સંસદના બજેટ સત્રને લઈને બોલાવવામાં આવેલી બેઠકમાં વિપક્ષે ચીન સાથે તણાવ પર ચર્ચાની માંગ કરી દીધી તેનું આશ્ચર્ય નહીં. આ કોઈ નવી માંગ પણ નથી. સંસદના દરેક સત્રમાં આ માંગ ઉઠાવવામાં આવે છે. તે ઉપરાંત કોંગ્રેસના નેતા રહી રહીને એવા આરોપ લગાવતા રહે છે કે ચીની સેનાના દબાણકારી વલણને લઈને સરકાર સચ્ચાઈ બતાવવાનો ઇનકાર કરી રહી છે. જોકે સરકાર દ્વારા વારંવાર એમ કહેવામાં આવ્યું છે કે સીમા પર સ્થિતિ નિયંત્રણમાં છે અને સુરક્ષા સંબંધી સંવેદનશીલ બાબતોને કારણે એના પર વ્યાપક ચર્ચા ન કરી શકાય, પરંતુ વિપક્ષ અને વિશેષ રૂપે કોંગ્રેસ પોતાની હઠ છોડવા તૈયાર નથી.
કોંગ્રેસ એક તરફ તો ચીન સાથે જોડાતી સીમા પર વસ્તુસ્થિતિ જાણવાની જીદ કરતી રહે છે, બીજી તરફ તે એમ પણ દોહરાવે છે કે ચીની સેનાએ ભારતીય ભૂમિ પર કબ્જો કરી લીધો છે. જો તેને ખરેખર વસ્તુસ્થિતિની જાણકારી છે તો પછી તે જાણવા શું માંગે છે અને જો જાણકારી નથી તો પછી એવા નિષ્કર્ષ પર તે કેવી રીતે પહોંચી ગઈ? મુશ્કેલી માત્ર એ નથી કે કોંગ્રેસ એ સાબિત કરવા માટે વ્યગ્ર છે કે ચીને ભારતીય ક્ષેત્ર પર અતિક્રમણ કરી લીધું છે અને સરકાર તેને જવાબ આપવા તૈયાર નથી, બલ્કે એ પણ છે કે તે ના તો રક્ષામંત્રીની વાત સાંભળવા તૈયાર છે કે ના વિદેશ મંત્રીની.
કોંગ્રેસના વલણને જોતાં એમાં શંકા છે કે સંસદમાં ચીનને લઈને ચર્ચા થઈ પણ જાય તો પણ તે સરકારના જવાબથી સંતુષ્ટ થવાની નથી. રક્ષા અને વિદેશ બાબતોમાં આવો વ્યવહાર યોગ્ય નથી, પરંતુ તે નવો પણ નથી. તેની અવગણના ન કરી શકાય કે ડોકલામ ગતિરોધ સમયે રાહુલ ગાંધી કેવી રીતે ચીની રાજદૂતને ગુપચુપ મળી આવ્યા હતા. એ પણ કોઈથી છૂપું નથી કે કોંગ્રેસે એ પ્રશ્નનો જવાબ આજ સુધી નથી આપ્યો કે તેણે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સમજૂતી કેમ કરી હતી અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી ફંડ લેવાની શી જરૂર પડી હતી?
એમાં શંકા નહીં કે ચીન આક્રમક વલણ અપનાવી રહ્યું છે, પરંતુ એ પણ તથ્ય છે કે હવે ભારતીય સેના તેનો સાહસ સાથે સામનો કરી રહી છે. તેનું ઉદાહરણ ગલવનની પણ ઘટના છે અને તવાંગની પણ. કોંગ્રેસ રાજકીય કારણોસર સરકારને કઠેરામાં ઊભું કરવાનું કામ કરી શકે છે, પરંતુ તેણે એવું કશું ન કરવું જોઇએ, જેનાથી સેનાનું મનોબળ પ્રભાવિત થાય. તવાંગમાં ચીની સેના સાથે અથડામણ બાદ રાહુલ ગાંધીએ સેનાને લઈને જેવાં નિવેદનો આપ્યાં હતાં, તેને વખોડવા યોગ્ય જ કહી શકાય. યોગ્ય એ રહેશે કે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો એ સમજે કે ચીન મામલે પક્ષ-વિપક્ષે એક સૂરે બોલવાની જરૂર છે.