દેશની રાજનીતિમાં મધ્યમ વર્ગનું સૌથી મોટું યોગદાન માનવામાં આવે છે. દેશની રાજસત્તા નકકી કરવામાં અને તેને દિશા ચીંધવામાં પણ મધ્યમ વર્ગને સૌથી મોટું ફેકટર માનવામાં આવે છે. અગાઉના વર્ષોમાં પણ મધ્યમવર્ગે આ બાબતને સાબિત કરી બતાવી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી મધ્યમ વર્ગ પોતાની રાજકીય દખલગીરી ગૂમાવતો રહ્યાનું જોવા મળે છે. સત્તા પક્ષ હોય કે વિપક્ષ, કોઇની પણ પ્રાથમિકતામાં હાલ મધ્યમ વર્ગ જોવા મળતો નથી. આ બદલાયેલા ટ્રેન્ડ પાછળનું કારણ શું હોઇ શકે? જો કે જાણકારોનું માનવું છે કે, રાજકીય પક્ષો દ્વારા રજૂ કરાતા સત્તાના મેનૂમાં મધ્યમ વર્ગના સ્વાદનો ખ્યાલ રાખવામાં આવતો નથી.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર પાસેથી અપેક્ષા મુજબનું વળતર મધ્યમ વર્ગને ન મળ્યાનો ગણગણાટ છે તો બીજી તરફ સરકારનો દાવો છે કે મધ્યમ વર્ગના લોકો તેની સર્વોચ્ચ પ્રાથમિકતા રહી છે. સત્ય એ પણ છે કે મધ્યમવર્ગથી મ્હોં ફેરવવાની સીધી અસર રાજકીય પરિણામોને અસર કરી શકે છે. બજેટથી લઇને ચૂંટણી વાયદા સુધી, તાજેતરમાં આવેલા તમારા રાજનીતિક પરિણામોમાં એક વાત સમાનરુપે જોવા મળી છે કે રાજનીતિક દળ ગરીબ અને ખેડૂતો પર વધુ ફોકસ કરે છે. ગામની આબાદી તેમની પ્રાથમિકતા રહી છે.
જો કે એ તથ્યથી ઇન્કાર ન કરી શકાય કે ચૂંટણીમાં ગામોમાં રહેનાર લોકો, ગરીબ અને ખેડૂતો રાજનીતિક દિશા નકકી કરવામાં વધુ ભૂમિકા નિભાવતા હોય છે. ર૦૧૪ બાદ મોદી સરકારે તેઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી અને તેના દ્વારા તેમની લોકપ્રિયતા પણ વધી છે. જેથી સરકારે આ બાબતે સતત ફોકસ કર્યુ છે. કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ અને મફત રાશન જેવી યોજનાઓમાં ખાસ્સો નાણાંકીય ખર્ચ થયો પરંતુ તેનો રાજકીય લાભ પણ મળ્યો છે. જેની સામે મધ્યમ વર્ગને નોંધનીય લાભ મળી શકયો નથી. જો કે સીમિત આર્થિક સંસાધનોમાં સરકાર તમામ વર્ગને ખુશ ન રાખી શકે તે પણ યથાયોગ્ય વાત છે.
સત્તા પક્ષનો તર્ક છે કે કેન્દ્ર સરકારે તાજેતરના વર્ષોમાં અનેક એવા પગલાં ભર્યા છે કે જેનો અપ્રત્યક્ષ લાભ મધ્યમ વર્ગને મળ્યો છે. સરકાર સાથે જોડાયેલા સિનિયર નેતાના મતાનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર પર ખૂબ કામ કરવામાં આવ્યું છે. સડક અને રેલ સેવાઓ વધુ સુવિધાજનક બની છે. આ તમામ ચીજોનો વધુ લાભ મધ્યમવર્ગીય આબાદીને મળ્યો છે. તેમનો એ પણ તર્ક હતો કે મિડલ કલાસને સીધો લાભ આપવાના બદલે એ બહેતર છે કે તેઓને ઉત્તમ સંસાધન ઉપલબ્ધ કરાવવામાં આવે. સરકારની આ પ્રકારની સીસ્ટમ પરની કામગીરીનો લાભ આ વર્ગને મળી રહ્યો છે.
