ગુજરાત રાજ્યમાં સરકારી ભરતીનું વધુ એક પેપર ફૂટી જવાની ઘટનાના તીવ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ગુજરાતમાં ૯ વર્ષમાં ૧૪મી વખત પેપર લીક થવાની ઘટના સરકાર માટે શરમજનક છે. હવે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં મારવાના હવાતિયાં મારતા મંત્રીઓ અને અધિકારીઓ પેપર ફોડનારાઓને છોડવામાં નહીં આવે તેવું કહેતા નજરે પડી રહ્યા છે. પરંતુ બધા જાણે છે કે મગરમચ્છો છટકી જ જવાના છે અને નાની માછલીઓ પકડાવાની છે. પરીક્ષાના ૫ કલાક પહેલાં વહેલી સવારે ૬ વાગ્યે પંચાયત સેવા પસંદગી બોર્ડ પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરે છે અને લાખો નોકરીવાંચ્છુ ઉમેદવારો હતપ્રભ થઈ પરીક્ષા કેન્દ્રોથી પરત ફરે છે. દેશનું યુવાધન આટલું લાચાર કેમ છે? સરકારી નોકરી માટે રાત-દિવસ એક કરી તૈયારી કરનારા યુવાઓના ભવિષ્ય સાથેની આવી ખતરનાક રમત એક દિવસ વિદ્રોહની આગમાં પરિણમશે એની ભ્રષ્ટ રાજકારણીનો અને અધિકારીઓને ચિંતા નથી.
સરકારી નોકરી માટે લવાતી પરીક્ષાના પેપરો પ્રાઇવેટ એજન્સીને કેમ સોંપવામાં આવ્યા? એનો સંતોષકારક જવાબ પસંદગી મંડળના પદાધિકારીઓ આપી શક્યા નથી. ગુજરાત સરકાર અચાનક જ એક્શનમાં આવી ગઈ છે, ગુજરાતની પ્રજાએ ખોબલે ખોબલે મત આપી જંગી બહુમતીથી સત્તા પર બેસાડ્યા તેનો આવો બદલો એવું પ્રજાના મનમાં ઠસે તે પહેલાં આકરાં પગલાં લઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરો એવા ઉપરથી આદેશ છૂટ્યા છે. કદાચ ગુજરાત સરકાર એક વિધેયક લાવી કાયદો બનાવવા જઈ રહી છે. જેમાં પેપર લીક કરનારા ખાનગી કે સરકારી તમામ લોકોને સાત કે તેથી વધુ વર્ષની કેદની જોગવાઈ છે. આ ઉપરાંત પેપર ખરીદનારાઓને ત્રણ વર્ષની કેદ અને તેમની સામે આજીવન ભરતી પર પ્રતિબંધ એવા પગલાં લેવાશે. પણ કલ કિસને દેખા હૈ? આજે લોકોનો આક્રોશ વધી ગયો છે તેને શાંત પાડવા આવા બધા વાયદાઓ અને કાયદાઓની વાત કરવી જ પડે. પછી લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી છે, છ મહિનામાં ભૂલી જશે બધું. કદાચ પરીક્ષાની જાહેરાત પણ ટૂંક સમયમાં થાય તેવી સંભાવના છે.
ગુજરાતમાં વારંવાર થતા પેપરલીક કૌભાંડને કારણે લાખો ઉમેદવારોના ભવિષ્ય અંધકારમય બની રહ્યા છે. પરીક્ષાની નવી તારીખો આવશે, લેવાશે ભરતી થશે એ બધા વાયદાઓ છે. ગુજરાતમાં કેટલાય વર્ષોથી ભરતી પ્રક્રિયા થઈ જ નથી અને થઈ તો એવી ગોકળગાય ગતિથી થઈ કે પૂરી થાય એ પહેલાં કેટલાય ઉમેદવારો બિચારા ઓવરએજના થઈ ગયા. જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિ શા માટે નિર્માણ થવી જોઇએ? ચૂંટણી પૂરી થાય પછી મંત્રીમંડળ જેટલી ઝડપથી રચાય અને જેટલી ઝડપથી મંત્રીઓ કાર્યભાર સંભાળી લે એટલી જ ઝડપથી સરકારી નોકરીઓમાં ભરતી કેમ થતી નથી?
