Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

સુરંગની કાળી રાતના એક છેડે અજવાળું રાહ જુએ છે

29/11/2023 00:11 Send-Mail

જમણે - ડાબે, ઉપર -નીચે દૂર દૂર સુધી કશું જ દેખાય નહિ, શ્વાસ ચાલતા હોય તે છતાં જીવતા હોય એવું ન લાગે , એક નાનકડી તિરાડ પણ પ્રકાશ ન આપતી હોય, ચીસો, રુદન, લાચારી અને પીડા એની તમામ સીમાઓ વટાવીને સ્થિર અને સ્તબ્ધ થઇ ગઈ હોય. એવી સમસ્યા ફરતે ભરડો લેતી હોય જેનો કોઈ ઉકેલ ક્યારેય વિચાર્યો પણ ન હોય અને સાંભળ્યો પણ ન હોય. બધું જ મૃતઃપ્રાય હોય ત્યારે એવું શું હોય કે જીવી જવાય? જીવવા માટેની એક છેલ્લી તક પણ બહુ જ મોટી લાગે અને જીત રહેવા માટેના તમામ પ્રયત્નો જીવલેણ હોવા છત્તા આગળ વધે છે કારણકે એની પાસે એક અદભુત શક્તિ અને આશા હજી બચી છે જેનું નામ જીજીવિષા, ઉત્તરાખંડની ટનલમાં શ્વસતા એકતાલીસ માણસમાં જીજીવિષા બળકટ છે. અહીં બહાર ડ્રિલિંગ કરતા મહાકાય મશીનો બટકી પડયાં, પણ હજી એ દરેકની આશા અકબંધ છે. કારણ કે આપણામાં મરવાનો વિચાર કુદરતી નથી. જીવતા રહેવા માટેની તમામ પદ્ધતિઓ, પ્રક્રિયાઓ અને પ્રયત્નો આપણે જન્મ પહેલા અને જન્મ બાદ શીખતાં આવ્યા છે.
સંકટની પરાકાષ્ઠા હોય ત્યારે શ્વાસ ચાલે અને જીવવા માટેની અંતિમ તક મેળવવા માટે જે કઈ કરીએ એ તમામ એષણા પ્રાકૃતિક છે. પરંતુ સંકટ સમયે સ્થિર રહીને નાસીપાસ થવાને બદલે યોગ્ય દિશામાં પ્રયત્ન કરવા માટે આપણી અંદર એક પ્રકારની સ્થિતિસ્થાપકતા જરૃરી છે. ધારોકે કોઈ કુદરતી કે કૃત્રિમ આપત્તિ સર્જાય ત્યારે અમુક લોકો ચિંતા અને ભયને કારણે તદ્દન વિપરીત નિર્ણય લેતા હોય છે અને પ્રમાણમાં ઓછા લોકો સંયમ રાખીને યોગ્ય નિર્ણય લઇ શકે છે. આપણા સામાજિક જીવનમાં પણ કોઈ ઘનિષ્ઠ સંબંધનો વિચ્છેદ, અંગત વ્યક્તિનું મૃત્યુ , આર્થિક સંકટ, ગંભીર માંદગી કે અન્ય આકસ્મિક આપત્તિ સંપૂર્ણ તોડી નાખવા માટે સક્ષમ હોય છે. જે તે સમયે વ્યક્તિની અંદરની ઓબીકેટીવીટી અને ઊભા થવાની શક્યતા કામે આવે છે.
સ્થિર અને સ્થિતિસ્થાપક વ્યક્તિનાં લક્ષણો ઃ
જીવિત રહેવાની માનસિકતા ઃ રેઝિલિયન્ટ લોકો પોતાની જાતને બચી ગયેલા જીવિત વ્યક્તિઓ માને છે. એમને ખબર હોય છે કે જયારે વિપરીત પરિસ્થિતિ હોય ત્યાર પણ એમાંથી પસાર થવું જ પડશે. આથી જીવનના કઠિન સંઘર્ષોમાં એ મૃત્યુના ભયનો ભોગ નથી બનતા.
