Sardar Gurjari

બુધવાર, તા. ૬ નવેમ્બર, ૨૦૨૪, કારતક સુદ ૫, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૩૯

મુખ્ય સમાચાર :

ગરવી ગુજરાતની છબીને ખરડતી દુષ્કર્મની ઘટનાઓ

14/10/2024 00:10 Send-Mail

નવરાત્રીના સમયમાં જે પ્રકારની ઘટનાઓ સામે આવી છે તેણે માનવ સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે. ધંધા ઉદ્યોગમાં, ડ્રગ્સ, શિક્ષણ, બળાત્કાર, છેડતીને મામલે અસામાજિક અને આસુરી તત્ત્વો રાજ્યને અનેક સ્તરે ફોલી રહ્યાં છે. ગુજરાતના દરિયા કિનારે અબજો રૃપિયાનું ડ્રગ્સ ખડકાયા કરે છે ને એ ધીમે ધીમે શહેરની ગલીઓમાં પહોંચ્યું છે. કોલકાતાની રેપ અને મર્ડરની ઘટના પછી વિકૃતિને પણ મોકળાશ મળી છે. પોલીસ બંદોબસ્ત છતાં નવરાત્રિ દરમિયાન એકથી વધુ ગેંગ રેપની ઘટના બની એ બધી રીતે શરમજનક છે. પોલીસ કૈં કરતી નથી એવું નથી, તે ગુનેગારોને પકડે છે, પણ અદ્યતન સગવડો છતાં વધતા જતા ગુનાઓ પર કાબૂ મેળવી શકતી નથી તે હકીકત છે. હવે વધુ લોકો તામસી અને વિકૃતિનો પરિચય આપતા વધુને વધુ ગુનાખોરી તરફ વળી છે તે ચિંતાની વાત છે. રાજ્યમાં નહોતી બનવી જોઈતી એવી એકથી વધુ ઘટનાઓ સામૂહિક દુષ્કર્મની બની છે તેનો સંકોચ તેમને થવો જોઈએ.
નવરાત્રિ દરમિયાન ગેંગ રેપની પહેલી ઘટના ૫ ઓક્ટોબરે વડોદરાના ભાયલીની એક તરૃણી સાથે બની. કચ્છમાં ગરબા જોઈને આવતી એક યુવતી પણ દુષ્કર્મનો ભોગ બની હતી. સુરતમાં જ માંગરોળ બાદ માંડવીમાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી છે. ચૌદ વર્ષની સગીરા પર ૮ મહિના સુધી યુવકે દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી કરી. પીડિતાને અચાનક પેટમાં દુખાવો ઊપડતાં તેને હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં તેને કસુવાવડ થઈ ગઈ. પોલીસે પોકસો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
સવાલ એ ઉભો થયો છે કે, રાત મધરાત મહિલાઓ બિલકુલ નિર્ભયતાથી હરીફરી શકતી, એ સ્થિતિ હવે રહી નથી?. નવરાત્રિ પર્વમાં દુષ્કર્મ અને ગેંગ રેપ જેવી ઘટનાઓ બાદ હવે હવસથી પીડાતાં ગુજરાતમાં તળિયાઝાટક સફાઈનું કામ કરવા જેવું છે. ભાયલી પહેલાં દાહોદમાં પાંચ વર્ષની માસૂમ બાળકીને એક આચાર્યે હવસનો ભોગ બનાવી તેની હત્યા કરી. સુરેન્દ્રનગરમાં એક નશાખોરે પાંચ વર્ષની બાળકીને પીંખી નાખી. મહેસાણામાં એક સગીરા પર દુષ્કર્મ આચરાયું તો, ઉત્તર ગુજરાતમાં એક ભૂવો પણ દુષ્કર્મ આચરવા માટે જવાબદાર ઠર્યો. ધ્રાંગધ્રામાં ચાળીસ વર્ષના આધેડે એક બાળકીને હવસનો શિકાર બનાવી. બોરસદના કંચોડાપુરાના શખ્સે યુવતીને લગ્નની લાલચ આપીને અનેક વાર દુષ્કર્મ કર્યું ને પછી મારી નાખવાની ધમકી આપી. રાજકોટમાં નર્િંસગનો અભ્યાસ કરતી ૧૯ વર્ષની યુવતી પર કૌટુમ્બિક ભાઈએ જ દુષ્કર્મ કર્યાના અહેવાલ છે. આચાર્ય કક્ષાના માણસો જવાબદારીને બદલે ખૂની કે લંપટ થવા સુધી પહોંચે તો ગુજરાતમાં શૈક્ષણિક મૂલ્યોનું ધોવાણ કઈ હદનું હશે તેની કલ્પના જ કરવાની રહે.