Sardar Gurjari

સોમવાર, તા. ૧૪ ઓક્ટોબર, ૨૦૨૪, આસો સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૪, અંક -૧૧૯

મુખ્ય સમાચાર :

ચીનના વાયરસથી કેટલું ડરવા જેવું?

29/11/2023 00:11 Send-Mail

ચાર વર્ષ પહેલાં આ જ સિઝન હતી, શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી, જ્યારે ચીનથી કોરોના વાયરસની લહેર ઊઠી અને જોતજોતાંમાં આખી દુનિયા તેની ઘાતક ઝપટમાં આવી ગઈ હતી. આ વર્ષે ફરી ત્યાં એક વાયરસના પ્રસારની માહિતી મળી રહી છે અને આ વાયરસ પણ માણસ, વિશેષ કરીને બાળકોના શ્વસન તંત્ર પર હુમલો કરી રહ્યો છે. તેથી ચીનમાં ફેલાઈ રહેલ માઇકોપ્લાઝમા ન્યૂમોનિયા અને ઇન્ફ્લુએન્ઝાને લઈને દુનિયાભરમાં સ્વાભાવિક ચિંતા જોવા મળી રહી છે. જોકે આ કોઈ નવો વાયરસ નથી અને તેેને હાલમાં ત્યાં પણ નિયંત્રણમાં હોવાનું કહેવાય છે. પરંતુ તેના દર્દીઓની સંખ્યા ઘણી ઝડપથી વધી રહી છે. તેથી ભારત સરકારે પણ પોતાને ત્યાં સુરક્ષાને લઈને તમામ પ્રકારના દિશા-નિર્દેશ જારી કરી દીધા છે. રાજ્ય સરકારો અને હોસ્પિટલોને ન્યૂમોનિયાના દર્દીઓના ખાસ નિરીક્ષણ કરવા અને જરૂરી સતર્કતા ઉપાય અપનાવવાનું કહેવામાં આવ્યું છે.
સવાલ એ છે કે આ ઇન્ફ્લુએન્ઝા અને કોરોના વાયરસમાં કેટલી સમાનતા છે? નિશ્ચિતપણે આ બંને વાયરસ ઘણી ઝડપથી ફેલાય છે અને બંને પાસે મહામારી પેદા કરવાની પર્યાપ્ત ક્ષમતા છે. તેમ છતાં બંને એકબીજાથી અલગ પ્રકૃતિના વાયરસ છે. અસલમાં ચીનમાં જે એચ૯એન૨ વાયરસને કારણે ઇન્ફ્લુએન્ઝા ફેલાયો છે, તેની કેટલીય લહેર આવી ચૂકી છે અને તે એવી જ રીતે આવતી રહેશે, કારણ કે તેનું રૂપ બહુ ઝડપથી બદલાય છે. કોઈપણ વાયરસ રૂપે બદલાવ વાસ્તવમાં બે પ્રકારે થાય છે, જેને ટેકનિકલ શબ્દાવલીમાં ‘ડ્રિફ્ટ’ અને ‘શિફ્ટ’ કહે છે. ડ્રિફ્ટનો મતલબ હોય છે વાયરસના જીનમાં મામૂલી બદલાવ, જેમાં સપાટીના પ્રોટીનમાં પણ કેટલીક હદ સુધી બદલાવ થાય છે, જ્યારે શિફ્ટમાં અચાનક એટલો મોટો બદલાવ થાય છે કે તેનાથી વાયરસમાં નવું પ્રોટીન બની જાય છે. તેમાં પ્રોટીન નવું હોય છે તેથી શરીરની પ્રતિરક્ષા પ્રણાલી તેને પકડવામાં સફળ નથી થઈ શકતી. એચ૯એન૨ સમયની સાથે નવા-નવા રૂપ લેતો રહે છે, જેને કારણે લગભગ એક નિયમિત અંતરાલ પર માનવ આબાદી તેની ઝપટમાં આવતી રહે છે. આ જ કારણ છે કે એચ૯એન૨ વાયરસ પર ૨૦૧૯ બાદ હરસંભવ નજર રાખવામાં આવે છે.
હાલમાં આ બીમારી ફેલાવાનું બીજું એક કારણ પણ છે. ઇન્ફ્લુએન્ઝા સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં જ ફેલાય છે. હમણાં ચીનમાં ભારે ઠંડી પડી રહી છે અને કોરોના સમયે લગાવેલા પ્રતિબંધો પણ હટાવી લેવામાં આવ્યા છે. તેના દર્દી એ વિસ્તારો કે શહેરોમાં વધુ આવી રહ્યા છે, જે ઘણાં ઉન્નત છે અને જ્યાં જનસંખ્યાની ગીચતા વધારે છે. બાળકો એકબીજાના સંપર્કમાં વધારે રહે છે, તેથી તેમનામાં આ ન્યૂમોનિયાનો પ્રસાર ઘણો વધારે થઈ રહ્યો છે. હાલમાં રાહતની વાત એ છે કે ત્યાં મોતના સમાચાર ઓછા છે. એમ પણ ઇન્ફ્લુએન્ઝા વાયરસ કે બીમારી બુઝુર્ગોમાં વધુ ઘાતક હોય છે. તેની સારવાર સામાન્ય રીતે એ જ છે જે અન્ય ઇન્ફ્લુએન્ઝાની હોય છે અને લક્ષણ પણ સમાન રૂપે શરદી-ઉધરસના જ છે. બીમારીના લક્ષણને જોઈને જ તેનો ઉપચાર કરવામાં આવે છે. ઇન્ફ્લુએન્ઝા વાયરસ નિયમિત રીતે દુનિયાભરમાં ફેલાતો રહે છે, એટલે ભારત પણ તેમાં બાકી નથી. સંભવત: આ નવો વાયરસ પણ અહીં આવી શકે છે. બસ મુશ્કેલી એ છે કે તેની ખબર જ્યાં સુધી પડે છે ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હોય છે અને ચારેબાજુ તેનો ફેલાવો થઈ ગયો હોય છે. ચીનમાં પણ હોસ્પિટલો હાંફવા લાગી છે, કારણ કે તેના પર અચાનક દર્દીઓનો બોજ આવી ગયો છે.
ભારત સરકારે સ્વાભાવિક જ આ સંદર્ભમાં દિશા-નિર્દેશ જારી કર્યા છે. આ એક પ્રશંસનીય પહેલ છે. આ દિશા-નિર્દેશમાં પૂર્વ તૈયારીની ચર્ચા છે. સારી વાત એ છે કે કોવિડને કારણે ચીજો ઘણી હદ સુધી કામ કરવા લાગી છે. જોકે આપણે ત્યાં એ વિસ્તારોમાં ખતરો વધારે છે, જ્યાં બહારથી લોકો આવે છે. ખાસ કરીને મહાનગરોથી આ વાયરસનો પ્રસાર થઈ શકે છે. જોકે સુખદ વાત એ છે કે અત્યાર સુધી એવો કોઈ ઉભાર જોવા નથી મળ્યો. બહુ શક્ય છે કે જોવા ન પણ મળે, કારણ કે આ વાયરસ અલગ-અલગ દેશોમાં અલગ-અલગ રૂપ અખત્યાર કરે છે. તેમ છતાં આપણે સાવધ રહેવું પડશે અને એના પર નજર રાખવી પડશે. કોઈ પ્રકારની અફરાતફરીથી બચવાનો આ જ યોગ્ય રસ્તો છે.