જયારે વિપક્ષે પણ ગરીબ અને ગામોમાં રહેનાર આબાદી પર જ ફોકસ કર્યુ છે અને તેઓને ચૂંટણી વાયદાઓમાં વિનામૂલ્યે અનેક ચીજો આપવાની જાહેરાત પણ કરવામાં આવે છે. જેનો લાભ તેમને મળ્યો છે. જેના કારણે એક એવો પણ સંદેશ ફેલાયો હતો કે બંને પક્ષ એવું વિચારે છે કે મધ્યમ વર્ગ અને શહેરી અબાદીને થોડો સમય નારાજ કરવાનું રાજકીય જોખમ લઇ શકાય છે. વિપક્ષી દળોનું કહેવું છે કે, તેમના એજન્ડામાં મફત વીજળી અને રોજગાર જેવા મુદ્દા છે. જેનો સૌથી વધુ લાભ મધ્યમવર્ગના લોકોને મળે છે. દિલ્હીમાં મફત વીજળીનો સૌથી વધુ લાભ આ વર્ગના લોકોને મળ્યો અને અરવિંદ કેજરીવાલ તેને રાજકીય રીતે વટાવવામાં સફળ રહ્યા.
શહેરીજનો અને મધ્યમ વર્ગને નારાજ કરવાના જોખમની રાજકીય અસર
શહેરી આબાદી અને મધ્યમવર્ગને નારાજ કરવાનું પણ જોખમ છે. તેનું નુકસાન ર૦૦૪માં એનડીએ સરકાર ભોગવી ચૂકી છે. ત્યારે એનડીએ શહેરી બેઠકો પર પરાજયનો સામનો કરવો પડયો હતો. જૂની પેન્શન યોજના બંધ કરવી અને મોંઘવારી જેવા મુદ્દે નિષ્ફળતાના કારણે તત્કાલીન અટલ સરકારે મધ્યમ વર્ગનું સમર્થન ગૂમાવ્યું હતું. ત્યારબાદ ર૦૧૦માં જયારે કોંગ્રેસની આગેવાનીમાં યુપીએ મજબૂત થઇ રહ્યું હતું ત્યારે અન્ના આંદોલને સૌથી પહેલા સરકારના મૂળિયા હલાવી દીધા હતા. આ આંદોલનની કમાન મધ્યમ વર્ગના હાથોમાં હતી. સમયની સાથે મધ્યમવર્ગની આબાદી વધી રહી છે.
રસપ્રદ બાબત એ છે કે આ સ્થિતિમાં સત્તા પક્ષ અને વિપક્ષ મધ્યમ વર્ગ તરફ મ્હોં ફેરવવાનું જોખમ લઇ રહ્યા છે. જો કે મોદી સરકાર જાણે છે કે ભવિષ્યમાં કોર્સ કરેકશન કરવાની અનેક તક મળશે. ર૦૧૯માં સામાન્ય ચૂંટણી અગાઉ બજેટમાં ઇન્કમટેકસની સીમા પ લાખ રુપિયા સુધીની કરીને વ્યાપક સમર્થન મેળવ્યું હતું. જો કે તક મળતા જ ચોંકાવનારા નિર્ણયો લેવામાં મોદી માહિર છે. રાજનીતિના અઠંગ કસબી વડાપ્રધાન મોદીને મધ્યમ વર્ગની બેચેનીનો અંદાજ ન હોય તે કહી ન શકાય. જો કે એ પણ સત્ય છે કે હજી પણ આ આબાદીનું વડાપ્રધાન મોદી પર વ્યકિતગત વિશ્વાસ ખૂબ મજબૂત છે.
આથી જ આવનારા સમયમાં મધ્યમ વર્ગની નારાજગી દૂર કરવાની તક સાંપડી શકે છે. બીજી તરફ ર૦૧૯ની ચૂંટણીમાં પરાજય બાદ વિપક્ષ પણ જાણી ચૂકયો છે કે મોદી-શાહથી મુકાબલો કરવા માટે આર્થિક પીચ જ એકમાત્ર વિકલ્પ છે. હિન્દુત્વ કે રાષ્ટ્રવાદ જેવા મુદ્દા પર સતત બેકફૂટ પર ધકેલાયેલ વિપક્ષે હવે પોતાનું સમગ્ર ધ્યાન ઇકોનોમી પર લગાવ્યું છે. ઇકોનોમિક એજન્ડામાં આગળ વધવામાં મધ્યમ વર્ગ જ સૌથી આગળ જોવા મળે છે. આથી હવે જોવાનું એ રહ્યું કેઆ વર્ગને પોતાના પક્ષ તરફે કરવાની રાજકીય લડાઇ કંઇ દિશામાં આગળ વધે છે.