ભારતીય સંસ્કૃતિમાં માતૃપૂજાનું પ્રચલન સુદીર્ઘ કાળથી ચાલ્યું આવે છે, પરંતુ આ કાળની પરિભાષા શું છે? માતૃપૂજાનું પ્રચલન આ પાવન ધરા પર ક્યારે શરૂ થયું? આ કંઇક એવા પ્રશ્નો છે જે નિશ્ચિતપણે સામાન્ય જનમાનસમાં પણ પેદા થતો હશે. ઉપરોક્ત પ્રશ્નોનો જવાબ માત્ર પુરાતાત્વિક અધ્યયન અને ઐતિહાસિક ગ્રંથોમાં જ સમાયેલો છે.
હાલમાં ભારતીય સંસ્કૃતિનો પ્રાદુર્ભાવ લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં સરસ્વતી અને સિંધુ નદીની ઘાટીમાં થયો હતો. આ જ એ કાળ અને પાવન ક્ષેત્ર હતું જ્યાં ભારતીય સંતતિએ જગતજનની સ્વરૂપા મા અથવા દેવીને પોતાના આરાધ્ય માનીને તેમનું પૂજન પ્રારંભ કર્યું હતું. આપણા પૂર્વજોએ સરસ્વતી અને સિંધુ નદીના કનારા પર ઉન્નત સભ્યતાનું સર્જન કર્યું અને તેઓ માતૃપૂજક હતા. આ ક્ષેત્રોમાંથી મળનારી માતૃદેવીની બહુસંખ્યક મૂર્તિઓ એના તરફ જ સંકેત કરે છે. આ ક્ષેત્રમાં થયેલ ઉત્ખનનથી માટીને પકવીને બનાવેલી માતૃદેવીની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. આ મૂર્તિઓ સૌમ્ય અને રૌદ્ર રૂપ ધારણ કરેલી છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કુલ્લી નામના પુરાસ્થળથી માતૃદેવીની રૌદ્ર રૂપવાળી મૂર્તિઓ મળી છે. તે માના ચંડી સ્વરૂપ તરફ ઇંગિત કરે છે. એ પણ ઉલ્લેખનીય છે કે ૫૨ શક્તિપીઠોમાંથી એક હિંગળાજ પીઠપ ણ બલૂચીસ્તાનમાં છે.
કેટલાક પુરાતત્ત્વવિદ્દોનો એ મત છે કે દેવીનું એક સ્વરૂપ જેને આપણે મહિષાસુરમર્દિની નામે ઓળખીએ છીએ, તેનું પ્રથમ અંકન પણ સૌપ્રથમ સરસ્વતી સિંધુ સભ્યતામાં જ છે. આ મતનો આધારછે કે આ જ સભ્યતાના એક પુરાસ્થળથી મળેલી પાકી માટીની એક પટ્ટિકા જેના પર એક માનવ આકૃતિને ભાલા દ્વારા એક પાડાનો સંહાર કરતાં પ્રદર્શિત કરવામાં આવી છે. આપણે બધા જાણીએ છીએ કે મહિષાસુરમર્દિનીની કથા આ જ પ્રકારની છે. એટલું જ નહીં, બલુચિસ્તાનના જ નૌશારોમાંથી માતૃદેવીઓની આવી મૂર્તિઓ પણ મળી છે જેના મસ્તક પર સિંદુર લાગેલું હોવાના પ્રમાણ મળેલા છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે વિવાહિત સ્ત્રીઓ દ્વારા સેંથામાં સિંદુર લગાવવું ભારતીય સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ અંગ છે. આ પુરાવા એ વાતને સ્પષ્ટ કરી દે છેકે ભારતીય સમાજમાં સ્ત્રીઓના સેંથામાં સિંદુર લગાવવાનું પ્રચલન આજથી લગભગ પાંચ હજાર વર્ષ જૂનું છે.
ભારતીય વૈદિક પરંપરામાં એ માન્યતા છે કે આ ભૂમિ બધાની મા સ્વરૂપા છે. આ જ ભૂમિથી તમામ જીવજંતુ, છોડ-ઝાડ વગેરેનો જન્મ થયો છે. ઉપરોક્ત સભ્યતાના હડપ્પા નામના નગરના ઉત્ખનનથી પાકી માટીની એક પટ્ટિકા પ્રાપ્ત થઈ છે. આ પટ્ટિકા પર એક સ્ત્રીનું અંકન છે, જેના ગર્ભમાંથી એક છોડની આકૃતિ નીકળતાં દેખાડવામાં આવી છે. આ આકૃતિ એ માન્યતાનું અંકન છે જેમાં માતૃદેવી સ્વરૂપા ધરતીને સર્જનકર્તા ગણાવવામાં આવી છે.
