સાવરકર કહેતા હતા - ‘કાળ ખુદ મારાથી ડરે છે, હું કાળથી નહીં. કાળાપાણીનું ઝેર પીને કાળના વિકરાળ સ્તંભોને હચમચાવીને, હું વારંવાર પાછો ફર્યો છું અને છતાં હું જીવિત છું, હાર્યું મૃત્યુ છે, હું નહીં.’ આવા અદમ્ય સાહસ, મહાન ક્રાંતિકારી, દૃઢ રાજનેતા, ઓજસ્વી વક્તા અને સમર્પિત સમાજ સુધારક સાવરકર પરથી પ્રેરણા મેળવીને માતૃભૂમિ માટે ખબર નહીં કેટલાંય યૌવન હસતાં હસતાં બલિદાન ચડી ગયા. પોતાના મહાપુરુષોનું સ્મરણ અને હંમેશાં તેમના ગુણોને આત્મસાત કરતાં આગળ વધતા રહેવું, એ જ ભારતની શ્રેષ્ઠ પરંપરા રહી છે. એવા જ અકલ્પનીય અને અનુકરણીય જીવનને યાદ કરવાનો દિવસ છે સાવરકર જયંતી.
સ્વાતંત્ર્ય વીર વિનાયક દામોદર સાવરકર માત્ર નામ નથી, એક પ્રેરણા પુંજછે જે આજે પણ દેશભક્તિના પથ પર ચાલનારા લોકો માટે જેટલા પ્રાસંગિક છે એટલા જ પ્રેરણાદાયી પણ. વીર સાવરકર અદમ્ય સાહસ, આ માતૃભૂમિ પ્રત્યે નિશ્ચલ પ્રેમ કરનારા અને સ્વાધીનતા માટે પ્રાણ ત્યાગનારું અવિસ્મરણીય નામ છે. ઇંગ્લેન્ડમાં ભારતીય સ્વાધીનતા માટે અથાગ પ્રવાસ, બંદી હોવા છતાં સમુદ્રમાં છલાંગ લગાવવાનું સાહસ, ઘાણીમાં બળદની જેમ જોતરાવા છતાં પ્રસન્નતા, દેશ માટે પરિવારની બાજી લગાવી દેવી, દરેક પળે દેશની સ્વાધીનતાનું ચિંતન અને મનન, પોતાની લેખની દ્વારા આમ જનતામાં દેશભક્તિના પ્રાણનો સંચાકર કરવો, એવું અદ્ભૂત વ્યક્તિત્વ હતું વિનાયક સાવરકરનું. સાવરકરે નજરબંધીના સમયમાં અંગ્રેજી અને મરાઠીના અનેક મૌલિક ગ્રંથોની રચના કરી, જેમાં મૈજિની, ૧૮૫૭ સ્વાતંત્ર્ય સમર, મારી કારાવાસ કહાની, હિંદુત્વ વગેરે મુખ્ય છે.
સાવરકર દુનિયાના એકમાત્ર સ્વાતંત્ર્ય યોદ્ઘા હતા, જેમને બે-બે આજીવન કારાવાસની સજા મળી, સજા પૂરી કરી અને ફરીથી રાષ્ટ્ર જીવનમાં સક્રિય થયા. તેઓ વિશ્વના પહેલા એવા લેખક હતા જેમની કૃતિ ૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને બે-બે દેશોએ પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત કરી દીધી. સાવરકર પહેલા એવા રાજનીતિજ્ઞ હતા જેમણે સૌપ્રથમ વિદેશી વસ્ત્રોની હોળી પેટાવી. તેઓ પહેલા સ્નાતક હતા જેમની સ્નાતકની ઉપાધિને સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લેવાને કારણે અંગ્રેજ સરકારે પાછી ખેંચી લીધી. વીર સાવરકર પહેલા એવા ભારતીય વિદ્યાર્થી હતા, જેમણે ઇંગ્લેન્ડના રાજા પ્રત્યે વફાદારીના શપથ લેવાનો ઇનકાર કરી દીધો. પરિણામે તેમને વકીલાત કરતાં રોકી દેવાયા. વીર સાવરકરે રાષ્ટ્રધ્વજ તિરંગા વચ્ચે ધર્મ ચક્ર લગાવવાનું સૂચન સૌ પહેલાં આપ્યું હતું, જેને તત્કાલીન રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદે માન્યું. તેમણે જ સૌથી પહેલાં પૂર્ણ સ્વતંત્રતાને ભારતના સ્વતંત્રતા આંદોલનનું લ-ય જાહેર કર્યું. તેઓ એવા પ્રથમ રાજકીય બંદી હતા જેમને વિદેશી (ફ્રાન્સ) ભૂમિ પર બંદી બનાવવાને કારણે હેગના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં ખટલો પહોંચ્યો. તેઓ પહેલા ક્રાંતિકારી હતા જેમણે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું ચિંતન કર્યું અને બંદી જીવન ખતમ થતાં જ તેમણે અસ્પૃશ્યતા વગેરે બદીઓ વિરુદ્ઘ આંદોલન શરૂ કર્યું. દુનિયાના તેઓ એવા પહેલા કવિ હતા જેમણે આંદામાનના એકાંત કારાવાસમાં જેલની દીવાલો પર ખીલા કોલસાથી કવિતાઓ લખી અને પછી તેને યાદ રાખી. આ પ્રકારની યાદ રાખેલી દસ હજાર પંક્તિઓ તેમણે જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી લખી.
