એક ધનવાન વ્યક્તિ હતો, તે બહુ વિલાસી સ્વભાવનો હતો. દરેક સમયે તેના મનમાં ભોગવિલાસ સુરા-સુંદરીના જ વિચારો છવાયેલા રહેતા. તે ખુદ પણ આ વિચારોથી ત્રસ્ત હતો, પરંતુ આદતથી લાચાર હતો, તે વિચાર તેને છોડી જ નહોતા રહ્યા.
એક દિવસે અચાનક કોઈ સંત સાથે તેની મુલાકાત થઈ ગઈ. તેણે સંતને ઉપરોક્ત અશુભ વિચારોથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરી. સંતે કહ્યું, ‘સારું, તમારો હાથ બતાવો.’ હાથ જોતાં જોતાં સંત ચિંતામાં પડી ગયા. સંતે કહ્યું, ‘ખરાબ વિચારોથી હું તમને છોડાવી દેતો, પરંતુ તમારી પાસે તો સમય જ બહુ ઓછો છે. આજથી ઠીક એક મહિના બાદ તમારું મોત નિશ્ચિત છે, આટલા ઓછા સમયમાં હું તમને કુત્સિત વિચારોથી કઈ રીતે છૂટકારો અપાવી શકું? વળી, તમારે તમારી પણ તૈયારી તો કરવી પડશે ને!’
આ વાત સાંભળી ધનવાન તો ચિંતામાં પડી ગયો. હવે શું થશે, ચાલો સમય રહેતાં એ તો ખબર પડી કે મારી પાસે સમય ઓછો છે. તે ઘર અને વ્યવસાયને વ્યવસ્થિત અને નિયોજિત કરવામાં પડી ગયો. પરલોક માટે પુણ્ય કમાવાની યોજનાઓ બનાવવા લાગ્યો કે કદાચ પરલોકમાં પુણ્ય કામ લાગશે. તે બધા સાથે સારો વ્યવહાર કરવા લાગ્યો. જ્યારે એક દિવસ બાકી રહ્યો તો તેણે વિચાર કર્યો, ચાલો ફરી એક વખત સંતનાં દર્શન કરી લઉં.
સંતે તેને આવકારતાં કહ્યું, ‘તમે બહુ શાંત દેખાવ છો, જ્યારે હવે માત્ર એક દિવસ જ બચ્યો છે. સારું, કહો કે શું આ સમયગાળા દરમ્યાન કોઈ સુરા-સુંદરીની યોજના બની?’ ધનવાનનો જવાબ હતો, ‘મહારાજ, જ્યારે મૃત્યુ સામે દેખાતું હોય તો વિલાસ કઈ રીતે યાદ આવે?’
સંતે હસીને કહ્યું, ‘વત્સ! અશુભ ચિંતનથી દૂર રહેવાનો માત્ર આ જ એક ઉપાય છે. તમારું આયુષ્ય ટૂંકું નથી, તમને અશુભ વિચારોથી દૂર રાખવા જ મેં એ ઉપાય કર્યો હતો.’ ધનવાન સંતના પગમાં પડી ગયા અને હવેનું જીવન શુભ કાર્યોમાં જ વ્યતિત કરવાનો નિર્ધાર કર્યો.