આપણી સંસ્કૃતિમાં સપ્તમાતૃકાઓનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. કેટલાક વિદ્વાન સપ્તમાતૃકાઓનું સર્વપ્રથમ અંકન પણ આ જ સભ્યતામાં જણાવે છે. સિંધુ નદીના તટ પર આવેલ મોહેંજોદડોથી એક મુદ્રિકા મળી છે જેના પર એક પંક્તિમાં ઊભેલી સાત માનવ આકૃતિઓ છે. કેટલાક પુરાતત્ત્વવિદ્દો તેને સપ્તમાતૃકાઓથી સંબોધિત કરે છે. વસ્તુત: સપ્તમાતૃકાઓનું સુવ્યવસ્થિત અંકન આપણને ૨૪૦૦ વર્ષ પહેલાં પ્રાપ્ત થતું દેખાય છે. મોહેંજોદડોથી જ પ્રાપ્ત ધાતુથી નિર્મિત એક મૂર્તિ છે જેને કેટલાય વિદ્વાનોએ નર્તકી કહી છે. કેટલાક વર્ષ પહેલાં ભારતીય ઇતિહાસ સંશોધન પરિષદની પત્રિકામાં ઠાકુર પ્રસાદ વર્માએ ઉપરોક્ત મૂર્તિને પાર્વતીની મૂર્તિ ગણાવી હતી.
આ સભ્યતાના પતન બાદ આપણને ભારતભૂમિ પર મૂર્તિકલાનો અભાવ જોવા મળે છે. મૂર્તિઓના માધ્યમથી દેવીની આરાધનાનું પ્રચનલ આજથી લગભગ બે હજારથી વધુ વર્ષો પહેલાં પુન: શરૂ થયું. વર્તમાન મથુરા જે ભગવાન શ્રીકૃષ્ણની નગરી છે, ત્યાં એ કાળમાં દેવી પૂજા અત્યંત પ્રચલિત હતી. મથુરામાં થયેલ પુરાતાત્વિક ઉત્ખનનોથી આપણને દેવીનાં વિવિધ સ્વરૂપ જેમ કે દુર્ગા, સરસ્વતી, લ-મી, પાર્વતી અને પૂર્વમાં ઉલ્લેખિત સપ્તમાતૃકાઓ જેમ કે વારાહી, ચામુંડા, ઇન્દ્રાણી, વૈષ્ણવી વગેરેની મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે. મથુરામાં બનેલી મૂર્તિઓએ જ ભવિષ્યમાં બનનારી માતૃદેવીઓની મૂર્તિનો માર્ગ ખોલ્યો.
ઉપરોક્ત વિવરણોથી એ સ્પષ્ટ થાય છે કે માતૃદેવીનું પૂજન કે તેમનું ભારતીય જનમાનસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન એ કોઈ થોડાં વર્ષો પહેલાની ઉત્પત્તિ નથી. માતૃપૂજાનાં મૂળ તો અત્યંત ઊંડાં છે, એ જ કારણ છે કે તે ભારતીય સમાજમાં વણાયેલી છે. આપણે શારદીય નવરાત્રિમાં જે માની આરાધના કરી રહ્યા છીએ, તેની અર્ચના તો આપણા પૂર્વજ પાંચ હજાર વર્ષ પહેલાંથી કરતા આવ્યા છે. આજે જે ભૂભાગ ભારતના હિસ્સામાં નથી, ત્યાં જ કોઈ કાળમાં માતૃપૂજાનું પ્રચલન શરૂ થયું હતું જે સમયની સાથે બાધિત થયું. વર્તમાનના ભારતીય ભૂભાગ પર રહેનારો એ સમાજ, જે સનાતન સંસ્કૃતિનો વાહક છે, તે એ જ ભારતીય સમાજ છે જેની સંસ્કૃતિ આ પૃથ્વી પરની સૌથી પ્રાચીનતમ જીવંત સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ પર ભારતવાસીઓનું ગર્વ અનુભવવું સ્વાભાવિક છે.