લાગણીનું નિયમન ઃ તાણ અને ચિંતાની સ્થિતિમાં આપણા સૌથી મોટા શત્રુ બહાર નહિ, આપણી અંદર હોય છે. આપણી લાગણીઓ અતિશય પાવરફુલ હોય છે. ભલભલા માણસને કમજોર કરી નાખતી લાગણીઓ સંઘર્ષના સમયે નિયંત્રિત રહે તે જરૃરી છે. જે વ્યક્તિ ખરા અર્થમાં સ્થિતિ સ્થાપક છે તેનીસૌથી મોટી ખાસિયત લાગણીનું નિયમન કરવાની હોય છે.
કાબુમાં લેવાની તત્પરતાઃ આંતરિક ચિંતાઓને કાબુમાં રાખીને બાહ્ય પરિસ્થિતિને સમજવાની શક્તિ બહુ ઓછા લોકોમાં હોય છે. કોઈ પણ પ્રકારની નિર્ણયાત્મક પરિસ્થિતિમાં મોટા સમૂહમાં રહેલી બે પાંચ વ્યક્તિઓ જ એવી હોય છે જે સ્થિતિમાં કાબુમાં રહીને સાચી દિશામાં આગળ વધે છે અને લોકો તેમને ફોલો કરી શકે છે.
સમસ્યાના સમાધાનની આવડત ઃ આપણામાં નેતૃત્વના ગુણ હોય કે લાગણીનો બૌદ્ધિક ઉપયોગ પણ આવડતો હોય પરંતુ સમસ્યાના ઉકેલ બાબતે અબુધ હોય તો તે કામ નહિ આવે. જે સ્થિતિસ્થાપકતાની આપણે વાત કરીએ છીએ એમાં પ્રોબ્લેમ સોલ્વિંગ ખૂબ અગત્યનું લક્ષણ છે. ખાણમાં ફસાયેલા શ્રમિકોમાં કોઈ એક બે એવા હશે જેમાં આ ક્ષમતા પ્રમાણમાં વધુ હશે. તેઓ આવી પડેલ વિપત્તિ માટે રડવાને બદલે બહાર નીકળવા માટે વધુ પ્રયત્નશીલ રહે છે.
સામાજિક સહયોગ ઃ જે પોતાના તમામ સામાજિક આદાન-પ્રદાન તથા વર્તનમાં સ્થિત અને સંયમિત હોય છે તેને સમાજનો સહયોગ પણ વધુ મળે છે. એમની પાસે સમાજના કાયા વરણી મદદ ક્યારે લેવી તેની પૂરતી માનસિક સ્પષ્ટતા હોય છે . આથી તે ક્યારેય કોઈનો દુરુપયોગ નથી કરતા.
દરેક વ્યક્તિમાં પડીને બેઠા થવાની ક્ષમતા ચોક્કસ હોય છે પરંતુ તેનું પ્રમાણ અને અમલીકરણ કેવું છે તે વધુ અગત્યનું છે.
બહુમાળી મકાનમાં આગ લાગે ત્યારે કોઈ સાતમા માળેથી ભુસ્કો મારે, કોઈ જોર જોરથી લિફ્ટના બટન દબાવીને ચીસો પાડે , કોઈ દાદરા શોધવા માટે આમતેમ દોડવા લાગે, કોઈ મોબાઈલ ફોન કરીને સૌથી પહેલા બાહ્ય મદદ માટેના પ્રયત્ન કરે અને પછી જાતને બચાવવા સૌથી સાવચેત જગ્યા શોધીને બેસી જાય. આગનો અનુભવ તો સૌને નહિ હોય પરંતુ કોવિડ કાળ તો બધાને અડી ગયો અને નડી પણ ગયો. એક તરફ મૃત્યુ સુધી લઇ જતી માંદગીનો ભય હતો, એક તરફ એ વાઇરસના રૃપ રંગ વિષે કોઈ માહિતી ન હતી, સાવ અચાનક દેશ આખો લગભગ બંધ થઇ ગયો હતો, તે વખતે દરેક પરિવારમાં, સમાજમાં અને શહેરમાં જે ખરા અર્થમાં સ્થિર લોકો હતા, એમણે પોતાના અને આસપાસના જીવનમાં ખુબ મહત્વનું યોગદાન આપ્યું.