બધાને ખબર છે કે આ બધી ભરતીઓમાં કોના ઘર ભરાય છે? કોને પરીક્ષા કામગીરીના કોન્ટ્રાક્ટ મળે છે અને કોણ સરકારી ભરતીમાં મલાઈ ખાય છે?અરે! હકના પૈસા લેવા માટે પણ પૈસા ખવડાવવા પડે છે. સરકારી નોકરીઓનું લાખોમાં વેચાણ થઈ રહ્યું છે અને તેના માટે ગાંધીનગરમાં ચોવીસ કલાક ‘દલાલ સ્ટ્રીટ’ વાઇબ્રન્ટ બનીને ધમધમી રહી છે. એક પણ કામ પૈસા ખવડાવ્યા વગર થતા નથી. કોઇપણ ફાઇલ ક્લીયર કરાવવાના નક્કી કરેલા ભાવપત્રકો છે જે આપ્યા વગર ફાઇલ ક્લિયર થતી જ નથી. મુખ્ય અધિકારી સુધી ફાઇલ પહોંચાડવા માટે અનેક વચેટિયાઓને પ્રસાદ ધરાવવો પડે છે એમાં મુખ્ય અધિકારીનો ભાગ પણ કદાચ આવી જતો હોય તો નવાઈ નહીં! એક પણ કામ પૈસા ખવડાવ્યા વગર થતા નથી અને માથે જતા ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે એવી શેખી મારતાં કહેવાતા નેતાઓ પાછલા બારણે આ બધી ગેરરીતિઓ છાવરે છે એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
કોઇપણ સરકારી પરીક્ષા હોય તો એ સંપૂર્ણપણે સરકારી કર્મચારીઓની જ જવાબદારી છે કે પરીક્ષાની વિશ્વસનીયતા જાળવે. પરીક્ષામાં પ્રશ્નપત્રમાં પ્રિન્ટીંગ કે પેકેજિંગની પ્રક્રિયામાં પેપર લીક થવાની સંભાવના હોય છે. મોટાભાગે પેપરનું પ્રિન્ટીંગ જ્યાં થાય છે ત્યાંથી અથવા પેકેજિંગ સમયે કે સરક્યુલેશનમાં જ સરકારી સિસ્ટમમાં સંકળાયેલા લોકો દ્વારા પેપર લીક થતું હોય છે. આવા તો કેટલાય પેપર ફૂટી ગાય હશે એ લાગતા-વળગતા એનો લાભ લઈ સરકારી નોકરીઓમાં પણ લાગી ગયા હશે. આ તો છીંડે ચડ્યો એ ચોર એ ન્યાયે નાની-મોટી માછલીઓને પકડી ભીનું સંકેલવાની કવાયત ચાલી રહી છે.
માણસ નામનું પ્રાણી ક્યારે નૈતિકતાને નેવે મૂકી ખોટું કરવા તૈયાર થઈ જાય તેની ખુદ ભગવાન જો હોય તો તેને પણ ખબર પડતી નથી! ખોટું કરીને પૈસા કમાવવા એ જ મુખ્ય લ-ય હોય ત્યાં નૈતિકતાની શું વાત કરવી? પરદેશમાં ડિગ્રીના આધાર પર નહીં, સ્કીલના આધારે જોબ મળે છે. વળી જોબની કોઈ સલામતી નથી. તમારે સતત અપડેટ થઈ જાતને સક્ષમ સાબિત કરવી પડે છે, જ્યારે આપણા દેશમાં એમાં પણ જે-તે સરકારી નોકરીઓમાં ઘૂસ્યા પછી અકાળે મૃત્યુ પામીએ તો અને વયોચિત નિવૃત્તિ પામીએ તો જ નોકરીમાંથી નીકળીએ છીએ. હકાલપટ્ટીની તો વાત જ નથી. પરિણામે કામચોરી આપણી માનસિકતા બની ગઈ છે. એટલે જ બધાને સરકારી જમાઈ બનવામાં ભારે રસ છે.
યેનકેન પ્રકારે પૈસા ખવડાવી સરકારી નોકરી મેળવવી અને પછી કામચોરીથી જલસા કરવા એવી માનસિકતાથી પીડાતી યુવાપેઢીના માનસને ભ્રષ્ટાચારી રીત-રસમો માફક આવી ગઈ છે. પાંચ લાખ કે દસ લાખના બદલામાં પેપર વેચાતું લેવા પાછળ આ જ માનસિકતા કામ કરી રહી છે. કોઈને મહેનત નથી કરવી. ખોટી જ રીતે નોકરી મેળવવી છે, પછી તો ઘી-કેળાં જ છે ને! આવી ભ્રષ્ટ માનસિકતાનો ધીખતો ધંધો સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચલાવતા ભાસ્કર ચૌધરી જેવા સંચાલકો અને તેના જેવા બીજા અનેક સારી રીતે કહી રહ્યા છે.
જે ખરેખર મહેનત કરી પરીક્ષાની તૈયારી કરી પરીક્ષા આપવા જાય છે તેની પીડા આવા નઘરોળ લોકો ક્યાંથી સમજે તેના માટે પૈસા જ પરમેશ્વર છે. લાખો બેરોજગાર યુવાઓની પીડા શું છે તેની ભ્રષ્ટ લોકોને શું ખબર હોય પરંતુ ક્યારેક ચિંગારી ભડકો બનશે ત્યારે બધું સ્વાહા થઈ જશે. કવિ ઉમાશંકર જોષીએ લખ્યું છે કે ‘ભૂખ્યા જનોનો જઠરાગિj જાગશે અને ખંડેરોની ભસ્મકણી પણ ન લાધશે.’ આવી પરિસ્થિતિનું નિર્માણ આપણા દેશમાં ન થાય તે જોવાની જવાબદારી પ્રજાજનોએ ચૂંટેલા પ્રતિનિધિઓની છે. આશા રાખીએ તેઓ આ જવાબદારી સંભાળશે.
-પડઘો
જોરાવરના જુલમની કોણ કરે ફરિયાદ
વાઘે માર્યું માનવી એનો શો ઈન્સાફ
-કવિ દલપતરામ
ચલતે-ચલતે:
પેપર ફૂટ્યું કે માણસ?
-પ્રતિભાવ : jayshridixit@gmail.com