Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :

પ્રાદેશિક પક્ષો માટે પડકાર બનતી કોંગ્રેસ

27/05/2023 00:05 Send-Mail

કર્ણાટકમાં જે રીતે કોંગ્રેસે વાપસી કરી છે અને જે આસાનીથી નેતૃત્વના સંકટને સંભાળ્યું, તેનાથી ખબર પડે છે કે કોંગ્રેસ પોતાની જૂની કુશળતાને ફરીથી હાંસલ કરી રહી છે. સિદ્ઘારમૈયા મુખ્યમંત્રી પદ માટે સ્વાભાવિક પસંદ હતા, જે આખા કર્ણાટકમાં બહુ વધારે સ્વીકાર્ય હતા અને ઓબીસી, મુસ્લિમ અને દલિતોથી બનેલી જૂની ‘અહિંદા’ વોટબેંકનો ચહેરો હતા. ડીકે શિવકુમાર પોતાની સીમાઓ જાણતા હતા અને આકરી સોદાબાજી બાદ બીજા નંબરના પદ માટે માની ગયા - તેમણે સત્તા ભાગીદારીના સૌથી બહેતર માટે સોદાબાજી કરી, જે કામ કરી ગઈ. હવે બધાની નજરો એ વાત પર છે કે બંને કઈ રીતે મળીને કામ કરે છે અને રાજ્યને સુશાસન પ્રદાન કરે છે, જેના માટે લોકોએ તેમને ચૂંટ્યા છે. શું કર્ણાટકના પરિણામની અસર આ વર્ષ બાદ થનારી રાજ્ય ચંૂટણીઓ પર પડશે? અને ૨૦૨૪માં નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા માટે સમગ્ર વિપક્ષને એક સાથે લાવવામાં તે કઈ હદ સુધી મદદગાર બનશે?
કર્ણાટકની જીતથી કોંગ્રેસને મદદ મળશે, કારણ કે તેણે હતાશ પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો સંચાર કર્યો છે, જે હિમાચલ પ્રદેશની જીત પહેલાં ભૂલી ગયા હતા કે ચૂંટણી જીતનો સ્વાદ કેવો હોય છે? પરંતુ કર્ણાટકની જીત રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે વિવાદની આગ બુઝાવી દેશે, એવું અસંભવ છે. મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સારી સ્થિતિમાં છે, પરંતુ કર્ણાટક જીતને કારણે નહીં, પરંતુ શિવરાજ સિંહ ચૌહાણ વિરુદ્ઘ સત્તા વિરોધી લહેરને કારણે. તે ઉપરાંત, મધ્ય પ્રદેશ ભાજપમાં મતભેદ છે, જેવું કે કર્ણાટકમાં પણ હતું.
કહેવાય છે કે હાલમાં છત્તીસગઢમાં ફિફ્ટી-ફિફ્ટીની સ્થિતિ છે. રાજસ્થાનથી વિપરીત ત્યાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ટીએસ બાબાને પ્રભાવી રીતે હાંસિયામાં ધકેલવામાં સફળ રહ્યા, જેમને હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં રજાઓ ગાળતા જોવામાં આવ્યા. ભાજપ અહીં ભ્રષ્ટાચારને એક મોટો મુદ્દો બનાવવાની કોશિશ કરી રહી છે અને હજુ એ ખબર નથી કે શરાબ કૌભાંડની ઇડી તપાસ કઈ હદ સુધી બઘેલ અને તેમના પુત્રને પ્રભાવિત કરશે અને ભાજપ તેનો કેવો લાભ ઉઠાવશે.
ભૂપેશ બઘેલે ગરીબ સમર્થક ઉપાય કર્યા છે, જેમ કે ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ખેડૂતો માટે ગરીબ પરિવારો પાસે બે રૂપિયે કિલોગ્રામ ગોબર ખરીદવું, બાયોગેસ માટે તેનો ઉપયોગ કરવો, ગરીબ પરિવારોની આવક વધારવામાં મદદ કરવી, આ બધું તેમના પક્ષમાં જાય છે. તે ઉપરાંત તેમને પ્રાદેશિક ઓળખનું ‘છત્તીસગઢીયા’ કાર્ડ પણ ખેલ્યું છે તથા રાજ્યના સાંસ્કૃતિક વારસાને નરમ હિંદુ પ્રતીકો જેમ કે ‘રામ વન ગમન પથ’ સાથે જોડ્યો છે. બઘેલ છેલ્લા પાંચ વર્ષમાં વધુ મજબૂત થઈને ઉભર્યા છે અને જો ત્યાં કોંગ્રેસ ફરીથી જીતે છે, તો તેને પાર્ટીની જીત કરતાં વધુ તેમની જીત તરીકે જોવામાં આવશે. કર્ણાટકની જેમ આજે છત્તીસગઢમાં પણ કોંગ્રેસ પાસે ભરોસો કરવા લાયક સ્થાનિક સ્તર પર મજબૂત નેતૃત્વ છે. એવું ભાજપ સાથે નથી, તેની પાસે રાજ્યમાં પ્રભાવી નેતૃત્વનો અભાવ છે અને પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ કેટલાંક કારણોસર પરિદૃશ્યથી ગાયબ છે.
