Sardar Gurjari

મંગળવાર, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૩, ભાદરવા સુદ ૧૨, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૩, અંક -૧૦૧

મુખ્ય સમાચાર :

વિશ્વની ચિંતા વધારતું અમેરિકાનું દેવાં સંકટ

28/05/2023 00:05 Send-Mail

હિરોશિમામાં સંપન્ન થયેલ જી-૭ દેશોનું સંમેલન ઘણા અર્થમાં દિલચસ્પ રહ્યું. સૌપ્રથમ તો તેમાં ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા આઠ દેશોને બોલાવવામાં આવ્યા, જે તેમના સદસ્ય નથી. બીજું, રશિયા અને ચીનને નથી બોલાવવામાં આવ્યા, જે પોતાની ભૂમિકાને કારણે સંમેલનમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યા. રશિયા યુક્રેન પર ચાલતા હુમલા અને તેને કારણે આખા વિશ્વમાં છવાયેલા આર્થિક સંકટને કારણે, તો ચીન પોતાની ધોંસ અને પ્રસારની આક્રમક આર્થિક અને વિદેશ નીતિને કારણે, જેમાં તાઇવાની સામુદ્રિક ક્ષેત્રમાં તેનું દુસ્સાહસ પણ એક કારણ છે. આ બધા છતાં સૌથી દિલચસ્પ વાત એ છે કે સંમેલનમાં આવેલા દરેક દેશે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન સાથે એ મુદ્દા પર વાત કરવાની કોશિશ કરી જેનો આખા પરિદૃશ્યમાં ઉલ્લેખ ન તો અને તે હતું અમેરિકાના દેવાં સંકટનો મુદ્દો, જેને હલ કરવા માટે બાઇડને પોતાની ઓસ્ટ્રેલિયા યાત્રા અને ત્યાં પ્રસ્તાવિત ક્વોડ શિખર સંમેલન છોડીને પાછું અમેરિકા આવવું પડ્યું.
ધ્યાન રહે કે અમેરિકાની દેવાં સીમા સંકટ શ્રીલંકા, પાકિસ્તાન અને લેબેનોન જેવું નથી, પરંતુ સરકારને આર્થિક અનુશાસનમાં રાખવા માટે બંધારણમાં નક્કી વ્યવસ્થાનું પાલન નહિ કરવાથી પેદા થયું છે. દુનિયામાં બે જ દેશો છે જ્યાં રાષ્ટ્રીય દેવાની સીમા સંસદ નક્કી કરે છે, અમેરિકા અને ડેનમાર્ક. તેમના બંધારણ નિર્માતાઓએ સરકારો પર આર્થિક લગામ રાખવાની જોગવાઇ એટલે કરી હતી, કારણ કે તે સંસદની અનુમતિ લીધા વિના દેશના ભવિષ્યને ગિરવે મૂકીને મનમાફક દેવું ન કરી બેસે. બજેટ સરકારો જ બનાવે છે. ભારતની કેન્દ્ર અને રાજ્ય સરકારોની જેમ તેમની સરકારો પણ બજેટમાં પોતાની આવક અને ખર્ચાના અંતરને ઘટાડવા માટે દેવાની જોગવાઇ રાખે છે, પરંતુ કુલ દેવાની રાષ્ટ્રીય સીમા કેટલી હોય તેનું નિર્ધારણ સંસદ કરે છે. આ વ્યવસ્થા ડેનમાર્કમાં તો કોઈ અડચણ વિના ચાલી રહી છે, કારણ કે અહીં બ્રિટનની જેમ બંધારણીય રાજતંત્ર છે. સંસદમાં જેની બહુમતી હોય છે તેની સરકાર હોય છે અને તેને જો રાષ્ટ્રીય સીમા કરતાં વધુ દેવાની જરૂર પડે છે તો સંસદ તેની સીમાને વધારી દે છે. અમેરિકામાં આ સ્થિતિ થોડી પેચીદી છે. રાષ્ટ્રપતિ પ્રણાલી હોવાને કારણે જે પાર્ટીના રાષ્ટ્રપતિ અને સરકાર હોય, જરૂરી નથી કે એ જ પાર્ટીની બહુમતી કોંગ્રેસ કે પ્રતિનિધિ સભામાં પણ હોય. તેથી સરકારો પોતાના ચંૂટણી વાયદાને પૂરા કરવા માટે લોન લઈને ખર્ચ કરનારું લોકરંજક બજેટ તો બનાવી શકે છે, પરંતુ બજેટમાં નક્કી કરવામાં આવેલ દેવું એટલે કે લોનની નિર્ધારિત સીમાથી ઉપર હોય તો તેણે કોંગ્રેસ પાસે જવું પડે છે અને તે ચાહે તો અનુમોદનથી મનાઈ કરી શકે છે અને ખર્ચમાં કપાતની માંગ કરી શકે છે. હાલનું દેવાં સંકટનું કારણ પણ આ જ ખેંચતાણ છે.
