Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪, ભાદરવા સુદ ૯, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૮૭

મુખ્ય સમાચાર :

૨૬/૧૧ હુમલાનાં ૧૫ વર્ષ અને ભારતનું સુરક્ષાતંત્ર

28/11/2023 00:11 Send-Mail

જ્યારે પાકિસ્તાની આતંકવાદીઓએ ૨૦૦૮માં મુંબઈ પર ૨૬/૧૧નો કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો કર્યો તો ભારત ઊંઘતું ઝડપાયું હતું. તેના આતંકવાદ વિરોધી દૃષ્ટિકોણમાં નબળાઈ જોવા મળી અને મુંબઈ પોલીસ સહિત વિભિન્ન એજન્સીઓ આતંકવાદીઓ પર લગામ કસવા પૂરતી કોશિશ કરતાં ડગમગી ગઈ. ૧૬૬ નિર્દોષ લોકોના જીવ ગુમાવવા અને સેંકડોને ઘાયલ થતા જોયા બાદ એનએસજી કમાન્ડોએ નવ આતંકવાદીઓને ઠાર માર્યા અને એક અજમલ કસાબને જીવતા પકડ્યા બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી. ૨૬/૧૧નો હુમલો ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ બની ગયો. રાષ્ટ્રનો અંતરાત્મા ઘવાયો હતો અને સમયની માંગ હતી કે દેશના સુરક્ષા તંત્રમાં આમૂલ પરિવર્તન કરવામાં આવે. તત્કાલીન યુપીએ સરકારે આતંકવાદના સામના માટે કેટલાંક પગલાં ભર્યાં. તેમાં સમુદ્રથી ઘૂસણખોરી રોકવા માટે સાગર પ્રહરી બળ (એસપીબી)ની સ્થાપના અને ફાસ્ટ ઇંટરસેપ્ટર ક્રાફ્ટ (એફઆઇસી)ને સામેલ કર્યું. ૨૦૦૮માં એનઆઇએ અધિનિયમ પણ પસાર કરવામાં આવ્યો, જેનાથી દેશની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડતાને પ્રભાવિત કરનાર આતંકવાદ સંબંધી કેસોની તપાસ અને ખટલો ચલાવવા માટે રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ના નિર્માણનો માર્ગ ખૂલ્યો. પણ મહત્ત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદી સરકારે એનઆઇએને વધુ મજબૂત કરી અને તેને ભારતના આતંક વિરોધી પ્રયાસ માટે એક મહત્ત્વપૂર્ણ એજન્સી બનાવી દીધી. તથ્ય એ છે કે ભારતે ૨૬/૧૧ બાદ નિ:શસ્ત્ર નાગરિકો વિરુદ્ઘ કોઈ મોટો આતંકવાદી હુમલો નથી જોયો અને એવું એટલા માટે છે કારણ કે દેશે ૨૦૦૮થી પોતાના આતંકવાદ વિરોધી તંત્રને મજબૂત કરવા માટે સચેત રૂપે કામ કર્યું. ભારત હવે કોઈ આતંકી હુમલા પહેલાં જ પોતાના વૈશ્વિક ભાગીદારો પાસેથી મહત્ત્વપૂર્ણ ગુપ્ત બાતમી મેળવી શકે છે. નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રિડ અથવા ‘નેટગ્રિડ’ નામક એક વિશેષ એજન્સી બનાવવાનો વિચાર યુપીએ કાર્યકાળ દરમ્યાન સામે આવ્યો હતો, પરંતુ અનિર્ણયનો ભોગ બનેલી એ સરકારની આંતરિક લડાઈઓમાં આ નિર્ણય ખોવાઈ ગયો પણ ૨૦૨૦માં મોદી સરકાર તેને અસ્તિત્વમાં લાવી. આજે નેટગ્રિડ એક એકીકૃત ગુપ્તચર ગ્રિડ તરીકે કામ કરે છે, જે સરકારની મુખ્ય સુરક્ષા એજન્સીઓના ડેટાબેઝને જોડે છે. આ સુરક્ષા એજન્સીઓને ગુપ્તચર જાણકારીની ત્વરિત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે છે. સરકારે આ બજેટમાં નેટગ્રિડ માટે ફાળવણી પણ વધારી છે.
એ જ રીતે ભારતની સૌથી મહત્ત્વપૂર્ણ જાસૂસી એજન્સીઓમાં એક ઇન્ટેલિજન્સ બ્યૂરોનું બજેટ ગયા વર્ષે ૩૦૨૨ કરોડ રૂપિયાથી ૧૩ ટકા વધારીને હવે ૩૪૧૮ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયનું બજેટ પણ આ વર્ષે વધારવામાં આવ્યુ છે. ગૃહ મંત્રાલયના બજેટમાં આ વર્ષે લગભગ ૬ ટકાનો વધારો જોવ ામળ્યો છે. જોકે આટલા છતાં પણ કોઈ એ તથ્યને નજરઅંદાજ ન કરી શકે કે આ ઉપાયોનો ઉદ્દેશ્ય ભારતને આંતરિક રૂપે મજબૂત કરવાનો છે. યુપીએ દ્વારા સત્તામાં રહેતાં પાકિસ્તાન વિરુદ્ઘ બાહ્ય પ્રતિરોધ નહોતો કરાયો. મુંબઈ હુમલા બાદ એવી માંગ ખૂબ ઊઠી હતી કે પાકિસ્તાનને સૈન્ય બળનો ઉપયોગ કરી કડક સજા આપવામાં આવે. જોકે રાજકીય ઇચ્છાશક્તિની ઉણપને કારણે તે