સૈદ્ઘાંતિક રૂપે કર્ણાટકની જીત મલ્લિકાર્જુન ખડગેને ગેહલોત અને પાયલટને સુલેહ માટે એક સાથે બેસાડવા માટે પ્રેરિત કરી શકે છે, જેથી આગામી ચૂંટણીઓમાં સીટોના ભાગલા પર સમજૂતી થઈ શકે. બની શકે કે પાયલોટ રાજી પણ થાય, પરંતુ ગેહલોતના માનવાની સંભાવના નથી. ગેહલોત અને પાયલોટ વચ્ચે સંબંધો અસ્વાભાવિક રૂપે કડવા થઈ ગયા છે. માનવામાં આવે છે કે રાજસ્થાનના મુખ્યમંત્રીએ દોસ્તોને કહી રાખ્યું છે કે તેઓ જ્યાં સુધી છે ત્યાં સુધી પાયલટને મુખ્યમંત્રી નહીં બનવા દે! તેઓ જયપુરમાં પાયલટ માટે રસ્તો બનાવવાને બદલે ગાંધી પરિવારની ઇચ્છાઓના ધજાગરા ઉડાડવા અને પાર્ટી અધ્યક્ષ પદની ઓફર છોડવા માટે પણ તૈયાર હતા. એવી સ્થિતિમાં, રાજસ્થાનમાં યુદ્ઘ વિરામની સંભાવના નથી દેખાતી અને રાજ્યમાં તેના પોતાના પરિણામ હશે. પરંતુ ભાજપ પણ વિભાજિત અને ભ્રમિત છે.
જ્યાં સુધી વિપક્ષની વાત છે તો કોંગ્રેસ સાથે પોતાની એકજુટતા દર્શાવવા માટે બેંગલુરુ પહોંચેલા વિપક્ષી નેતાઓમાં જાણીતી હસ્તીઓ હતી, પરંતુ તેમની સંખ્યામાં કોઈ વધારો નથી થયો. મહત્ત્વપૂર્ણ વાત એ હતી કે મમતા બેનર્જી શપથ ગ્રહણ સમારોહમાં ન આવ્યાં, જોકે તેમણે તેમની પાર્ટીમાંથી કોઈને મોકલ્યા હતા. અખિલેશ યાદવ પણ નહોતા ગયા. અરવિંદ કેજરીવાલને આમંત્રિત જ નહોતા કરાયા. હાલમાં સંકટોથી ઘેરાયેલા કેજરીવાલને કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓના સમર્થનની જરૂર છે. પરંતુ નીતિશ કુમારને બાદ કરતાં, જેમણે તેમનું સમર્થન કર્યું છે, વિપક્ષ તરફથી એ સમર્થન કેજરીવાલને નથી મળ્યું. કોંગ્રેસની જીતે વિપક્ષી દળોમાં આશા જગાવી છે. તેણે એ દેખાડી દીધું કે ભાજપને મોદી અને શાહના સતત ચૂંટણી પ્રચાર છતાં હરાવવા સંભવ છે.
જોકે કર્ણાટકની જીતે પ્રાદેશિક નેતાઓને પણ ચિંતામાં મૂકી દીધા છે, કે શું કોંગ્રેસ તેમની કિંમત પર પોતાની તાકાત વધારશે? આખરે કર્ણાટકમાં કોંગ્રેસને ફાયદો તો જેડીએસની કિંમત પર જ મળ્યો, કારણ કે મુસ્લિમ મતદાર આસાનીથી જેડીએસમાંથી ખસીને કોંગ્રેસના પક્ષમાં ખસી ગયા. આ જ વાત મમતા, અખિલેશ અને કેજરીવાલ માટે પણ ચિંતાનો વિષય છે. વિપક્ષી ગઠબંધનના પક્ષમાં અલ્પસંખ્યક મતોને મજબૂત કરવા માટે આ તેમને કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા મજબૂર કરી શકે છે. પરંતુ તેને સ્પષ્ટ કરવું પડશે, કારણ કે દરેક પાર્ટી હવે ઉત્સાહપૂર્વક પોતાના જનાધારની રખેવાળી કરી રહી છે. તેથી જ્યારે નીતિશ કુમાર સક્રિય રૂપે એક રાષ્ટ્રીય વિપક્ષી મોરચો બનાવવાની કોશિશ કરી રહ્યા છે, તો તેને માત્ર તેના સામાન્ય અર્થમાં જ ન જોવું જોઇએ, કારણ કે આ જ પ્રાદેશિક નેતાઓ પોતપોતાના રાજ્યમાં કોંગ્રેસ કે એકબીજા સાથે જોડાશે. કોંગ્રેસ અને વિપક્ષી દળો માટે કર્ણાટકની શિખામણ એ છે કે મજબૂત સ્થાનિક નેતૃત્વ મહત્ત્વપૂર્ણ છે તથા પરિપક્વ વલણ અને લેવા-દેવાની ભાવનાથી મતભેદોને ઉકેલી શકાય છે.