સંજય રાઉતને ઇડીનું તેડુ : જમીન કૌભાંડ મામલે પૂછપરછ માટે આજે મુંબઇ ઓફિસ બોલાવ્યા
-મની લોન્ડ્રિંગ એક્ટ અંતર્ગત થશે પૂછપરછ -શિવસેનાએ કહ્યું, એજન્સીએ ભાજપ પ્રતિ પરમભક્તિનું ઉદાહરણ રજૂ કર્યું -મહારાષ્ટ્ર સરકારને ઉથલાવવા રાઉતને સમન્સ મોકલાયું : ટીએમસી
ઇડીની નોટિસ ષડયંત્ર ગણાવ્યું : આવો મારી ધરપકડ કરો, આનો પહેલાથી જ અંદેશો હતો : સંજય રાઉત
શિવસેના સાંસદ સંજય રાઉતને મની લોન્ડ્રિંગ મામલે ઇડી તરફથી તેમને મોકલવામાં આવેલ સમસન્સને ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભલે તેમની હત્યા કરી દેવામાં આવે, પરંતુ તેઓ મહારાષ્ટ્રના બાગી ધારાસભ્યોની જેમ ગૌહાટીનો માર્ગ નહીં અપનાવે. રાઉતે ટ્વીટ કર્યુ, મને હમણા જ ખબર પડી છે કે ઇડીએ મને નોટિસ મોકલી છે. મહારાષ્ટ્રમાં મોટા ઘટનાક્રમો બની રહ્યાં છે. અમે સૌ બાળાસાહેબના શિવસૈનિકો છે. આ ષડયંત્ર છે. ભલે મારી માથુ ધડથી અલગ કરી દેવામાં આવે, પરંતુ હું ગૌહાટીનો માર્ગ નહીં અપનાવું. તેમણે ઇડીને કહ્યું કે, તમે આવો અને મારી ધરપકડ કરો. આવું બનવાનું જ છે એનો મને પહેલાથી જ અંદેશો હતો.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને ઇડીએ સમન્સ પાઠવ્યું છે. તેમને આવતી કાલે મંગળવારે મુંબઇ સ્થિત ઇડી ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. રાઉદતને પતરા ચૌલ જમીન કૌભાંડ કેસમાં સમન્સ મોકલવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યસભાના સભ્ય રાઉતને કહેવામાં આવ્યું છે કે તેઓ ૨૮ જૂને દક્ષિણ મુંબઇમાં સ્થિત એજન્સીની ઓફિસમાં તેના અધિકારીઓ સમક્ષ હાજર થાય અને પીએમએલએ અંતર્ગત પોતાનું નિવેદન નોંધાવે.
ઇડીએ એપ્રિલમાં રાઉતના પત્ની વર્ષા રાઉત અને સાંસદના બે સહયોગીઓની રૂા. ૧૧.૧૫ કરોડની સંપત્તિ સીઝ કરી દીધી હતી. સંજય રાઉતને સમન્સ મોકલવા પર શિવસેનાએ સવાલ ઉઠાવ્યો છે. પાર્ટીના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે એજન્સીએ ભાજપ પ્રતિ પોતાની પરમભક્તિનું ઉદાહરણ રજૂ કર્યું છે. આ અંતર્ગત તેમને સમન્સ પાઠવવામાં આવ્યું છે. એટલું જ નહીં, ટીએમસીની પ્રતિક્રિયા પણ આવી છે અને પાર્ટીએ કહ્યું કે મહારાષ્ટ્રની સરકારને ગબડાવવા માટે સંજય રાઉતને ઇડીએ નોટિસ ફટકારી છે.
સંજય રાઉતને નોટિસ આપ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રની રાજનીતિમાં ઇડીની પણ એન્ટ્રી થઇ શકે છે. પહેલા પણ શિવસેના કેન્દ્ર સરકાર પર એજન્સીઓ દુરૂપયોગનો આરોપ મૂકતી રહી છે. એવામાં સ્પષ્ટ છે કે ફરી એકવાર તે તેને રાજકીય ગણાવી શકે છે. ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે જૂથના શિવસેના સામેના બળવાના સમગ્ર એપિસોડમાં સંજય રાઉતે અનેક આકરા નિવેદનો આપ્યા છે અને બાગી ધારાસભ્યો પર સતત હુમલા કરતાં રહ્યાં છે. એટલું જ નહીં તેઓ તો શિવસેનાના બળવાખોરોને મુંબઇ આવવા સુધીનો પડકાર આપતા રહ્યાં છે?