શું હવે હું મારી પ્યારી માતૃભૂમિનાં ફરીથી દર્શન કરી શકીશ? ૪ જુલાઈ ૧૯૧૧ના રોજ આંદામાનની સેલ્યુલર જેલમાં પહોંચતાં પહેલાં સાવરકરના મનની વ્યથા કંઇક આવી જ હશે. આંદામાનની એ કાળકોટડીમાં સાવરકરે ખબર નહીં કેટલીય શારીરિક યાતનાઓ સહન કરવી પડી હશે, તેને શબ્દોમાં વર્ણવી શકવી મુશ્કેલ છે. અનેક વર્ષો સુધી દોરડું તૂટવા, ઘાણીમાં બળદની જેમ જોતરાઈને તેલ કાઢવું, હાથમાં બેડીઓ પહેરીને કલાકો લટકાઈ રહેવું, મહિનાઓ સુધી એકાંત કાળકોટડીમાં રહેવું અને બીજાં પણ કેટલાંય અસહ્ય કષ્ટો વેઠવાં પડ્યાં. પરંતુ આ શારીરિક કષ્ટો પણ અદમ્ય સાહસના પર્યાય બનેલા વિનાયક સાવરકરને પ્રભાવિત ન કરી શક્યાં. કારાવાસમાં રહેતાં પણ સાવરકર સદાય સક્રિય રહ્યા. ક્યારેક તેઓ રાજબંદીઓ માટે નિરંતર આંદોલન કરતા, ક્યારેક પત્ર દ્વારા પોતાના ભાઈને આંદોલનની પ્રેરણા આપતા, ક્યારેક પોતાની સજાઓ સમાપ્ત કરીને સ્વદેશ ફરનારા ક્રાંતિવીરોને પોતાની કવિતાઓ અને સંદેશ કંઠસ્થ કરાવતા. આ પ્રકારે સાવરકર હંમેશાં પોતાના કર્તવ્યપથ પર અગ્રેસર દેખાયા. તેમની અનેક કવિતાઓ અને લેખ આંદામાનની એ દીવાલોને ઓળંગીને ૬૦૦ માઇલ અંતર પાર કરીને ભારત પહોંચતા રહ્યા અને અખબારો દ્વારા જનતામાં દેશભક્તિની અલખ જગાવતા રહ્યા.
૧૯૨૧માં સાવરકરને આંદામાનથી કલકત્તા બોલાવાયા. ત્યાં તેમને રત્નાગિરી જેલ મોકલી દેવાયા. ૧૯૨૪માં રોજ સાવરકરને જેલમાંથી મુક્ત કરીને રત્નાગિરીમાં જ નજરકેદ કરવામાં આવ્યા. તેમને માત્ર રત્નાગિરીમાં જ હરવા-ફરવાની સ્વતંત્રતા હતી. એ સમયે સાવરકરે હિંદુ સંગઠન અને સમરસતાનું કાર્ય શરૂ કરી દીધું. મહારાષ્ટ્રના આ પ્રદેશમાં અસ્પૃશ્યતાને લઈને ફરી-ફરીને વિભિન્ન સ્થાનો પર વ્યાખ્યાન આપીને ધાર્મિક, સામાજિક તથા રાજકીય દૃષ્ટિએ અસ્પૃશ્યતા હટાવવાની જરૂરિયાત ગણાવી. સાવરકરના પ્રેરણાદીય વ્યાખ્યાન અને તર્કપૂર્ણ દલીલોથી લોકો આ આંદોલનમાં તેમની સાથે થઈ ગયા. દલિતોમાં પોતાને હીન સમજવાની ભાવના ઘટવા લાગી. સાવરકરની પ્રેરણાથી ભાગોજી નામના એક વ્યક્તિએ અઢી લાખ રૂપિયાના ખર્ચે રત્નાગિરીમાં ‘શ્રી પતિત પાવન મંદિર’ બનાવડાવ્યું. બીજી તરફ સાવરકરે ઇસાઇ પાદરીઓ અને મુસ્લિમો દ્વારા ભોળા હિંદુઓને લલચાવી-ધમકાવીને કરાતા ધર્માંતરણના વિરોધમાં શુદ્ઘિ આંદોલન શર કરી દીધું. રત્નાગિરીમાં તેમણે લગભગ ૩૫૦ ધર્મભ્રષ્ટ હિંદુઓને પાછા હિંદુ ધર્મમાં દીિક્ષત કર્યા.
સાવરકરનું જીવન આજે પણ યુવાઓમાં પ્રેરણા ભરી દે છે. જેને સાંભળીને પ્રત્યેક દેશભક્ત યુવાઓના રૂંવાડાં ઊભાં થઈ જાય છે. સાવરકરની વાણીમાં પ્રેરક ઊર્જા હતી. તેમનામાં બીજાનાં જીવન બદલવાની શક્તિ હતી. સાવરકર પાસે શિક્ષા-દીક્ષા મેળવીને અનેક યુવાઓ વ્યાયામશાળા જવા લાગ્યા, પુસ્તકો વાંચવા લાગ્યા. સાવરકરના વિચારોથી પ્રભાવિત અસંખ્ય યુવાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું. કહી શકાય કે યુવાઓ માટે સાવરકર એ પારસ પથ્થર હતા કે જે તેમના સંપર્કમાં આવ્યું તે આ માતૃભૂમિની સેવામાં લાગી ગયા. સાવરકર સ્વતંત્રતા પ્રાપ્તિ માટે અને ત્યારબાદ પણ તેની રક્ષા માટે પ્રયાસ કરતા રહ્યા. તેથી તેમનું નામ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ અમર થયું. વીર સાવરકર આજે પણ જીવિત છે પ્રત્યેક એ ભારતીયમાં જેનું હૃદય દેશ માટે ધડકે છે, જેના ચિંતન અને કૃત્યોમાં ભારત છે, જે ભારત માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવા સદૈવ તૈયાર છે. તેથી સાવરકર સદાય અમર રહે છે. જયંતી દિવસે એ હુતાત્માને શત શત વંદન.