હાલમાં જ રાજસ્થાનના જેસલમેર શહેર સાથે જોડાયેલ અમરસાગર ગ્રામ પંચાયત પાસે જિલ્લા અધિકારી ટીના ડાબીના આદેશ પર યુઆઇટી સહાયક એન્જિનિયરના નેતૃત્વમાં પાકિસ્તાનથી પ્રતાડિત હિંદુ શરણાર્થીઓના ઘરો પર બુલડોઝર ચલાવવાની ઘટના અખબારોમાં ચમકી. પ્રદેશ સરકારની આ કરતૂત બાદ ૧૫૦થી વધુ લોકો પોતાના બાળકો સાથે બેઘર થઈ ગયા. ગયા મહિને જોધપુરમાં પાકિસ્તાની શરણાર્થીઓની એક કોલોની પર સ્થાનિક પ્રશાસન દ્વારા આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે કથિત સેક્યુલર નેતાઓએ શાહીન બાગમાં અતિક્રમણ હટાવવા ગયેલા બુલડોઝર વિરુદ્ઘ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં વાર ન લગાડી. રાજસ્થાન સરકારે દોઢસો હિંદુ શરણાર્થીઓના ઘર પર બુલડોઝર ચલાવીને સાબિત કરી દીધું કે તેના રાજમાં હિંદુઓ માટે કોઈ જગ્યા નથી.
જિલ્લાધિકારી ટીના ડાબીએ કમ સે કમ બાબાસાહેબે બતાવેલા સિદ્ઘાંતોની કદર કરવી જોઇતી હતી. તેમનો તર્ક હતો કે જે હિંદુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા નથી મળી તેમના જ ઘર તોડવામાં આવ્યા છે. કમ સે કમ માનવતાના નાતે તેમને પહેલાં કોઈ બીજી જગ્યાએ સ્થળાંતરિત કરીને પછી કાર્યવાહી કરી શકાઈ હોત. હિંદુ ચાહે વિશ્વના કોઈપણ ખૂણામાં હોય તે ભારતીય છે. ભારત જ તેની માતૃભૂમિ છે. દરેક હિંદુ આપણી ભારત માતાનો લાલ છે અને મા ક્યારેય પોતાના બાળકોને આશરો આપવાની મનાઇ ન કરી શકે, આ નાતે તેમને પૂર્ણ સુરક્ષા અને તરત નાગરિકતા આપવી જોઇએ. વિચારો કે આવી જ કાર્યવાહી જો ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા લાખો રોહિંગ્યા-બાંગ્લાદેશીઓ વિરુદ્ઘ કરવામાં આવી હોત તો?
બધા સાથે તેમની પૃષ્ઠભમિ કે ધાર્મિક વિશ્વાસોની પરવા કર્યા વિના નિષ્પક્ષતા, ગરિમા અને સન્માન સાથે વ્યવહાર કરવો આપણી સંસ્કૃતિ છે. સરકારોનું કર્તવ્ય છે કે તે વ્યક્તિઓના માનવાધિકારોની રક્ષા કરે અને તેમને જાળવી રાખે, ભલે તેમની પૃષ્ઠભૂમિ ગમે તે હોય. એમાં એ લોકોને આશરો આપવો સામેલ છે, જે પોતાના દેશમાં સતામણી બાદ આવી રહ્યા છે. જ્યારે એ લોકો પોતાના ધર્મ કે જાતીયતાના આધારે સતામણીનો સામનો કરે છે તો તેમને એક સુરિક્ષત આશ્રય પ્રદાન કરવો જરૂરી છે, જ્યાં તે પોતાના જીવનનું પુનર્નિર્માણ કરી શકે.
પાકિસ્તાનથી સતાવેલા હિંદુઓના ઉત્પીડનનાં મૂળ કારણોને દૂર કરવા માટે રાજદ્વારી પ્રયાસોને ઉત્તેજન આપવું અને મૂળ દેશમાં ધાર્મિક સ્વતંત્રતા અને સહિષ્ણુતા સુનિશ્ચિત કરવાની દિશામાં કામ કરવું મહત્ત્વપૂર્ણ છે. સરકારો, આંતરરાષ્ટ્રીય સંગઠનો અને નાગરિક સમાજ વચ્ચે સહયોગાત્મક પ્રયાસ અંતર્નિહિત મુદ્દાઓને હલ કરવા અને દીર્ઘકાલીન સમાધાન શોધવામાં મદદ કરી શકે છે. અંતે સતાવાયેલા, આશરો માંગતા લોકોને સહાયતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સરકારોની ભૂમિકા હોય છે. કદાચ આ વાત રાજસ્થાન સરકાર અને જેસલમેર પ્રશાસન ભૂલી ગયું છે.