ઈન્ટરનેટ પર આપણી નિર્ભરતા સતત વધતી જાય છે. તેના વપરાશકર્તાઓમાં બાળકો, યુવા અને વૃદ્ઘો બધા જ સામેલ છે. તેનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં દરેક સેકન્ડે વધારો થઈ રહ્યો છે. મોબાઇલ ફોને ઇન્ટરનેટની ઉપલબ્ધતાને બહુ જ સુલભ કરી દીધી છે. ચાહે શહેર હોય કે ગામ, મોબાઇલ એક એવી પ્રોડક્ટ બની ગયો છે, જે ઘર-ઘરની જરૂરિયાત બની ગયો છે. તે આપણા જીવનમાં એવી રીતે દાખલ થઈ ગયો છે કે તેના પ્રભામંડળમાંથી બહાર નીકળી શકવું મુશ્કેલ થતું જાય છે.
માહિતી ક્રાંતિના વાહક ઇન્ટરનેટે જ્યાં આપણા જીવનના કેટલાંય કામોને બહુ જ આસાન બનાવ્યાં છે, ત્યાં જ કેટલીય મુશ્કેલીઓ પણ પેદા કરી દીધી છે. આધેડ-વૃદ્ઘો તેમાં સાઇબર ફ્રોડની ઘટનાનો શિકાર બની રહ્યા છે તો બાળકો સાઇબર બુલિઇંગ અને ઓનલાઇન યૌન શોષણનો શિકાર બનવા લાગ્યા છે. હાલમાં જ ચાઇલ્ડ રાઇટ્સ એન્ડ યુ તથા ચાણક્ય નેશનલ લો યુનિવર્સિટી, પટનાએ એક સંયુક્ત અધ્યયન કર્યું છે, જેનો રિપોર્ટ હવે આવ્યો છે. આ અધ્યયન અનુસાર કોવિડ મહામારી બાદ ભારતમાં બાળકો સાથે ઓનલાઇન અપરાધના કેસોમાં વધારો થયો છે. મોબાઇલ ઇન્ટરનેટ સુધી બાળકો અને કિશોરોની વધતી પહોંચે તેમને જોખમમાં મૂકી દીધા છે. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ તેમના માટે એક એવી જગ્યા સાબિત થતી જાય છે, જ્યાં તે આસાનીથી અપરાધીઓના શિકાર બની જાય છે.
જ્યારે કોવિડ દરમ્યાન સ્કૂલો બંધ થઈ ગઈ હતી, ત્યારે ઓનલાઇન શિક્ષણ ચલણમાં આવવાને કારણે ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ બહુ વધી ગયો હતો. એ દરમ્યાન માતા-પિતા તરફથી બાળકોનું નિરીક્ષણ પણ ઓછું થયું કે તેઓ શું જોઈ-ભણી રહ્યા છે. શિક્ષક પણ બાળકોની ગતિવિધિઓ પર નજર ન રાખી શક્યા. તેનું પરિણામ એ આવ્યું કે બાળકો અને કિશોરો ઓનલાઇન અપરાધીઓની ચુંગાલમાં આવતા ગયા. કેટલાંક બાળકોના માતા-પિતા અને શિક્ષકોએ આ અધ્યયન દરમ્યાન એ સ્વીકાર્યું કે તેઓ પોતાના બાળકોના વ્યવહારમાં આવેલા પરિવર્તનને સમજી તો ગયા હતા, પરંતુ આ મુશ્કેલીને પહોંચી વળવા માટે તેમને કોઈ સુસંગત જાણકારી ન હતી. તેમણે તેને સંબંધિત કાયદાઓ વિશે પણ માહિતી ન હતી. રિપોર્ટ અનુસાર ઓનલાઇન યૌન શોષણ અને દુર્વ્યવહારની સ્થિતિ પર નિયંત્રણ માટે સખત ઉપાયો કરવાની જરૂર છે. આ અધ્યયન આપણા માટે એક ચેતવણી સમાન છે. કેન્દ્ર સરકાર એ કોશિશ કરી રહી છે કે બાળકો માટે ઇન્ટરનેટને સુરિક્ષત બનાવી શકાય. સરકાર નવો ડિજિટલ ઇન્ડિયા એક્ટ લાવવા જઈ રહી છે. આ કાયદામાં સાઇબર બુલિઇંગને અપરાધ બનાવવાની તૈયારી છે.