Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :

દેશની સૌથી મોટી પંચાયત- લોકશાહીના મંદિર સમાન સંસદ ભવનના ઉદ્દઘાટનને વિવાદનું ગ્રહણ

27/05/2023 00:05 Send-Mail

વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારત માટે એ વિટંબણા છે કે નવા સંસદ ભવનના ઉદ્દઘાટન મામલે સત્તાકીય મથામણ મચી છે. કેટલાક રાજકીય દળોએ ર૮ મેના રોજ થનાર સમારોહના બહિષ્કારનું એલાન કર્યુ છે. નવા સંસદ ભવનના ઉદ્દઘાટનનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. જેમાં દાખલ કરાયેલ પીઆઇએલમાં માંગ કરવામાં આવી છે કે સંસદના નવા ભવનનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદભવનના ઉદ્દઘાટનનો વિરોધ કરતા ઘણા વિરોધ પક્ષોએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાની વાત કરી છે.
જેમાં રાજદ, એનસીપી, ડીએમકે, તૃણમૂલ કોંગ્રેસ, સપા, આપ, વીસીકે, એઆઇએમઆઇએમ, ઠાકરે જૂથ તથા ડીએમકે પાર્ટી સહિત કેટલાક રાજકીય દળોએ કાર્યક્રમનો બહિષ્કાર જાહેર કર્યો છે. આ વિવાદની શરુઆત રાહુલ ગાંધીના એક ટવીટથી થઇ હતી. જેમાં તેઓએ કહયું હતું કે, સંસદ ભવનનું ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઇએ. જો વડાપ્રધાન ઉદ્દઘાટન કરે છે તો તે રાષ્ટ્રપતિનું અપમાન હશે.
ભારતના રાજકીય દળોએ એ વિચારવું જોઇએ કે સંસદ ફકત નવી ઇમારત નથી. પરંતુ દેશની પુરાણી પરંપરાઓ, મૂલ્યો અને નિયમો સાથેનું સન્માનિત પ્રતિષ્ઠાન છે. જે ભારતીય લોકશાહીનો પાયો છે. ૮૬ર કરોડના ખર્ચ બનતા સંસદ ભવનનું કામ સંપૂર્ણ થઇ ગયું છે. ગત ૧૦ ડિસે.ર૦ર૦ના રોજ વડાપ્રધાને સંસદ ભવનની આધારશિલા મૂકી હતી. જયારે ૧પ જાન્યુ.ર૦ર૧ના રોજ બાંધકામ શરુ થયું હતું. જો કે આ ભવન ગત વર્ષ નવેમ્બર માસમાં પૂર્ણ થવાનું હતું.
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ અંતર્ગત બનેલ આ બિલ્ડીંગ વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેકટ છે. જૂનું સંસદભવન ૪૭ હજાર પ૦૦ વર્ગમીટરમાં છે. જયારે નવી બિલ્ડીંગ ૬૪ હજાર પ૦૦ વર્ગ મીટરમાં બનાવવામાં આવી છે. મતલબ કે જૂના કરતાં નવું ભવન ૧૭ હજાર વર્ગમીટર મોટું છે. ભૂકંપપ્રુફ હોવા સાથે ૪ માળના નવા સંસદ ભવનમાં ૩ દરવાજા છે. જેને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ અપાયું છે. સંસદ ભવનની ડીઝાઇન એચસીપી ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા.લિ.એ તૈયાર કરી છે.
સાંસદો અને વીઆઇપી માટે અલગ એન્ટ્રી આપવામાં આવી છે. હાલની લોકસભામાં પ૯૦ લોકોની બેઠક વ્યવસ્થા છે. જયારે નવી લોકસભામાં ૮૮૮ બેઠક વ્યવસ્થા અને વિઝિટર્સ ગેલેરીમાં ૩૩૬થી વધુ લોકો બેસી શકશે. નવી રાજયસભામાં ૩૮૪ બેઠકો અને વિઝિટર્સ ગેલેરીમાં ૩૩૬થી વધુ લોકોની બેઠક વ્યવસ્થા છે. હાઇટેક કેફે અને ડાઇનિંગ એરિયા છે. કોમન રુમ, મહિલાઓ માટે લોન્ઝ તથા વીઆઇપી લોન્ઝની પણ વ્યવસ્થા છે. કમિટી મીટીંગ માટે જુદા જુદા રુમમાં હાઇટેક ઇક્વિપમેન્ટ લગાવાયા છે.
જો કે હાઇટેક સુવિધા સહિતના ભવનના ઉદ્દઘાટન સમારોહનો ૧૯ રાજકીય દળોએ વિરોધ કર્યો છે. જો કે વાઇઆરએસ, બીજૂ જનતા દળ અને તેલુગુ દેશમ પક્ષે સમારોહમાં સામેલ થવાની વાત કરી છે. ખરેખર પક્ષોએ સામેલ થવું જ જોઇએ. સંસદ ભવન ઉદ્દઘાટન સમારોહને રાજનીતિ મંચ બનાવવો કયારેય સત્ય ન હોઇ શકે. રાજનીતિમાં સમર્થન અને વિરોધ જુદા મુદ્દા છે. દેશની સૌથી મોટી ંપંચાયત ભવનનું સન્માન કરવું જોઇએ. વિરોધ માટે તો અનેક તક હોય છે પરંતુ જયારે દેશના સન્માનની વાત હોય ત્યારે સૌએ એકજૂથ થઇને સાથે ઉભા રહેવું જોઇએ, આ લોકતંત્રનું મૂળ છે.