- - -
સંયમિત રહીને સમસ્યામાંથી બહાર નીકળવા માટે આપણે કેવા પ્રકારની સજ્જતા કેળવવી જોઈએ?
શારીરિક સજ્જતા ઃ
શરીરમાં કુદરતી અને પરિસ્થિતિ જન્ય મોટા પરિવર્તનો આવતા હોય છે. અકસ્માત, ગંભીર માંદગી અને લાંબી સારવારો શરીરને નબળું બનાવે છે. ઉંમર વધવાની સાથે શારીરિક સ્થિરતા અપેક્ષિત છે પરંતુ તે માટે પ્રયત્નો કરવા પડે છે . તંદુરસ્ત જીવનશૈલી, પોષણયુક્ત આહાર અને નિયમિત કસરત શરીરને સંકટ સમયે વધુ મદદ કરે છે.
માનસિક સજ્જતાઃ કોઈ પણ પ્રકારના પરિવર્તન અને અનિશ્ચિતતા પડકારજનક હોય છે. જે લોકો ખરા અર્થમાં સ્થિતિસ્થાપકતા કેળવે છે તેઓ પરિવર્તન સાથે વહેવા માટે તૈયાર હોય છે. આપત્તિજનક સ્થિતિમાં શાંત રહીને પરિવર્તનની પૂર્ણ સ્વીકૃતિ કરવા માતે મન સ્થિર અને સ્વસ્થ હોવું જરૃરી છે. સમસ્યા નિવારણ કરીને આગળ વધવાનું અને દરેક આશાને યોગ્ય દિશા આપવા માટે માનસિક સજ્જતા કેળવવી અનિવાર્ય છે.
સામાજિક સજ્જતા ઃ આ એક એવો પ્રકારમાં છે જેમાં આખો સમુદાય બેઠો થવા માટે અને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે સજ્જ થાય છે. અહીં વધુ લોકો સંગઠિત થાય છે અને અંગત તથા સમૂહની સમસ્યાને પહોંચી વળવા સજ્જ રહે છે. સોશ્યલ રેઝિલિયન્સ પણ વિપત્તિમાં થી જ વધુ કેળવાય છે. મણિપુરમાં બંને સમુદાયમાં આ લક્ષણના જીવંત ઉદાહરણ જોવા મળશે. જ્યાં આખા સમુદાય પર એકસાથે આપત્તિ આવે છે ત્યાં એકત્વની ભાવના વધુ ગહેરી થાય છે. કુદરતી આપત્તિમાં પણ આપણે જોયું અને અનુભવ્યું છે. કચ્છના ધરતીકંપ પછી કે સુરતના પૂર પછી આખા શહેર અને સમુદાયને ફરી એકવાર બેઠા કરવામાં સામાજિક સજ્જતાનો ખુબ મોટો ભાગ હતો.
- - -
અખૂટ ક્ષમતા અને અતૂટ શક્યતાઓ ધરાવતા આપણે સૌ પરિવર્તન, સમસ્યાઓ, સંઘર્ષ અને જીવલેણ કટોકટીમાંથી બહાર નીકળીને એક સ્વસ્થ જીવન ફરી શરુ કરી શકીએ. વિપત્તિની તમામ સુરંગમાંથી સાજાનરવા બહાર નીકળવા માટેની પહેલી શરત છે આશા અને હિંમત. માનવ સમાજ સહકાર અને સહયોગ માને છે એટલે જ અનેક સમસ્યાઓનો સાથે પડકાર ઝીલ્યો છે. ઉત્તરાખંડની સિલકયારા સુરંગમાં ફસાઈ ગયેલા એકતાલીસ શ્રમિકો આપણા સગા કે મિત્રો નથી પરંતુ તે સુખરૃપ પરત આવે તેવી મનોકામના આપણા સૌની છે.
meghanimeshjoshi@gmail.com

મેઘા જોશી