Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

બેલગામ ખાલિસ્તાની

29/11/2023 00:11 Send-Mail

અમેરિકાના ન્યૂયોર્કમાં ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ પ્રસંગે એક ગુરુદ્વારામાં ગયેલા ભારતીય રાજદૂત તરણજીત સિંહ સંધુ સાથે ખાલિસ્તાન સમર્થકોએ જે રીતે ગેરવર્તન કર્યું, તેનાથી ફરીથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ખાલિસ્તાની તત્ત્વો કેટલી હદે બેલગામ થઈ રહ્યા છે. એ તો સારું થયું કે કેટલાક સાહસિક શીખોએ ભારતીય રાજદૂત સાથે ધક્કામુક્કી કરી રહેલા ખાલિસ્તાન સમર્થકોને ખદેડી મૂક્યા, પરંતુ પ્રશ્ન એ છે કે શું અમેરિકા તેમના વિરુદ્ઘ કોઈ કાર્યવાહી કરશે? તેના અણસાર ઓછા જ છે, કારણ કે કેનેડા અને બ્રિટનની જેમ અમેરિકા પણ ખાલિસ્તાન સમર્થકોને પાળવા-પોષવાની સાથે જ તેમની ભારત વિરોધી ગતિવિધિઓ પ્રત્યે જાણીજોઈને આંખ મિંચામણાં કરે છે. તેની અવગણના ન કરી શકાય કે અમેરિકન પ્રશાસને સાન ફ્રાન્સિસ્કોમાં ભારતના વાણિજ્ય દૂતાવાસમાં આગચંપી કરનારા ખાલિસ્તાન સમર્થકો વિરુદ્ઘ કોઈ ઠોસ કાર્યવાહી નથી કરી. તેણે માત્ર એ ઘટનાની નિંદા કરીને જ હાથ ઊંચા કરી લીધા. જેવી ઘટના ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત સાથે થઈ, એવી જ કેટલાક સમય પહેલાં બ્રિટનના ગ્લાસગો સ્થિત ગુરુદ્વારામાં ભારતીય રાજદ્વારી સાથે થઈ હતી. ત્યાં તો ભારતીય રાજદ્વારીને ગુરુદ્વારામાં જવા પણ નહોતા દેવાયા. સમયને પારખીને ભારતીય રાજદ્વારી તરત ત્યાંથી ચાલ્યા ગયા, કારણ કે ખાલિસ્તાન સમર્થક તેમની સાથે મારપીટ કરવા તત્પર હતા. ખાલિસ્તાન સમર્થકોને સંરક્ષણ આપવાના મામલે કેનેડાની સરકાર અમેરિકા અને બ્રિટન કરતાં પણ બે વેંત આગળ છે. તે તો ભારતમાં વોન્ટેડ ખાલિસ્તાની આતંકીઓને પણ સંરક્ષણ આપી રહી છે.
ભારતમાં પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસનો પ્રમુખ ગુરપતવંત સિંહ પન્નુ છાશવારે ભારત વિરોધ ઝેર ઓકતો રહે છે, પરંતુ તેના વિરુદ્ઘ ના તો કેનેડાની સરકાર કોઈ કાર્યવાહી કરવા તૈયાર છે કે ના અમેરિકી પ્રશાસન. પન્નુ પાસે અમેરિકાની સાથે કેનેડાની પણ નાગરિકતા છે, તેથી તે આ બંને દેશોમાં બેરોકટોક પોતાની ભારત વિરોધી ગતિવિધિઓ ચલાવતો રહે છે. અમેરિકા અને કેનેડા માત્ર ખાલિસ્તાની ચરમપંથીઓને આશ્રય જ નથી આપતા, તેઓ એવાં તત્ત્વોનો ભારત વિરુદ્ઘ ઉપયોગ પણ કરી રહ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કથિત ભારતીય એજન્ટનો હાથ હોવાનો જે આરોપ કેનેડાએ લગાવ્યો હતો, તેને સાબિત કરવા માટેના પુરાવા તેણે આજ સુધી ભારતને આપ્યા નથી. એવું કરવાને બદલે કેનેડા સરકાર એવાં ત્રાગાં કરી રહી છે કે ભારતે નિજ્જરની હત્યાની તપાસમાં સહયોગ આપવો જોઇએ. આ વાહિયાત માંગ છે, કારણ કે ભારત કોઈ પુરાવા વિના કોઈપણ તપાસ ન કરી શકે. જેમ કેનેડાએ એ ગતકડું વહેતું મૂક્યું કે નિજ્જરની હત્યામાં કોઈ ભારતીય એજન્ટ સામેલ છે, એ જ રીતે અમેરિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ કથિત ગુપ્તચર બાતમીના આધાર પર એક બ્રિટિશ અખબારે એ આરોપ ઉછાળ્યો કે કોઈ ભારતીય એજન્ટ પન્નુની હત્યાની કોશિશ કરી રહ્યો હતો. એવા આરોપ ભારતને દબાણમાં લેવાની કોશિશથી વધુ કંઈ જ નથી.