હાલમાં અમેરિકાની રાષ્ટ્રીય દેવા સીમા ૩૧,૪૦૦ લાખ કરોડ ડોલર છે જે તેના જીડીપીના સવા ગણાની નજીક છે. સતત ચાલી રહેલ બજેટ ખાધને કારણે સરકારો સતત લોન લેતી જાય છે, જેને કારણે દેશની લોન જાન્યુઆરીમાં જ પોતાની મર્યાદા ઓળંગી ગઈ હતી. ત્યારથી બાઇડન સરકાર લોન સીમા વધારવાની રાહ જોઈ રહી છે, પરંતુ પાછલી સંસદીય ચૂંટણી બાદથી કોંગ્રેસમાં વિપક્ષી રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે. સદનના સભાપતિ કેવિન મેકાર્થી પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં છે. ટ્રમ્પ નથી ઇચ્છતા કે રાષ્ટ્રપતિ બાઇડન છાત્ર શિક્ષણ દેવાની માફી અને ઇલેક્ટ્રીક ગાડીઓ પર સબસિડી જેવા પોતાના ચૂંટણી વાયદાને પૂરા કરી શકે. તેથી રિપબ્લિકન પાર્ટીએ દેવાની સીમામાં ૧૫૦૦ લાખ કરોડ ડોલરના વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જો બાઇડન સરકાર લગભગ ૪૮૦૦ લાખ કરોડ ડલરની બચત કરે. જોકે અમેરિકાનું કુલ વાર્ષિક બજેટ લગભગ ૬૫૦૦ લાખ કરોડ ડોલરનું હોય છે તો તેમાં ૪૮૦૦ લાખ કરોડની બચત કરવી સરકાર માટે ઝેરનો પ્યાલો પીવા જેવું હશે. તેના માટે બંને પક્ષ જીદે ચડ્યા છે. જોકે અમરિકામાં પહેલી વાર આવું નથી થતું. ઓબામા સરકાર વખતે પણ આવું બન્યું હતું. રાષ્ટ્રપતિ બાઇડન પણ જૂનની સમયસીમા પહેલાં કોઈ સમજૂતીની પૂરતી કોશિશ કરશે જેથી સરકાર સમય પર લોન ચૂકવણી કરે અને કર્મચારીઓને વેતન આપી શકે. જો બંને વચ્ચે પસંદ કરવાની નોબત આવી તો અમેરિકાએ દેવાંની ચૂકવણી ચાલુ રાખવાનો વિકલ્પ પસંદ કરવો પડશે, કારણ કે ટ્રેઝરી કે અમેરિકી બોન્ડ જ વૈશ્વિક અર્થવ્યવસ્થાની આધારશિલા છે.
ભારતીય રિઝર્વ બેંક સહિત દુનિયાભરની કેન્દ્રીય બેંકો પોતાની મૂડીના અડધાથી વધારે અમેરિકી બોન્ડ અને ડોલરોમાં રાખે છે. તેનું મુખ્ય કારણ તેની શાખ અને વિનિમય ક્ષમતા છે. તેથી જો ક્યારેક અમેરિકા પોતાના દેવાનો હપ્તો ચૂકવવામાં ચૂકી જાય તો પહેલાં તો એજન્સીઓ તેની શાખ ઘટાડશે. તેનાથી બોન્ડ ઘટશે અને વ્યાજ દરો આકાશે આંબવા લાગશે. તેનાથી અમેરિકી બોન્ડ પર ભરોસો ડગમગશે, યુરોપીય દેશો અને ભારત, ચીન જેવા બીજા મહાદેશોના બોન્ડ પરથી પણ ભરોસો ઉઠવા લાગશે. તેના સામના માટે દરેક દેશે વ્યાજ દરો વધારવા પડશે જેનાથી મોંઘવારી વધશે અને વિશ્વ વેપાર અને અર્થવ્યવસ્થા બંનેને ભયંકર નુક્સાન થશે. તેથી આ દેવા સીમા સંકટ ભલે અમેરિકાનું છે, પરંતુ તેને લઈને ભારત સહિત આખી દુનિયા ચિંતિત છે.
તેનાથી બચવા માટે ભારત સીધી રીતે તો કંઇ નથી કરી શકતું, પરંતુ પોતાના દેવાના વધતા બોજ પર ગંભીરતાથી અવશ્ય વિચાર કરી શકે છે, પરંતુ ભારતમાં ખર્ચ કરવાની તો જાણે હોડ શરૂ થઈ ગઈ છે, કારણ કે આ ‘રેવડીઓ’ વહેંચવાથી જ વોટ મળી રહ્યા છે! પંજાબમાં નવી સરકાર મફત સુવિધાઓ આપવા માટે જે વાયદાઓના જોરે સત્તામાં આવી હતી, તેને પૂરા કરવામાં જે તેની ત્રીજા ભાગની મહેસૂલી આવક ખર્ચાઈ જાય છે. હાલમાં કર્ણાટકમાં નવી સરકાર બની છે. જોવાનું એ છે કે તે પોતાના ૫૪ હજાર કરોડના ‘રેવડી’ વાયદાઓને અર્થવ્યવસ્થા અને રાજસ્વ વધારીને પૂરા કરે છે કે પંજાબની જેમ દેવાનો પહાડ ઊભો કરીને. કર્ણાટકથી પણ મોટા મોટા વાયદા રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા બીજા કેટલાય રાજ્યોમાં કરવામાં આવે છે. કાશ, ભારતમાં પણ ભવિષ્યને ગિરવે મૂકવાથી બચાવવા માટે અમેરિકા જેવો કોઈ કાયદો હોત.