મહારાષ્ટ્ર : બાગી ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર ૧૨ જુલાઈ સુધી સુપ્રીમની રોક
ધારાસભ્યો-તેમના પરિવારને સુરક્ષા આપવા નિર્દેશ : મહારાષ્ટ્ર ભવન, ડે.સ્પીકર, રાજ્ય પોલીસ, શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી, કેન્દ્રને નોટિસ : ફ્લોર ટેસ્ટને લઇને વચગાળાનો આદેશ આપવાનો ઇન્કાર : આગામી સુનાવણી ૧૧ જુલાઇએ
શિંદે જૂથની અરજી પર સુપ્રીમની સખત ટિપ્પણી : પોતાના વિરૂદ્ઘના પ્રસ્તાવમાં ડે.સ્પીકર કઇ રીતે જજ બની ગયા?
મહારાષ્ટ્રમાં જારી રાજકીય સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ડેપ્યુટી સ્પીકરની ભૂમિકા સામે જ સવાલ ઉભા થઇ ગયા છે. એકનાથ શિંદે જૂથ તરફથી ૧૫ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની નોટિસ વિરૂદ્ઘ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ડે.સ્પીકરની ભૂમિકા પર સખત ટિપ્પણી કરી. અદાલતે કહ્યું કે બાગી ધારાસભ્યોએ તેમના જ વિરૂદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો કઇ રીતે તેમને નોટિસ જારી કરવામાં આવી? જસ્ટિસ સૂર્યકાંતે સવાલ કર્યો કે પોતાના વિરૂદ્ઘ દાખલ કરાયેલી અરજી પર કઇ રીતે ડેપ્યુટી સ્પકીર જાતે જજ બની ગયા? હવે આ મામલે સુપ્રીમ કોર્ટે ડે.સ્પીકરને સોગંદનામુ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ એકનાથ શિંદે સહિત તમામ બળવાખોર મંત્રીઓના વિભાગ પરત લઇ લીધા
મહારાષ્ટ્રમાં જોવા મળી રહેલા રાજકીય સંગ્રામ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેએ એકનાથ શિંદે સહિત તમામ બળવાખોર ૯ મંત્રીઓના વિભાગ પરત લઇ લીધા છે. આ વિભાગોના કામ બીજા મંત્રીઓને સોંપી દેવાયા છે. શિંદેનો વિભાગ સુભાષ દેસાઇને સોંપાયો છે. ગુલાબરાવ પાટિલનો જળ સંપદા વિભાગ અનિલ પરબને, ઉદય સામંતને ઉચ્ચ ટેન્કિલ શિક્ષણ વિભાગ આદિત્ય ઠાકરેને, સંદીપ આસારામ ભુમેરેનો રોજગાર ગેરંટી અને ફળોત્પાદન વિભાગ શંકર ગડખને, દાદા ભુસેને કૃષિ વિભાગ સંદીપન રાવ ભુમરેને સોંપી દેવાયો છે. રાજ્ય મંત્રી (ગ્રામીણ) શંભુરાજ દેસાઇના ગૃહ વિભાગની જવાબદારી સંજય બાંસોડને સોંપાઇ છે. આ રીતે રાજેન્દ્ર પાટિલ, અબ્દુલ સત્તાર અને ઓમપ્રકાશ કડૂને સોંપવામાં આવેલા નાણાં, નિયોજન, કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા, રાજ્ય ઉત્પાદક શુલ્ક, મેડિકલ શિક્ષણ, ટેક્સટાઇલ, સાંસ્કૃતિક કાર્ય અને અન્ય પછાત વર્ગ કલ્યાણ વિભાગને રાજ્ય મંત્રી વિશ્વજીત કદમ, સતેજ પાટિલ, પ્રજક્ત તાનપુરકે, અદિતિ તટકરે અને દત્તાત્રેય ભરનેને સોંપાયા છે.