થઈ ન શક્યું. તેથી પાકિસ્તાનનું દુસ્સાહસ વધી ગયું કે ભારત વિરુદ્ઘ કરવામાં આવેલ આતંકી હુમલા વિરુદ્ઘ કોઈ સૈન્ય પ્રતિક્રિયા નહીં થાય. મુંબઈ હુમલા બાદ ભારત તરફથી કોઈ ઠોસ પ્રતિક્રિયા ન થતાં આતંકવાદી હુમલાની એક શૃંખલાનો માર્ગ ખૂલી ગયો. ઠીક ત્રણ વર્ષ બાદ ૧૩ જુલાઈ ૨૦૧૧ના રોજ મુંબઈમાં કેટલાય બોમ્બ વિસ્ફોટ થયા, જેમાં ૨૬ લોકો માર્યા ગયા અને ૧૨૧ ઘાયલ થયા. સૈન્ય પ્રતિરોધની ઉણપ સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી રહી. પછી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની અંદર દુસ્સાહસિક સર્જિકલ હુમલા સાથે ભારતે પોતાના પશ્ચિમી પડોશી સાથે સમીકરણો હંમેશ માટે બદલી નાખ્યા. કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારથી તદ્દન વિપરીત નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકાર હવે ભારતીય સેનાનો ઉપયોગ કરીને પાકિસ્તાનને નિશાનો બનાવવાની વધુ સંભાવના ધરાવે છે. આ વાત અમેરિકી ગુપ્તચર વિભાગે પણ સ્વીકાર કરી છે.
ફેબ્રુઆરી ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ઘ પોતાના અભિયાનને વધુ એક ડગલું આગળ વધાર્યું. પાકિસ્તાનની મુખ્ય ભૂમિની અંદર, બાલાકોટમાં આતંકી ઠેકાણાં પર ભારતીય વાયુસેનાના સચોટ હવાઇ હુમલાએ આતંકી હુમલાનો જવાબ આપવાની પદ્ઘતિમાં એક સૈદ્ઘાંતિક બદલાવ દર્શાવ્યો.
મોદીનાં શાસન વર્ષોને પાકિસ્તાન માટે નારકીય કહી શકાય. આજે પાકિસ્તાન વિશ્વ સ્તર પર એકલું પડ્યું છે. તેનું એકમાત્ર સારુ મિત્ર ચીન, તેને પણ બુરાઈની વૈશ્વિક ધરી માનવામાં આવે છે. ઇસ્લામાબાદની અર્થવ્યવસ્થા કથળી ગઈ છે અને તે બીજાની ભીખ પર જીવિત છે. પાકિસ્તાનની વર્તમાન સ્થિતિનું એક મોટું કારણ ૨૦૧૪ પછીની ભારતની સક્રિય વૈશ્વિક કૂટનીતિ છે.
૨૬/૧૧નાં પંદર વર્ષ બાદ ભારતીયો ક્યાંય વધુ સુરિક્ષત વાતાવરણમાં રહે છે. આજે ભારતીયો સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો શિકાર થવાની આશંકાથી ડરતા નથી. માત્ર એક દાયકા પહેલાં દેશભરમાં સિરિયલ બ્લાસ્ટ જીવનનું એક અભિન્ન અંગ બની ગયા હતા. સુરક્ષા એજન્સીઓ આજે ખતરાની તપાસ કરવામાં ૧૫ વર્ષ પહેલાંની તુલનામાં ક્યાંય વધુ સક્ષમ છે. આતંકવાદી હુમલા રોકવા માટે ઉઠાવવામાં આવેલ વિભિન્ન પગલાંના પરિણામે, કમ સે કમ ૨૦૧૧ બાદથી આતંકવાદી-સંબંધી હિંસામાં ઘટાડો થઈ રહ્યો છે. મોદી સરકારના છેલ્લા ૯ વર્ષના શાસનકાળમાં આતંકવાદી ઘટનાઓમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે, જેમાં ૨૩૫૦ ઘટનાઓમાં ૩૭૭ નાગરિકોના જીવ ગયા, જ્યારે યુપીએ સરકારના કાર્યકાળમાં ૭૩૨૭ આતંકવાદી ઘટનાઓ થઈ હતી. વડાપ્રધાન મોદીની સરકારની સૌથી મોટી સફળતા કાશ્મીરમાં દેખાઈ રહેલ બદલાવ છે. કલમ ૩૭૦ને રદ્દ કરીને જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિ સમાપ્ત કરી દીધી. આજે ભારતને એક એવા રાષ્ટ્ર રૂપે જોવામાં આવે છે જે જાણે છે કે તેણે જડબાતોડ જવાબ કેવી રીતે આપવાનો છે.
આજે દુનિયાભરમાં ભારતના દુશ્મનો તેની આતંકવાદ નિરોધક ક્ષમતાઓથી ડરવા લાગ્યા છે. આ ભાવના યથાવત રહેવી જોઇએ. સાથે જ યાદ રાખવાની એક મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જે રીતે ભારતે ૨૬/૧૧ જેવા હુમલાનો સામનો કરવા માટે ખુદને તૈયાર કર્યું, એ જ રીતે દુનિયાભરના આતંકવાદી પણ લડવાની નવી રીતોનો પ્રયોગ કરી રહ્યા છે. ઓક્ટોબરમાં ઇઝરાયલ વિરુદ્ઘ હમાસનો બર્બર હુમલો એની જ યાદ અપાવે છે. આના પરથી ભારતે બોધપાઠ લેવો જોઇએ. સરકાર અને સુરક્ષા દળોએ એ એક્સ ફેક્ટર માટે હંમેશાં તૈયાર રહેવું જોઇએ. ત્યારે જ આપણે વાસ્તવમાં એક રાષ્ટ્ર રૂપે સુરિક્ષત રહીશું.