Sardar Gurjari

બુધવાર, તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨, શ્રાવણ વદ ૬, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૬૨

મુખ્ય સમાચાર :
ખેડા જિલ્લામાં ગત રાત્રિએ પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે વૃક્ષો, વીજપોલ ધરાશાયી સહિત નુકસાની
ઝૂંપડા અને કાચા ઘરના છાપરાં ઉડી ગયા, નિરમાલીના મુવાડામાં વીજ પોલ ધરાશાયી થતા ૬૦ વર્ષીય વૃદ્ઘનું મોત
28/06/2022 00:06 AM Send-Mail
યુદ્ઘના ધોરણે એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફે કામગીરી આરંભી
વહીવટીતંત્રની ટીમે ગતરોજ ત્રાટકેલા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મૃતક જવાનસિંહ પરમારને પીએમ અર્થે કપડવંજ ખસેડાયા છે. આ પંથકમાં ૨૫થી ૩૦ જેટલા ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયા છે. જ્યારે ૧૨થી વધુ વીજપોલ પણ અહીંયા ધરાશાયી થયા હોવાનું જિલ્લા વહીવટીતંત્ર જણાવી રહ્યું છે. યુદ્ઘના ધોરણે એમ.જી.વી.સી.એલ.ના સ્ટાફે અંધારપટ છવાયેલા ગામમાં કામગીરી આરંભી છે. તો બીજી બાજુ ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવા પણ કામગીરી આરંભી દેવામાં આવી છે. ખેડા જિલ્લાના નડિયાદ, માતર, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ સહિતના વિસ્તારોમાં વાવાઝોડાના કારણે ઢગલાબંધ વૃક્ષો ધરાશાયી થયા છે.

ખેડા જિલ્લામાં ગત સાંજ બાદ પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે જિલ્લામાં ઠેકઠેકાણે નુકસાન થયું છે. જેના કારણે કેટલાક સ્થળોએ વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કપડવંજ પંથકમાં જોવા મળી છે. વાવાઝોડાને કારણે એક વ્યક્તિનું મોત પણ થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં રવિવારે સાંજે ત્રાટકેલા વાવાઝોડાને કારણે ઠેકઠેકાણે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા છે. જેના કારણે જિલ્લાના કેટલાક રસ્તાઓ પણ બંધ થયા હતા. પવનની સાથે સાથે મેઘરાજાની પણ પધરામણી થઈ હતી.નડિયાદમાં ગત મોડી સાંજે વાવાઝોડાના કારણે જૂના બસ મથકમાં સ્લેબનો પોપડો તૂટી ગયો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. આ ઉપરાંત તાલુકા મથકોએ મોટા હોર્ડિંગ્સ સહિત ઝાડની ડાળીઓ અને વીજપોલ પણ રોડ ઉપર પડવાના બનાવો બન્યા છે.

વાવાઝોડાની સૌથી વધુ અસર કપડવંજ પંથકમાં જોવા મળી છે. આ પંથકમાં ૨૦થી વધુ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં અંધારપટ છવાઈ ગયું હતું. વીજપોલ ધરાશાયી થવાના બનાવમાં તેના ઊભા કરવા પણ વધુ સમય માંગી લેશે તેમ એમ.જી.વી.સી.એલ.ના અધિકારીઓએ જણાવ્યું છે. કપડવંજ તાલુકાના નિરમાલીના મુવાડા ગામે તથા તેના આજુબાજુના વિસ્તારમાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. નિરમાલીના મુવાડા, દુધાથલ લાટ, મુખીના મુવાડા, અલવાના મુવાડા અને સુલતાનપુર ગામોમાં ભારે નુકસાન થયું હતું. નાના નાના ઝૂંપડાઓ પણ પવનમાં ઊડી ગયા હતા. તો વળી અહીંયા કાચા ઘરના છાપરા ૫૦૦ ફૂટ ઊડીને પડ્યા હતા. નિરમાલીના મુવાડા ગામે ૬૦ વર્ષના જવાનસિંહ પરમાર પોતાના ઘરની બહાર ખાટલામાં સુતા હતા ત્યારે અચાનક પવન આવતા ઘરની બહાર ઊભો કરેલો વીજપોલ તેમના પર જ ધરાશાયી થતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.