Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

અંતર્દૃષ્ટિ-વિચાર

28/11/2023 00:11 Send-Mail

આપણા મન-મસ્તિષ્કમાં વિચારોની એક શૃંખલા ચાલતી રહે છે. કોઈપણ વ્યક્તિના જીવનમાં એવો કોઈ સમય નહીં હોય કે તેના મસ્તિષ્કમાં કોઈ વિચાર જન્મ ન લે. આ વિચાર સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ. વિચાર બ્રહ્મ તત્ત્વ છે. કોઈ વ્યક્તિના મસ્તિષ્કમાં જ્યારે કોઈ વિચાર જન્મ લે છે ત્યારે એ જ વિચાર કેટલાય અન્ય વ્યક્તિઓના મસ્તિષ્કમાં પણ જન્મ લે છે. વિચારોનો આ પ્રવાહ અહીંથી ત્યાં સતત ત્યાં સુધી ચાલતો રહે છે જ્યાં સુધી કે તે કાર્ય રૂપે પરિણત નથી થઈ જતો કે તેનું નિષ્પાદન નથી થઈ જતું. આત્માની જેમ જ વિચાર પણ અમર છે. આપણા મસ્તિષ્કમાં કોઈ પ્રકારનો કોઈ વિચાર આવ્યો અને આપણે તેને આકાર ન આપ્યો કે કાર્ય રૂપે પરિણત ન કર્યો તો નિશ્ચિત માનો એ જ વિચાર પોતાના નિષ્પાદન માટે કોઈ અન્યના મસ્તિષ્કનું દ્વાર ખટખટાવશે. દુનિયાના તમામ આવિષ્કારોનું મૂળ કોઈ વિચાર જ હોય છે.
જ્યારે આપણા મસ્તિષ્કમાં કોઈ સારો કે ખરાબ વિચાર જન્મ લે છે તો આપણે કયા વિચારને આકાર આપવો છે અને કયા વિચારનું વિખંડન કરવું છે કે તેને કાર્ય રૂપે પરિણત કર્યા વિના છોડી દેવો છે, એ નક્કી કરવા માટે આપણે આપણી બુદ્ઘિ-વિવેકનો આશ્રય લેવો પડે છે. તેના દ્વારા જ આપણે સારા-ખરાબનો વિચાર કરી શકીએ છીએ. સનાતન ધર્મમાં મન-મસ્તિષ્કમાં સદ્વિચારોનો પ્રવાહ વધારવા અને ખરાબ વિચારોથી બચવા માટે કેટલાય માર્ગ બતાવવામાં આવ્યા છે. ધ્યાન, યોગ, પ્રાર્થના અને સત્સંગ દ્વારા ખરાબ વિચારોનું વિખંડન કરી શકાય છે. મંદિરો કે ઘરોમાં આરતી-પૂજન સમયે ઘંટડી એટલા માટે વગાડવામાં આવે છે કે તેના મધુર ધ્વનિના કંપન કે તરંગ દ્વારા આપણા મસ્તિષ્કના ખરાબ વિચારોનું વિખંડન થઈ જાય અને આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ, ઈશ્વર સાથે તાદાત્મ્ય સ્થાપિત કરી શકીએ. ધ્યાન-યોગ દ્વારા આપણે વિચાર શૂન્ય થઈ શકીએ છીએ.