧૭૧૪માં ના તો ભાજપ, આરએસએસ, બજરંગ દળ, વિશ્વ હિંદુ પરિષદ અસ્તિત્વમાં હતા, ના ૧૯૬૯-૧૯૮૫માં થયેલા સાંપ્રદાયિક રમખાણો સમયે સત્તાના કેન્દ્રમાં હતા. અરુંધતી-તિસ્તા જેવાંના ભારત-હિંદુ વિરોધી ચિંતનને બીબીસી પણ પોતાની ‘વ્હાઇટ મેન બર્ડન’ માનસિકતાને કારણે અંગીકાર કરે છે. આ દર્શનથી પ્રેરિત બ્રિટનનો એક પૂર્વ વિદેશ મંત્રી, આઠ વખતનો સાંસદ અને લેબર પાર્ટીનો વરિષ્ઠ નેતા જેક સ્ટ્રો પણ છે, જેની કથિત ‘ગોપનીય તપાસ’ પર બીબીસીએ આખી ડોક્યુમેન્ટ્રી ઘડી કાઢી છે. સ્ટ્રો કેટલો પ્રામાણિક અને સાચો છે, એ તેના દ્વારા ઇરાક યુદ્ઘનું સમર્થન કરવા માટે જૂઠ્ઠાણાં ઘડવાથી સ્પષ્ટ થાય છે. ૨૦૧૬માં જાહેર થયેલ ‘ચિલ્કોટ રિપોર્ટ’ તેની સાબિતી છે.
વાસ્તવમાં બીબીસી પોતાના મોદી-વિરોધી અભિયાનથી બ્રિટનને પછાડીને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનનારા, જી-૨૦ની અધ્યક્ષતા કરી રહેલા અને બ્રિટન સાથે મુક્ત વેપાર સમજૂતી કરવા જઈ રહેલા ભારતને કલંકિત કરવા માંગે છે, સાથે જ તે એના માધ્યમથી પોતાની નિરંતર ઘટતી પ્રતિષ્ઠા-વિશ્વસનીયતાને બચાવવા અને વડાપ્રધાન ઋષિ સુનકને બ્રિટિશ રાજનીતિમાં એકલા પાડવા માંગે છે. દેશ-વિદેશોમાં ચેનલોનું પૂર આવવાથી પ્રતિસ્પર્ધા શાતે દર્શકોનું ઓટીટી તરફ ઢળવું, બ્રિટિશ સરકાર દ્વારા બજેટીય ખર્ચ રોકવા, સતત આવક ઘટવી અને નોકરીમાં કપાતથી બીબીસી ત્રસ્ત છે. અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે ૭૭ ટકા સ્વીકૃતિ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા-ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લાંછિત કરીને બીબીસી એક વિશેષ વર્ગમાં પ્રસિદ્ઘિ ઇચ્છે છે.
એ રોચક છે કે જે બીબીસીની ડોક્યુમેન્ટ્રીને ખુદ બ્રિટિશ વડાપ્રધાનની સાથે જ અન્ય રાજનેતાઓ પ્રત્યક્ષ-પરોક્ષ રીતે પ્રોપેગેન્ડા ગણાવીને ફગાવી ચૂક્યા છે, તેને મહત્ત્વ નથી આપતા, ત્યારે ભારતમાં એક ચોક્કસ જમાત તેને અંતિમ સત્ય માની રહી છે, જે ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને પ્રોપેગેન્ડા ગણાવીને ૧૯૮૯-૯૧માં ઘાટી સ્થિત પંડિતોના નરસંહારને જૂઠ્ઠો ગણાવે છે! ખરું તો એ છે કે બીબીસીની હાલની ડોક્યુમેન્ટ્રી એ અપેિક્ષત ખતરા અને ખોટા નરેટિવ ઘડવાનો નમૂનો માત્ર છે, જે ભારતના ઉત્થાનમાં રોડાં નાખવા માંગે છે.