સુપ્રીમ કોર્ટમાં સોમવારે એકનાથ શિંદેની અરજી પર સુનાવણી થઇ હતી. અરજીમાં બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અને ડેપ્યુટી સ્પીકર નરહરિ જરવાલની ભૂમિકા સામે સવાલ ઉઠાવવામાં આવ્યા હતાં. અદાલતે શિંદે જૂથ, મહારાટ્સ સરકાર અને શિવસેનાની દલીલો સાંભળી. ત્યારબાદ કોર્ટે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાળી ડેપ્યુટી સ્પીકરને નોટિસ પર જવાબ આપવા માટે ૧૧ જુલાઇ સુધીનો સમય આપ્યો છે. આગામી સુનાવણી પણ આ જ દિવસે થશે. આ શિંદે જૂથ માટે રાહતના સમાચાર છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર ભવન, ડેપ્યુટી સ્પીકર, મહારાષ્ટ્ર પોલીસ, શિવસેના ધારાસભ્ય દળના નેતા અજય ચૌધરી અને કેન્દ્રને પણ નોટિસ ફટકારી છે. કોર્ટે તમામ ધારાસભ્યો અને તેમના પરિવારને સુરક્ષા આપવા અને યથાસ્થિતિ જાળવી રાખવા આદેશ આપ્યો છે. ડેપ્યુટી સ્પીકરને પોતાનો જવાબ પાંચ દિવસની અંદર રજૂ કરવાનો છે. કોર્ટે ફ્લોર ટેસ્ટને લઇને કોઇ વચગાળાનો આદેશ જારી કરવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટે કહ્યું કે તેનાથી બિનજરૂરી મુશ્કેલીઓ સર્જાશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિધાનસભામાં સક્ષમ અધિકારી પાસે જવાબ માગવામાં આવશે કે તેમણે પોતાના વિરૂદ્ઘ પ્રસ્તાવ મળ્યો હતો કે નહીં? સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડેપ્યુટી સ્પીકર પોતાના જ કેસમાં જજ બની ગયા છે અને પ્રસ્તાવને ફગાવી દીધો છે. ડેપ્યુટી સ્પકીરના વકીલે કહ્યું કે ઇમેલના માધ્યમથી મોકલવામાં આવેલ સસ્પેન્શનનો પ્રસ્તાવ પ્રમાણિક નથી. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડેપ્યુટી સ્પીકર કાર્યાલયના તમામ રેકોર્ડ જોવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે પહેલા શિંદે જૂથની દલીલો સાંભળી. વકીલે કહ્યું કે શિંદે જૂથનું કહેવું છે કે ઉદ્ઘવ સરકાર લઘુમતીમાં છે. તદુપરાંત તેમણે દાવો કર્યો કે ગૌહાટીની હોટલમાં રોકાયેલા ધારાસભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. ત્યારબાદ સરકાર તરફથી હાજર થયેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, શિંદેની અરજી પર બોમ્બે હાઇકોર્ટમાં પણ સુનાવણી થઇ શકે તેમ હતી. તેમણે કહ્યું કે જ્યારે એક સ્પીકર વિરૂદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવ પડતર છે તો શું એવામાં ગેરલાયક અરજીઓ પર કોઇ નિર્ણય લઇ શકાય છે?
સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં કોણે શું કહ્યું?
શિંદે જૂથ : ડે.સ્પીકર જાતે સવાલોના ઘેરામાં, નિર્ણય કઇ રીતે લઇ શકે છે?
સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને સવાલ કર્યો કે તમે પહેલા હાઇકોર્ટે કેમ ન ગયા? અમારી પાસે કેમ આવ્યા? તેના પર શિંદે જૂથના વકીલ નીરજ કૌલે કહ્યું કે અમારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, અમને ધમકાવવામાં આવી રહ્યાં છે અને અમારા અધિકારોનું હનન થઇ રહ્યું છે. એવામાં અમે આર્ટિકલ ૩૨ અંતર્ગત સીધા સુપ્રીમ કોર્ટ આવી શકીએ છીએ. સૌથી જરૂરી મુદ્દો એ છે કે સ્પીકર કે ડેપ્યુટી સ્પીકર ત્યાં સુધી ખુરશી પર નથી બેસી શકતા જ્યાં સુધી તેમની સ્થિતિ સ્પષ્ટ નથી. ડેપ્યુટી સ્પીકરે આ મામલે નાહકની ઉતાવળ કરી. સ્વાભાવિક ન્યાયના સિદ્ઘાંતનું પાલન કરવામાં આવ્યું નથી. જ્યારે સ્પીકરના પદ પર સવાલ ઉઠી રહ્યાં હોય ત્યારે એક નોટિસ અંતર્ગત તેમને હટાવી દેવા ત્યાં સુધી ન્યાયપૂર્ણ અને યોગ્ય નથી લાગતું જ્યાં સુધી તેઓ સ્પીકર તરીકે પોતાના અધિકારોનો ઉપયોગ કરી બહુમત ના પુરવાર કરી દે. જ્યારે સ્પીકરને પોતાના બહુમત પર ભરોસો છે તે તો તેઓ ફ્લોર ટેસ્ટથી કેમ ડરી રહ્યાં છે?
મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના : બાગીઓની નોટિસ યોગ્ય ન હતી, ફગાવી દેવામાં આવે
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, બાગી ધારાસભ્યો પહેલા હાઇકોર્ટ ન જઇ સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા? શિંદે જૂથ જણાવે કે તેમણે આ પ્રક્રિયાનું પાલન કેમ ન કર્યું? કોઇ પણ કેસમાં આવું નથી થતું જ્યારે સ્પીકર સમક્ષ કોઇ મામલો પેન્ડિંગ હોય અને કોર્ટે તેમાં હસ્તક્ષેપ કર્યો હોય. જ્યાં સુધી સ્પીકર અંતિમ નિર્ણય ન લઇ લે ત્યાં સુધી કોર્ટે કોઇ પગલા નથી ભરતી. ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકર વિરૂદ્ઘ જે નોટિસ આપી હતી તેનું ફોર્મેટ ખોટું હતું. તેથી તને ફગાવી દેવામાં આવી. આ રજિસ્ટર્ડ ઇમેલથી મોકલાઇ ન હતી. તેને વિધાનસભાના કાર્યાલયમાં મોકલવામાં આવી ન હતી. ડેપ્યુટી સ્પીકરે પોતાના અધિકાર ક્ષેત્રમાં કામ કર્યું. જ્યાં સુધી આ કેસનો નિર્ણય ન આવી જાય ફ્લોર ટેસ્ટ કરવામાં ન આવે.
બાળાસાહેબ ઠાકરેનો ઉલ્લેખ કરી પાર્ટી પર કર્યો દાવો
સુપ્રીમના નિર્ણયથી ખુશ શિંદે બોલ્યા, અસલી શિવસેના જીતી
મહારાષ્ટ્રમાં જારી રાજકીય અસ્થિરતા વચ્ચે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું છે. અદાલત તરફથી ૧૫ બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતા પર ૧૨ જુલાઇ સુધી રોક લગાવી દીધી છે. તેનાથી શિંદે ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. શિવસેનાના બાગી ધારાસભ્યોએ નિર્ણય બાદ ટ્વીટ કરી તેને બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વની જીત ગણાવી છે. તેમણે મરાઠીમાં ટ્વીટ કર્યું જેનો અર્થ થાય છે, આ હિન્દુત્વ સમ્રાટ બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વ અને ધર્મવીર આનંદ દિઘે સાહેબના વિચારોની જીત છે. આ સાથે જ તેમણે હેશટેગ અસલી શિવસેનાની જીત પણ લખ્યું છે. પોતાના જૂથને અસલી શિવસેના ગણાવવાનો સ્પષ્ટ અર્થ છે કે તેઓ પાર્ટી પર દાવો કરી રહ્યાં છે.
રાજ્યપાલ ફ્લોર ટેસ્ટનો આદેશ આપી શકે છે : શિંદે જૂથ પણ ગૌહાટીથી મુંબઇ આવશે
ભાજપ અને એકનાથ શિંદે જૂથની માંગ પર રાજ્યપાલ તરફથી વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર દેવેન્દ્ર ફડણવીસના ઘરે થયેલી બેઠકમાં તેના પર ચર્ચા થઇ છે. તદુપરાંત શિંદે જૂથ પણ ગૌહાટીથી ચૌપાટી (મુંબઇ) આવવા પર વિચાર કરી રહ્યું છે.
રાજ ઠાકરે સાથે ૩ વખત વાતચીત થઇ
એમએનએસ જોઇન કરી શકે છે શિવસેનાના બળવાખોર એમએલએ
શિવસેનાના બળવાખોર ધારાસભ્ય ઉદ્ઘવના પિતરાઇ ભાઇ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં સામેલ થઇ શકે છે. એની પાછળનું કારણ એ છે કે શિંદેની પાસે બે તૃતિયાંશ એટલે કે ૩૭થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવા છતાં વિધાનસભામાં અલગ પાર્ટીને માન્યતા મળવાની વાત સરળ નથી. જો બળવાખોર ગ્રુપને રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મુદ્દાનો ઉક્ેલ જોઇએ છે તો તેમની પાસે સૌથી સરળ રસ્તો પોતાને કોઇ ગ્રુપમાં મર્જ કરવાનો છે એવામાં એક મોટી શક્યતા મનસેમાં સામેલ થવાની છે. મનસે સાથે જોડાયેલા એક મોટા નેતાએ જણાવ્યું હતું કે શિંદે ગ્રુપ તરફથી એક ઓફર જરૂર આવી છે. જોકે હાલ આ અંગે મનસે ચીફ વિચાર કરવાના છે. મનસે નેતાએ એ વાત પણ કહી છે કે બન્ને પક્ષના લોકોની વિચારધારા એક જેવી જ છે, આ કારણે જો તેઓ એક સાથે આવે છે તો એ મહારાષ્ટ્રના લોકો માટે સારી વાત હશે.આ દરમિયાન એકનાથ શિંદેએ પણ રાજ ઠાકરે સાથે ત્રણ વખત વાત કરી છે. જોકે મનસે નેતાએ તેને રાજ ઠાકરેની તબિયત પૂછવા માટે ફોન હોવાની વાત કહી છે.