એક સમયે મિસરમાં સંત જુન્નૂનનું બહુ મોટું નામ હતું. તેમની પાસે મોટા મોટા જ્ઞાની લોકો દીક્ષા લેવા માંગતા હતા. સંત યૂસુફ હુસેને તમને દીક્ષા લેવાની પ્રબળ ઇચ્છા પ્રગટ કરી. તેમણે માની લીધું અને બોલ્યા, ‘દીક્ષા પ્રાપ્ત કરતાં પહેલાં તમારે એક કામ કરવું પડશે. તમારે નાઇલ નદીના કિનારે એખ સંતની પાસે જઈને આ પેટી આપી દેવાની છે.’
ત્યાર બાદ તેમણે સંત યુસૂફને એક પેટી પકડાવી દીધી. યૂસુફ પેટી લઈને ચાલી નીકળ્યા. રસ્તો ઘણો લાંબો હતો. વારંવાર તેમની નજર પેટી તરફ જતી. પેટીમાં તાળું ન હતું. તેમણે વિચાર્યું કે પેટી ખોલીને જોઈ લઉં કે એક સંત બીજા સંતને ભેટમાં શું આપે છે. યૂસુફ એક છાયાદાર વૃક્ષ નીચે બેસી ગયા અને ઢાંકણું ખોલ્યું. ઢાંકણું ખોલતાં જ તેમાંથી એક ઉંદર નીકળ્યો અને ભાગી ગયો.
યૂસુફ તેની પાછળ ભાગ્યા, પરંતુ ઉંદર તેમના હાથમાં આવ્યો નહીં. પેટીમાં બીજું કશું ન હતું. યૂસુફ ઘણા દુ:ખી થયા. તેમને કચવાટ થવા લાગ્યો કે હવે તેઓ નાઇલ નદીવાળા સંતને શું કહેશે? આખરે તેઓ તે સંત પાસે પહોંચ્યા અને પેટી આપતાં બોલ્યા, ‘ક્ષમા કરજો, હું મારા પર કાબૂ ન રાખી શક્યો અને પેટીનું ઢાંકણું ખોલી નાખ્યું અને અંદરથી ઉંદર નીકળીને ભાગી ગયો.’
સંત બોલ્યા, ‘ઠીક છે, આ જ વાત તમે મહાત્મા જુન્નુનને કહેજો. અસલમાં આવું કરીને તેઓ તમારા આત્મસંયમની પરીક્ષા લેવા માંગતા હતા પરંતુ અફસોસ કે તમે પરીક્ષામાં પાર ન ઉતર્યા.’ આ સાંભળીને યૂસુફ દુ:ખી મનથી મહાત્મા જુન્નુન પાસે પહોંચ્યા અને સઘળી હકીકત કહી દીધી. જુન્નુન થોડીવાર સુધી બિલકુલ શાંત રહ્યા અને પછી સહજતાથી બોલ્યા, ‘જે વ્યક્તિ એક ઉંદર સંભાળીને પહોંચાડી નથી શકતો તે પરમ જ્ઞાનનો અધિકારી નથી. તમે પાછા જાવ અને પહેલાં આત્મસંયમનો અભ્યાસ કરો. ત્યારે જ તમને દીક્ષા મળશે.’ યૂસુફ પોતાના ઘરે પાછા ફર્યા અને આત્મસંયમનો અભ્યાસ કરવા લાગ્યા.